લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, મે 2026 |
2277
‘સોમનાથ અમૃત મહોત્સવ’ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા ૧૦૦૦ વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ ખાતે જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિરના પુનનિર્માણના ૭૫ વર્ષની ઉજવણીના અવસર ‘સોમનાથ અમૃતપર્વ- ૨૦૨૬’માં આજે સહભાગી થયા હતા. આ અવસરે વડાપ્રધાનના હસ્તે સ્મારક ડાક ટિકિટ અને ૭૫ રૂપિયાના સ્મારક સિક્કાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ અવસરે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ૭૫ વર્ષ પહેલા આજના દિવસે થયેલી સોમનાથની પુન:સ્થાપના એ સાધારણ અવસર ન હતો. ૧૯૪૭માં દેશ આઝાદ થયો પણ ૧૯૫૧માં સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સોમનાથ આપણને યાદ અપાવે છે કે કોઈપણ રાષ્ટ્ર લાંબા સમય સુધી ત્યારે જ મજબૂત રહી શકે જ્યારે તે તેના મૂળ સાથે જાેડાયેલું રહે. સોમનાથ મંદિરનું પુન:નિર્માણ થયું અને દેશે સદીઓના કલંકને ધોઈ નાખ્યો તેમ જણાવી આ ૭૫ વર્ષની યાત્રાને નવી ઊંચાઈ સોમનાથ દાદાના આશીર્વાદથી આપવી છે તેવો સંકલ્પ પણ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે ૫૦૦થી વધુ રજવાડાઓને એક કરીને આધુનિક ભારતનું સ્વરૂપ આપ્યું અને સોમનાથ ધામનું પુન: નિર્માણ કરાવીને તેમણે દુનિયાને બતાવ્યું હતું કે, ભારત માત્ર આઝાદ જ નથી થયું પણ પ્રાચીન ગૌરવને પુન: હાંસલ કરવાના માર્ગે પણ આગળ વધી ચૂક્યું છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે ૭૫ વર્ષની ઉજવણીના આ અવસરે જાેવા મળે છે કે, વિનાશમાં સર્જનનો સંકલ્પ સોમનાથ મંદિરે ચરિતાર્થ કર્યો છે. અસત પર સતનો વિજય પ્રભાસ ક્ષેત્રે વારંવાર કર્યો છે. મંદિર પુન: નિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રના કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે. સોમનાથનો અર્થ આપતા તેમણે કહ્યું હતું કે, જેના નામમાં જ સોમ એટલે કે અમૃત છે, તેને કોણ નષ્ટ કરી શકે. આ ભારતનું એવું અવિનાશી સ્વરૂપ છે, જેને સદીઓના કુત્સિત પ્રયાસો હરાવી, મિટાવી શક્યા નથી. સોમનાથ સ્વાભિમાન પર્વનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, સોમનાથ અમૃત મહોત્સવ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા ૧૦૦૦ વર્ષ સુધી ભારતની પ્રેરણાનો મહોત્સવ બની રહેશે.
ભારતની પ્રાચીન પરંપરાઓ અને વિરાસતોના સંરક્ષણમાં અનેક વિભૂતિઓનું યોગદાન : મોદી
વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન પરંપરાઓ અને વિરાસતોના સંરક્ષણમાં અનેક વિભૂતિઓનું યોગદાન છે. તેઓએ ભીમદેવ પ્રથમ, રાજા ભોજ, કુમારપાળ, રા ખેંગાર સહિતનાઓનો ઉલ્લેખ કરી સોમનાથ મંદિરના પુન:નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પ અને તેમની સાથે કનૈયાલાલ મુનશી, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, જામ સાહેબને પણ આ અવસરે યાદ કરી તેમના યોગદાનને પ્રેરણાદાયી ગણાવ્યું હતું. સોમનાથ માટે શહાદત વહોરનાર વીર હમીરસિંહ ગોહિલ અને વેગડા ભીલને યાદ કરી સોમનાથ મંદિરના નિર્માણમાં યોગદાન આપનાર અહલ્યાબાઈ હોલકર, વડોદરાના ગાયકવાડ સહિતની વિભૂતિઓએ સોમનાથ દાદાની સેવામાં જીવન સમર્પિત કર્યું હતું તેમ જણાવ્યું હતું.
