નાપાસ વિદ્યાર્થીઓને ૧૦ ફ્રી કોચિંગ સેન્ટર સુધી લાવવા આચાર્યોને આદેશ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, મે 2026  |   2574

ચાલુ વર્ષે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં અમદાવાદ શહેરનું પરિણામ સમગ્ર રાજ્યમાં સૌથી ઓછું નોંધાતા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. આગામી જૂન મહિનામાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના નાપાસ થયેલા અથવા પોતાના પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત ‘બેસ્ટ ઓફ ટુ’ પદ્ધતિનો અમલ થઈ રહ્યો છે, ત્યારે આ સુવર્ણ તકનો લાભ ઉઠાવી મહત્તમ વિદ્યાર્થીઓ પાસ થાય અને શહેરનું એકંદર પરિણામ સુધરે તે માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરી દ્વારા એક વિશેષ ‘પરિણામ સુધારણા અભિયાન’ હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શહેરના અલગ-અલગ ૧૦ સેન્ટરો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને આગામી ૧૫ દિવસ સુધી પરીક્ષાલક્ષી સંપૂર્ણ માર્ગદર્શન અને મફત શિક્ષણ આપવામાં આવશે. ડીઈઓ રોહિત ચૌધરીના જણાવ્યા અનુસાર, કેટલીક શાળાઓમાં વિષય શિક્ષકોની અછતને કારણે પરિણામ પર માઠી અસર પડી હોવાનું સામે આવ્યું છે, જેને પગલે વેકેશનનો માહોલ હોવા છતાં નિષ્ણાત શિક્ષકો પોતાનું સમયદાન આપીને વિદ્યાર્થીઓને તૈયાર કરશે. આ ઉપરાંત, ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને નિષ્ણાતો દ્વારા ખાસ શૈક્ષણિક વીડિયો તૈયાર કરવામાં આવ્યા છે. જેનાથી ઓનલાઇન અભ્યાસ દ્વારા અમદાવાદ સહિત અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓને પણ મોટો ફાયદો મળી રહ્યો છે. બીજી તરફ, નબળું પ્રદર્શન કરનારી શાળાઓ સામે ડીઈઓ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જે શાળાઓનું પરિણામ ૫૦ ટકા કે તેનાથી ઓછું આવ્યું છે તેવી શાળાઓના સંચાલકો અને આચાર્યો સાથે તાકીદની બેઠક યોજીને તેમનો ઉધડો લેવામાં આવ્યો હતો. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution