લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, એપ્રીલ 2026 |
2871
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાથ ધરાયેલી પીએસઆઈ કેડરની ૮૫૮ જગ્યા માટે લેખિત પરીક્ષા આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતેની ૩૭૧ શાળાઓમાં યોજાઈ હતી. શારીરિક કસોટીમાં પાસ થયેલા ૧,૧૦,૬૮૦ ઉમેદવારોમાંથી ૮૬૦૦૦ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી છે. લેખિત પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તે માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ જાતની ગેરરીતિ વગર યોજાવા તે માટે ૪૦૦૦ જેટલા પોલીસ અધિકારી કે કર્મચારીઓ તથા ૮૦૦૦ જેટલા શિક્ષણ વિભાગના અધિકારી કે કર્મચારીઓને પરીક્ષાલક્ષી કામગીરી સોંપવામાં આવી છે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર પીઆઈ પીએસઆઈ કક્ષાના એક અધિકારીને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિમણૂક કરાઈ છે. શારીરિક કસોટી દરમિયાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રિક/ફોટોગ્રાફને લેખિત પરીક્ષા પહેલા બે વખત વેરીફીકેશન કરવામાં આવી હતી. પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને જીપીએસ મારફતે ટ્રેક કરી, પોલીસ ભરતી બોર્ડ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ, કરાઈ ખાતેથી મોનિટરીંગ કરવામાં આવે છે અને સમગ્ર પરીક્ષા સીસીટીવી મોનિટરીંગ હેઠળ યોજવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ કરનાર સામે કાયદેસર યોગ્ય પગલાં ભરવામાં આવશે. હાજર રહેલા ઉમેદવારોની ઓએમઆર શીટ ટૂંક સમયમાં ગુજરાત ભરતી બોર્ડની વેબસાઈટ ઉપર અપલોડ કરવામાં આવશે.