
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે મહિલા શક્તિના મહત્વ પર ભાર મૂકતા આજે લોકસભામાં જણાવ્યું હતું કે, મહિલા અનામત બિલ અને આગામી સીમાંકન પ્રક્રિયા દેશના રાજકીય અને સામાજિક માળખામાં ક્રાંતિકારી ફેરફારો લાવશે. પીએમ મોદીએ આશા વ્યક્ત કરી હતી કે ૨૦૨૬ પછી હાથ ધરવામાં આવનારું બેઠકોનું પુનર્ગઠન ભારતીય લોકશાહીને વધુ સર્વસમાવેશક અને પ્રતિનિધિત્વપૂર્ણ બનાવશે. પીએમ મોદીએ વિપક્ષને શીખ આપતાં સંસદમાં એવું પણ કહ્યું, બિલ પસાર કરો, નહીં તો ભારતની મહિલાઓ તમને માફ નહીં કરે.
આજે વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે મહિલાઓ માટે ૩૩% અનામતની અમલવારી વસ્તી ગણતરી અને સીમાંકન પ્રક્રિયા સાથે જાેડાયેલી છે. તેમણે કહ્યું કે આ એક એવી વ્યવસ્થા છે જે પારદર્શિતા અને ન્યાયીપણાને સુનિશ્ચિત કરશે, જેથી દરેક ક્ષેત્રની મહિલાઓને સંસદમાં યોગ્ય સ્થાન મળે. પીએમ મોદીએ તેમના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે નારી શક્તિનો સહયોગ અનિવાર્ય છે. મહિલા અનામત એ માત્ર રાજકીય સુધારો નથી, પણ રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં અડધી વસ્તીની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનું એક મિશન છે.
સીમાંકન અંગે ચર્ચા કરતા વડાપ્રધાને મોદીએ સંકેત આપ્યા હતા કે બેઠકોની સંખ્યામાં સંભવિત વધારો લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂત કરશે. તેમણે વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા કહ્યું કે આ પ્રક્રિયા બંધારણીય જાેગવાઈઓ મુજબ જ હાથ ધરવામાં આવશે અને તેનો ઉદ્દેશ્ય જનતાના અવાજને વધુ બુલંદ બનાવવાનો છે.
અહેવાલ મુજબ, પીએમ મોદીએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે તેમની સરકારની યોજનાઓ જેમ કે ઉજ્જવલા, મુદ્રા લોન અને પીએમ આવાસ યોજનાએ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવી છે અને હવે મહિલા અનામત તેમને રાજકીય રીતે નેતૃત્વ પૂરૂ પાડવાની તક આપશે. વડાપ્રધાને આહવાન કર્યું હતું કે દેશના તમામ નાગરિકોએ પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને આ ઐતિહાસિક સુધારાઓને આવકારવા જાેઈએ, કારણ કે આ બદલાવ આવનારી પેઢીઓ માટે એક સશક્ત અને સમૃદ્ધ ભારતનો પાયો નાખશે.
પીએમ મોદીએ ગુરુવારે મહિલા અનામત બિલ સંબંધિત સુધારાઓ પર કહ્યું કે આપણા દેશમાં જ્યારે જ્યારે ચૂંટણી આવી છે, ત્યારે મહિલાઓને મળેલા આ અધિકારનો જેણે જેણે વિરોધ કર્યો છે. તેની હાલત ખરાબમાં ખરાબ થઈ છે. ક્યારેય માફી મળી નથી. મોદીએ કહ્યું કે, તેથી જેમને પણ આમાં રાજકારણની ગંધ આવી રહી છે, તેઓ પોતાના પરિણામો જાેઈ લે. આમાં જ ફાયદો છે, જે નુકસાન થઈ રહ્યું છે તેનાથી બચી જશો. તેથી તેને રાજકીય રંગ આપવાની જરૂર નથી. તેથી, નિયતની ખોટને દેશની નારી શક્તિ ક્યારેય માફ નહીં કરે.
બિલો પર ચર્ચા માટે ૧૬ અને ૧૭ એપ્રિલે ૧૫ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આવતીકાલે સાંજે ૪ વાગ્યે મતદાન કરવામાં આવશે. સુધારા બિલમાં લોકસભા સાંસદોની સંખ્યા ૮૫૦ કરવાનો પ્રસ્તાવ છે.
