લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, જુન 2026 |
2574
અમદાવાદના પાલડી વિસ્તારમાં રિક્ષાચાલકો વચ્ચે પેસેન્જર બેસાડવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. પાલડી બસ સ્ટેન્ડ સામેના રિક્ષા પાર્કિંગમાં એક રિક્ષાચાલકે સાથી ચાલક પર લોખંડની પાઇપ વડે હિંસક હુમલો કર્યો હોવાની ફરિયાદ પાલડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બનાવની વિગત એવી છે કે, ગાયકવાડ હવેલી વિસ્તારમાં રહેતા ૬૧ વર્ષીય રિક્ષાચાલક અબ્દુલ મજીદ મોહમ્મદ હુસૈન શેખ શનિવારે સાંજે પાલડી બસ સ્ટેન્ડ પાસે રિક્ષા પાર્કિંગમાં ઉભા હતા. આ દરમિયાન અલ્કેશ ભરતભાઈ ચુનારા નામનો શખ્સ ત્યાં આવ્યો હતો. બપોરના સમયે પેસેન્જર બેસાડવા બાબતે અબ્દુલભાઈએ તેને ગાળો ન બોલવા સમજાવ્યો હતો, જેની અદાવત રાખી અલ્કેશે અચાનક લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો.અલ્કેશે લોખંડની પાઇપ વડે અબ્દુલભાઈના માથા પર જાેરદાર પ્રહાર કરતા તેમને ગંભીર ઈજા થઈ હતી અને માથામાં સાત ટાંકા લેવા પડ્યા હતા. આ હિંસક હુમલામાં વૃદ્ધ રિક્ષાચાલકનો જમણો હાથ પણ ફેક્ચર થયો હતો અને ડાબી આંખ નીચે પણ ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં અબ્દુલભાઈને તાત્કાલિક વી.એસ. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ મામલે પાલડી પોલીસે આરોપી અલ્કેશ ચુનારા વિરુદ્ધ બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.