વડાપ્રધાનના કાર્યક્રમની સાથે સાથે..
વડાપ્રધાનુ સ્ટેજ પર આગમન થતાજ ઉપસ્થિત જનમેદનીએ જય સોમનાથ મંદિર અંકિત ધ્વજા પતાકા લહેરાવી અભિવાદન કર્યું હતું.
વડાપ્રધાનનું સોમનાથની પ્રતિકૃતિ રૂપે મંદિરની છબી, સિંહનું પોટ્રેટ તેમજ કળશની ભેટ આપવામાં આવી હતી.
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વડાપ્રધાન ને ડમરુ અર્પણ કર્યુ
પ્રધાનમંત્રીએ પોસ્ટ વિભાગ દ્વારા ૭૫ વર્ષ પ્રાણ પ્રતિષ્ઠા સ્વાભિમાન પર્વ અવસર નિમિત્તે બહાર પાડેલી ટિકિટનું વિમોચન કર્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૭૫ રૂપિયાનો સોમનાથ મંદિરની પ્રતિકૃતિ ધરાવતો સિક્કાનું પણ અનાવરણ કર્યું
વડાપ્રધાનનો ઉદબોધનના પ્રારંભે ‘જય સોમનાથ જય સોમનાથ’ અને હર હર મહાદેવનો જય ઘોષ બોલાવ્યો હતો.
વડાપ્રધાનએ આજના જ દિવસે ૧૧ મે ૧૯૯૮ ના રોજ પોખરણ ખાતે કરવામાં આવેલ અણુ પરિક્ષણને ખાસ યાદ કર્યુ
સભામાં કેસરિયા સાફાએ રંગ જમાવ્યો. ૭૦૦ થી વધુ મહિલાઓ, પુરુષોએ માથા પર સેફરોન કલરનો સાફો અને ગળામાં કેસરી ખેસ રાખી સભામાં ઉપસ્થિતિ
સૂર્યકિરણની આકાશી સલામી અને પુષ્પવર્ષાથી સોમનાથનું નભ ગુંજી ઉઠ્યું
ભારતીય સંસ્કૃતિના તેજ અને અસ્મિતાના પ્રતીક સમાન ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ‘સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬’ ઉજવાઈ રહ્યો છે. સોમનાથ મંદિરના પુન: નિર્માણની વિરાસતના ૭૫ વર્ષની આ ઐતિહાસિક ઉજવણીમાં સહભાગી થવા વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી આજે પ્રભાસ પાટણની પવિત્ર ધરા પર પધાર્યા હતા. વડાપ્રધાનના આગમન વેળાએ વીર હમીરજી સર્કલ પાસે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારે ભારતની વિવિધ સંસ્કૃતિઓની ઝાંખી પ્રસ્તુત કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા તેમનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પથ પર વડાપ્રધાને સોમનાથની થીમ પર બનેલા આકર્ષક રેત શિલ્પને નિહાળ્યું હતું. ૭૫ ઢોલીઓ સાથે નાસિકના ઢોલ અને તૂતીના નાદ વચ્ચે પરંપરાગત પરિધાનમાં સજ્જ ૧૦૦ જેટલી બાળાઓ અને કન્યાઓએ માથે અમૃત કળશ ધારણ કરી વડાપ્રધાનને હરખભેર આવકાર્યા હતા. મંદિર પરિસરમાં પ્રવેશતા પૂર્વે પીએમ મોદીએ અખંડ ભારતના શિલ્પી અને સોમનાથ મંદિરના પુન:નિર્માણના સ્વપ્નદ્રષ્ટા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દિગ્વિજય દ્વાર પાસે ઋષિકુમારોના શંખ અને ડમરુના નાદ વચ્ચે ખાસ ‘બેલ વોક’ પરથી પસાર થઈ વડાપ્રધાન નિજ મંદિરમાં પ્રવેશ્યા હતા, જ્યાં તેમણે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહાપૂજા કરી દેશની પ્રગતિ અને જન-જનની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.