મુંબઇ

મંગળવારની બપોર કપૂર પરિવાર માટે દુઃખના સમાચાર લઈને આવી હતી. રાજ કપૂરના દીકરા અને રણધીર કપૂરના સૌથી નાના ભાઈ રાજીવ કપૂરનું 58 વર્ષની વયે નિધન થયું હતું. રાજીવ કપૂરના નિધન બાદ બુધવારે કપૂર પરિવાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે તેમનું બેસણું નહીં યોજવામાં આવે.


રાજીવ કપૂરનાં ભાભી નીતૂ કપૂરે બુધવારે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને આ અંગેની જાણકારી આપી હતી. નીતૂ કપૂરે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક નોટ પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું, "હાલની મહામારીની સ્થિતિને જોતાં સ્વર્ગીય રાજીવ કપૂરનું બેસણું યોજવામાં નહીં આવે. સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવાયો છે. તેમના આત્માને શાંતિ મળે. રાજ કપૂરનો સમગ્ર પરિવાર આ દુઃખમાં તમારો સહભાગી છે."

નીતૂ કપૂર ઉપરાંત ભત્રીજીઓ કરિશ્મા-કરીના અને રિદ્ધિમા કપૂર સહાનીએ પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કાકા રાજીવ કપૂરનું બેસણું નહીં યોજાય તેની જાણકારી આપી હતી. કપૂર પરિવારની ત્રણેય દીકરીઓએ કોરોનાની સ્થિતિને જોતાં બેસણું રદ કરવામાં આવ્યું છે તે લખેલી નોટ શેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, 58 વર્ષીય રાજીવ કપૂરનું હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. રાજીવ કપૂરના ભાઈ રણધીર કપૂરે જણાવ્યું હતું, 'હાર્ટ અટેકના કારણે રાજીવનું અવસાન થયું છે. અમે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. બપોરે લગભગ દોઢ વાગ્યાની આસપાસ તેનું અવસાન થયું છે.'

એક્ટર-ડાયરેક્ટર રાજીવ કપૂરના અંતિમ દર્શન કરવા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણાં સભ્યો હાજર રહ્યા હતા. શાહરૂખ ખાન-ગૌરી, રઝા મુરાદ, આલિયા ભટ્ટ, તારા સુતરિયા, ચંકી પાંડે, રૂમી જાફરી, સોનાલી બેન્દ્ર સહિતના સેલેબ્સ હાજર રહ્યા હતા. રાજીવ કપૂરના અંતિમ દર્શનમાં આખો કપૂર પરિવાર સામેલ થયો હતો. રાજીવ કપૂરની અર્થીને ભત્રીજા રણબીર કપૂર અને ભાણિયા આદર જૈને કાંધ આપી હતી. તો મોટાભાઈ રણધીર કપૂરે દોણી પકડી હતી. મંગળવારે સાંજે તેમના અંતિમ સંસ્કાર થયા હતા.

રાજીવ કપૂરનું નિધન કપૂર પરિવાર માટે ઝટકા સમાન હતું. એક વર્ષમાં જ કપૂરના પરિવારના ત્રણ સભ્યોના અવસાન થયા છે. રણધીર કપૂરે એક વર્ષમાં ત્રણ ભાઈ-બહેન ગુમાવ્યા છે. જાન્યુઆરી 2020માં બહેન રિતુ નંદાનું અવસાન થયું હતું જ્યારે એપ્રિલ 2020માં ઋષિ કપૂરનું અને હવે ફેબ્રુઆરી 2021માં રાજીવ કપૂરનું નિધન થયું છે.