અમેરિકી સંસદમાં ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ પસાર થયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, મે 2026  |   2970

અમેરિકી સંસદમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સૈન્ય શક્તિઓને મર્યાદિત કરતો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. વોટિંગમાં ૪ રિપબ્લિકન સાંસદોએ પણ વિપક્ષી પાર્ટી ડેમોક્રેટ્સનો સાથ આપ્યો. જાેકે, ૩ રિપબ્લિકન સાંસદો વોટિંગમાં સામેલ થયા નહોતા. આ પ્રસ્તાવ ૫૦-૪૭થી પસાર થયો, જાેકે તેને કાયદો બનવા માટે હજુ કેટલાક વધુ તબક્કાઓમાંથી પસાર થવું પડશે. જાે આ પ્રસ્તાવ કાયદો બને છે, તો ટ્રમ્પ સરકારે ઈરાન વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખવા માટે કોંગ્રેસની મંજૂરી લેવી પડશે. હજુ સેનેટમાં તેના પર અંતિમ વોટિંગ થવાનું બાકી છે. આ પછી તેને રિપબ્લિકન બહુમતીવાળી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પાસેથી મંજૂરી લેવી પડશે. જાેકે, તે પછી પણ ટ્રમ્પ તેની વિરુદ્ધ વીટો કરી શકે છે. પછી તે વીટોને રદ કરવા માટે સેનેટ અને હાઉસ બંનેમાં બે-તૃતીયાંશ બહુમતી જાેઈશે, જે હાલમાં મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે. અમેરિકી સંસદના સેનેટમાં ઈરાન યુદ્ધ રોકવા અંગે બેઠક થઈ હતી. આ વોટ વિપક્ષ માટે મોટી જીત માનવામાં આવી રહી છે જે કહી રહ્યા હતા કે અમેરિકામાં યુદ્ધ શરૂ કરવાનો કે સેના મોકલવાનો અધિકાર રાષ્ટ્રપતિ નહીં પણ સંસદ પાસે હોવો જાેઈએ. અમેરિકી બંધારણમાં પણ આ જ વ્યવસ્થા આપવામાં આવી છે.

આ પ્રસ્તાવને વર્જિનિયાના ડેમોક્રેટ સેનેટર ટિમ કેન લઈને આવ્યા છે. ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે અત્યારે જ્યારે યુદ્ધવિરામની વાત થઈ રહી છે, ત્યારે ટ્રમ્પને સંસદ સામે આવીને પોતાની રણનીતિ જણાવવી જાેઈએ. ડેમોક્રેટ સેનેટર ટિમ કેને કહ્યું કે યુદ્ધ શરૂ કરવાનો અધિકાર સંસદ પાસે છે, માત્ર રાષ્ટ્રપતિ પાસે નહીં. જ્યારે વ્હાઇટ હાઉસે કહ્યું કે ટ્રમ્પે અમેરિકી સુરક્ષા માટે પોતાના અધિકારો હેઠળ કાર્યવાહી કરી છે.

અમેરિકી કાયદા મુજબ કોઈ પણ રાષ્ટ્રપતિ સંસદની મંજૂરી વિના માત્ર ૬૦ દિવસ સુધી સૈન્ય કાર્યવાહી ચલાવી શકે છે. આ પછી યુદ્ધ સમાપ્ત કરવું પડે છે અથવા કોંગ્રેસ પાસેથી પરવાનગી લેવી પડે છે, કે પછી સેનાની સુરક્ષિત વાપસી માટે ૩૦ દિવસની વધારાની મુદત માંગવી પડે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution