લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, જુન 2026 |
3366
ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરારને આખરી ઓપ આપવા માટે બંને દેશોના ટોચના સ્તરે પ્રયાસો વધુ તીવ્ર બન્યા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે અમેરિકાના વરિષ્ઠ વ્યાપારી અધિકારીઓ સાથે બેઠક યોજીને પેન્ડિંગ કલમો પર ચર્ચા કરી છે.આ કરાર અંતર્ગત બંને દેશો વર્ષોથી ચાલી આવતા વ્યાપારિક અવરોધોને દૂર કરવા અને પરસ્પર આયાત-નિકાસ ડ્યુટીમાં મોટી રાહત આપવા માટે સહમત થયા છે. બંને દેશો આગામી થોડા દિવસોમાં એક સત્તાવાર સંયુક્ત નિવેદન જાહેર કરીને આ ઐતિહાસિક ટ્રેડ ડીલની જાહેરાત કરી શકે છે.
શું છે ‘સેક્શન ૩૦૧ ટેરિફ’નો વિવાદ?
અમેરિકાના ટ્રેડ એક્ટના સેક્શન ૩૦૧ હેઠળ, યુએસ પ્રશાસન અન્ય દેશોની એવી વ્યાપારિક નીતિઓ પર દંડનાત્મક ટેરિફ (વધારાની ડ્યુટી) લગાવી શકે છે જે અમેરિકાના હિતોને નુકસાન પહોંચાડતી હોય. ભારત દ્વારા ડિજિટલ સેવાઓ પર લાદવામાં આવેલા ટેક્સ અને બૌદ્ધિક સંપદા અધિકારોના નિયમો સામે અમેરિકાએ આ કલમ હેઠળ વાંધો ઉઠાવ્યો હતો. પિયુષ ગોયલ આ મંત્રણા દ્વારા અમેરિકાને ભારતીય ઉત્પાદનો પરથી આવા કડક નિયમો અને ટેરિફ હટાવવા માટે દબાણ કરી રહ્યા છે.
જૂનની ડેડલાઇન પર નજર
અગાઉ અહેવાલ આવ્યા હતા કે અમેરિકાનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ ૧ થી ૪ જૂન દરમિયાન ભારતની મુલાકાતે આવી રહ્યું છે. બંને પક્ષો આ મુલાકાત દરમિયાન જ કરારની બાકી રહેલી માત્ર ૧% કલમોના વિવાદોને ઉકેલીને સત્તાવાર દસ્તાવેજાે તૈયાર કરવા માગે છે.