લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, મે 2026 |
1980
ડુમસમાં કીડીયા બેટ પર ગેરકાયદે ઝીંગાતળાવો વચ્ચે ગેરકાયદે સંગ્રહ કરાયેલું ૨.૪૦ લાખ રૂપિયા કિંમતનું ૩૨૦૦ લિટર ડીઝલ ભરેલા ૧૬ બેરલ પોલીસે શોધી કાઢ્યા હતાં. ૬ બેરલ ડીઝલ રાખનાર મહેશ પટેલની ધરપકડ કરાઈ હતી જ્યારે ૧૦ બેરલ સંતાડી રાખનારા મોનિલ પટેલને વોન્ટેડ જાહેર કરાયો હતો. ડુમસ પોલીસ પાસે મળથી માહિતી અનુસાર ઇન્સપેક્ટર એમ. વી. પટેલને એવી માહિતી મળી હતી કે, તાપી નદીની વચ્ચે આવેલા કીડીયા બેટ ઉપર અમુક વ્યક્તિઓએ ઝીંગા ફાર્મિંગનાં તળાવો પાસે ડીઝલ જેવું ભેળસેળ યુક્ત જ્વલનશીલ પ્રવાહી ગેરકાયદે મેળવી સંગ્રહ કરીને સંતાડી રાખ્યું છે. ખાનગી રાહે તપાસ બાદ પોલીસ ગંગાબા ઓવારાથી નીકળી તાપી નદીમાં પશ્ચિમ દિશા તરફ કીડીયા બેટ પહોંચી હતી જ્યાં ઝીંગા તળાવ પાસે મળેલા મહેશ અમૃતભાઈ પટેલ (રહે, કાપડીયા બાગ સોસાયટી, ઝુમખા માતાના મંદિરની પાછળ, સુલતાનાબાદ ગામ) ની પૂછપરછ કરાઇ હતી. મહેશનાં કબજાવાળા તળાવ પાસે ઝાડી ઝાખરામાં કેટલાક લીલા તથા ભૂરા રંગનાં પ્લાસ્ટિકનાં ૦૬ બેરલો મળ્યા હતાં. ૯૦ હજાર કિંમતનું ૧૨૦૦ લિટર ડીઝલ જેવુ જ્વલનશીલ પ્રવાહી ભરેલા બેરલ કબજે લેવાયા હતાં. મહેશ પટેલને સાથે રાખી અન્ય વ્યક્તિઓનાં ઝીંગા તળાવોની આસપાસ પણ તપાસ કરાઇ હતી. જેમાં મજુરોનાં રહેણાંક માટે મોનીલ રસીકભાઈ પટેલ (રહે. રાઘવસાથ ફળીયુ, ભીમપોર ગામ) દ્વારા બનાવાયેલો શેડ મળ્યો હતો. આ પતરાની શેડની બાજુમાં ઝાડી-ઝાંખરાવાળી જગ્યાએથી ૧૦ બેરેલ મળી આવ્યા હતાં. આ બેરલમાંથી ૧.૫૦ લાખ રૂપિયા જેટલી કિંમતનું ૨૦૦૦ લિટર ડીઝલ જેવું પ્રવાહી મળી આવ્યું હતું. કીડીયા બેટથી ઝડપાયેલો મહેશ પટેલ ડિઝલનો જથ્થો કોની પાસે લાવ્યો હતો એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.