દક્ષિણના રાજ્યોમાં બેઠકો ઓછી નહીં થાય : ગૃહમંત્રી
અમિત શાહે કહ્યું, આખી ચર્ચા પરના તમામ પ્રશ્નોના જવાબ હું કાલે આપીશ, પરંતુ આજે પણ કેટલાક જવાબો આપવાના છે. એક સૌથી મોટો નેરેટિવ ઊભો કરવામાં આવી રહ્યો છે કે આ જે ૩ બિલ છે. તે આવવાથી દક્ષિણના રાજ્યોની લોકસભામાં ક્ષમતા ઓછી થઈ જશે. હું બિલ જે ગૃહ સમક્ષ છે. તેનું પ્રેક્ટિકલી જણાવી રહ્યો છું. કર્ણાટક રાજ્યમાં ૨૮ બેઠકો છે, આ બિલ પસાર થયા પછી કર્ણાટકની સંખ્યા ૪૨ થઈ જશે અને ટકાવારી ૫.૧૪ થઈ જશે. આંધ્ર પ્રદેશમાં હાલમાં ૨૫ બેઠકો છે, તેની ટકાવારી ૪.૬૦% છે. બિલ પસાર થયા પછી બેઠકો ૩૮ થઈ જશે. તેલંગાણામાં ૧૭ બેઠકો છે, તેની ૩.૧૩% છે. બાદમાં વધીને ૨૬ થઈ જશે. તમિલનાડુમાં ૩૯ સાંસદો છે, તેની ટકાવારી ૭.૧૮% છે. આ વધીને ૫૯ સાંસદો થઈ જશે. નવા ગૃહમાં ટકાવારી ૭.૨૩ થઈ જશે. કેરળમાં ૨૦ સાંસદો છે, ૩.૬૮% સાંસદો છે. જે વધીને ૩૦ સાંસદો થઈ જશે.
સાઉથ વિશે કેજીના બાળકને સમજાય એટલી સરળતાથી જણાવીશ : અમિત શાહ
અમિત શાહે કહ્યું કે, કુલ મળીને સાઉથમાં સંસદની કુલ ૫૪૩ બેઠકોમાંથી ૧૨૯ સાંસદો આવે છે. આ વધીને ૧૯૫ બેઠકોનું થઈ જશે. એટલે કે તેમની શક્તિ ઓછી નથી થઈ રહી, પરંતુ વધી રહી છે. હું જવાબદારીપૂર્વક આ કહી રહ્યો છું. વેણુગોપાલ કહી રહ્યા છે કે આ કોણે કહ્યું, હું ભારતનો ગૃહમંત્રી આ વાત કહી રહ્યો છું. કાલે તેમને વિગતવાર જવાબ આપીશ. બસ કાલે સાંભળવા માટે બેસો. કેજીના બાળકને સમજાય એટલી સરળતાથી જણાવીશ, બસ ધીરજથી સાંભળો.’
ભ્રમિત કરનારા પુરુષોને મહિલાઓ ઓળખી લે છે : પ્રિયંકા
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેઓ કહી રહ્યા છે કે તેમને આનો શ્રેય નથી જાેઈતો. વારંવાર ભ્રમિત કરનારા પુરુષોને મહિલાઓ ઓળખી લે છે. સાવધાન થઈ જાઓ નહીં તો પકડાઈ જશો. ૨૦૨૩માં મોદી સરકારે જ્યારે આ બિલ પાસ કર્યું ત્યારે અમે તેનું સમર્થન કર્યું. આજે પણ તેમાં કોઈ શંકા ન હોવી જાેઈએ કે કોંગ્રેસ તેનું સમર્થન નહીં કરે. અમે મક્કમતાથી ઊભા છીએ. આજની ચર્ચા મહિલા અનામત પર નથી. મેં તેનો મુસદ્દો વાંચ્યો છે. સૌથી પહેલા તેમાં લખ્યું છે કે મહિલા અનામત ૨૦૨૯ સુધી લાગુ થાય, અમે સહમત છીએ. બીજું એ છે કે બેઠકોની સંખ્યા ૮૫૦ સુધી વધારવામાં આવશે. તેના માટે સીમાંકન આયોગ બનાવવામાં આવશે જે ૨૦૧૧ની વસ્તી ગણતરીને આધાર બનાવશે. પ્રિયંકા ગાંધીએ આજે લોકસભામાં વિપક્ષ વતી પોતાનું
મંતવ્ય મૂક્યું હતું.
