લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, એપ્રીલ 2026 |
3168
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે સપ્તાહ જ બાકી છે. ઉમેદવારોએ ૫ વર્ષ કોઈ કામ ન કરતા છેલ્લા થોડા દિવસોની અંદર જ ફરીથી ૫ વર્ષ આરામથી કાઢવા મત જીતવા દિવસ-રાત મહેનત કરતા જાેવા મળ્યા છે. પરંતુ ઉમેદવારોએ જ્યારે કામ કરવાનું હતું ત્યારે બેસી રહેવાનાં પરિણામે શહેરમાં રોષે ભરાયેલા લોકોને જાેઈ ઊભી પૂંછડીએ ભાગવાનો વારો આવ્યો છે. આવી જ સ્થિતિ નરોડા ,રામોલ, હાથીજણ ,લાંભા સહિતના વોર્ડમાં જાેવા મળી છે. રસ્તા, પાણી, ગટર જેવી પ્રાથમિક સુવિધાઓની વારંવાર રજુઆતો છતાં કોર્પોરેટરો દ્વારા સમસ્યાનો ઉકેલ ન લાવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. શ્યામ વિહાર, ગાયત્રીનગર, ચામુંડાનગર, શાહવાડી સહિત અનેક વિસ્તારોમાં હજુ સુધી પાયાની સુવિધા પૂરી ન પડાતા આ વોર્ડ શહેરમાં અસ્તિત્વમાં જ નહીં હોવાનું રહીશોનું માનવું છે.
અમદાવાદનાં દક્ષિણ ઝોનમાં આવેલો લાંભા વોર્ડ અમદાવાદ મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલો હોવા છતાં વોર્ડનાં રહીશો સામાન્ય એવી પાયાની સુવિધાથી વંચિત રહેતા આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ૪ પેનલ પર જીત મેળવવી અઘરી સાબિત થવાનું મતદારોનાં આક્રોશ પરથી વર્તાઈ રહ્યું છે. એક બાજુ વિકસિત ગુજરાત, વિકસિત ભારતનાં બણગાં ફૂંકતી ત્રિપલ એન્જિન સરકારનું શાસન હોવા છતાં કોર્પોરેશનની ચૂંટણી જીતવા નીકળી પડેલા ઉમેદવારોને લાંભાનાં રહીશોએ જાકારો આપ્યો છે. વોર્ડમાં અપક્ષ ઉમેદવાર ‘કાળુભાઈ ભરવાડ અહિયાં વોટ માંગવા આવવું નહીં’ એવા બેનર લગાવવામાં આવ્યા છે. અપક્ષના કોઈપણ ઉમેદવારે વોટ માંગવા આવવું નહીં એવા બેનર લગાવીને વિરોધ કર્યો છે. જ્યારે સોસાયટીમાં ‘કાળુભાઈ ભરવાડ ભાજપના દલાલ બનીને પ્રજાના હિતના ચેડા કરવા મત માંગવા આવવું નહીં’ એવા બેનર લગાવવામાં આવ્યા છે.
આ વિસ્તારમાં સામાજીક કાર્યકર ચંદ્રેશ સોલંકીએ જણાવ્યું કે શાહવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા છે. પીવાનું સરખું પાણી આવતું નથી. નળોમાં ઓછું તો ઘણીવાર બિલકુલ આવતું ન હોવાથી રહીશોએ વલખા મારવાના દિવસો આવ્યા છે. છેલ્લા છ-સાત મહિનાથી લાંભા ગામ વણકર વાસ રોહિત વાસમાં પીવાનું પાણી આવતું નથી. સ્થાનિકોએ જણાવ્યું કે અહીં ના ગટર લાઈન છે કે ના પાણીની લાઈન. આ મામલે કોર્પોરેશનનાં અધિકારીઓને પણ રજુઆતો કરી હોવાનું જણાવ્યું હતું. ભાજપનાં પૂર્વ ત્રણ કાઉન્સિલર માનસિંગ સોલંકી, ચાંદનીબેન તેજસ પટેલ, જશોદાબેન આંબલીયા, અપક્ષના પૂર્વ કાઉન્સિલર કાળુભાઈ ભરવાડને કેટલીય રજુઆતો કરી છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.
સરકાર જાે વિકાસની વાતો કરતી હોય તો અહીં આવી વિકાસ જુઓ તેમ સ્થાનિકો હવે રોષ સાથે કહી રહ્યાં છે. વિચારો, ૨૦૨૬નાં વર્ષમાં ડિજીટલ ઈન્ડિયાની વાત કરવામાં આવે છે, રાજધાનીમાં એઆઈ પર સમિટ યોજાતી હોય છે. ત્યારે સતત વિકસી રહેલા ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ શહેરમાં લાંભા વોર્ડના વિકાસને તંત્રએ જાકારો આપ્યો હોવાનું ફલિત થઈ રહ્યું છે. કાચા રસ્તાથી બનેલો વિસ્તાર, સતત રહેતી પીવાના પાણીની સમસ્યા. ખાસ કરીને ઉનાળામાં જ્યારે પીવાનું ચોખ્ખું પાણી આવતું નથી ત્યારે શહેરમાં ખરેખર વિકાસ થયો છે કે શું તે ચર્ચાનો મુદ્દો બની ગયો છે.