પ્રિયંકાએ સરકારને પૂછ્યું- અત્યારે ૩૩% અનામત કેમ નથી આપી રહ્યા?
પ્રિયંકા ગાંધીએ કહ્યું, ૫૪૩માંથી મહિલાઓને ૩૩% અનામત કેમ નથી આપી રહ્યા. જાે પદ ગુમાવવાનો ડર ન હોય તો કેટલાક લોકો આમાં પોતાનું પદ ગુમાવી દે. જેથી મહિલાઓ અને ઓબીસી વર્ગ આવી શકે. આ આજે જ કરી દો, શુભ કામ થઈ જશે, કાળો ટીકો પણ કામ લાગી જશે.’‘દેશની મહિલાઓના નામે દેશના મૂળભૂત માળખા સાથે ચેડાં થઈ શકે નહીં. સંસદને નબળી પાડીને સત્તા ટકાવી રાખવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. આ તમારી હસ્તી, પદ અને ગરિમાને અનુકૂળ છે.
પ્પીએમ મોદીના ભાષણમાં શું-શું જાણવા જેવું છે?
• હું ક્રેડિટનો બ્લેન્ક ચેક આપી રહ્યો છું: અહીં કેટલાક લોકોને લાગે છે કે, આમાં ક્યાંક ને ક્યાંક મોદીનો રાજકીય સ્વાર્થ છે. જાે આનો વિરોધ કરવામાં આવશે તો સ્વાભાવિક છે કે રાજકીય લાભ મને થશે. જાે સાથે ચાલશો તો કોઈને પણ નહીં થાય. પછી અલગ પાસું થઈ જાય છે. અમને ક્રેડિટ નથી જાેઈતી, જેવું જ તે પસાર થઈ જાય, હું જાહેરાત આપીને બધાનો આભાર માનવા તૈયાર છું. બધાના ફોટા છપાવી દઈશું. લઈ લેજાે ક્રેડિટ. સામેથી ક્રેડિટનો બ્લેન્ક ચેક તમને આપી રહ્યો છું.
• જેને પણ ગેરંટી જાેઈએ, તે હું આપું છું: જાે ગેરંટી શબ્દ જાેઈતો હોય તો હું તે શબ્દ પણ વાપરું છું, વચનની વાત કરો છો તો તેન પણ આપું છું. તમિલમાં કોઈ શબ્દ હોય તો હું તેને પણ કહું છું. કારણ કે જ્યારે નિયત સાફ હોય ત્યારે શબ્દોની રમત કરવાની જરૂર નથી.
• કાળા કપડાં પહેરીને આવેલા લોકો નજરનો ટીકો: અહીં અમારી પરંપરા છે કે સારા કામમાં કોઈની નજર ન લાગે તેના માટે કાળો ટીકો લગાવીએ છીએ, તેથી હું તમારો (ડીએમકે) આભાર માનું છું. ખરેખર, પીએમએ ડીએમકેનું નામ લીધા વિના ઉલ્લેખ કર્યો. ડીએમકે સાંસદો આજે સીમાંકન બિલનો વિરોધ કરવા માટે કાળા કપડાં પહેરીને સંસદ પહોંચ્યા હતા.
• મહિલાઓને હક આપીને પ્રાયશ્ચિત કરી રહ્યા છીએ: આપણે ભ્રમમાં ન રહીએ, આપણે અહંકારમાં ન રહીએ. અહીં હું અને તુંની વાત નથી કરી રહ્યો. આપણે દેશની નારી શક્તિને કંઈક આપી રહ્યા છીએ. આ તેમનો હક છે. અને આપણે દાયકાઓથી તેમને રોક્યા છે. આજે તેનું પ્રાયશ્ચિત કરીને તે અપરાધમાંથી મુક્તિ મેળવવાનો અવસર છે.
Loading ...
