23, માર્ચ 2025
396 |
મુંબઇ: આઇપીએલ 2025માં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટોસ માટે મેદાનમાં આવતાની સાથે જ રિયાન પરાગે ઇતિહાસ રચી દીધો. તે આ મામલે શ્રેયસ ઐયરને પાછળ છોડીને આઇપીએલના ઇતિહાસમાં કેપ્ટનશીપ કરનાર ચોથો સૌથી યુવા ખેલાડી બન્યો છે. રાજસ્થાન રોયલ્સના નિયમિત કેપ્ટન સંજુ સેમસનને ઇંગ્લેન્ડ સામેની ટી૨૦ શ્રેણીમાં ઈજા થઈ હતી, જેના કારણે ટીમની કેપ્ટનશીપની જવાબદારી રિયાન પરાગને સોંપવામાં આવી હતી. હાલમાં, તેની ઉંમર 23 વર્ષ 133 દિવસ છે અને તે પહેલી વાર આઇપીએલમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ પહેલા, શ્રેયસ ઐયરે 2018માં દિલ્હી કેપિટલ્સનો હવાલો સંભાળ્યો હતો, જ્યારે તે 23 વર્ષ અને 142 દિવસનો હતો. રિયાન પરાગે પોતાની પહેલી જ મેચમાં કેપ્ટનશીપ કરીને ઐયરને પાછળ છોડી દીધો અને આઇપીએલ ઇતિહાસમાં ચોથો સૌથી નાની ઉંમરનો કેપ્ટન બન્યો. આઇપીએલમાં સૌથી નાની ઉંમરનો કેપ્ટન બનવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ 2011માં 22 વર્ષ અને 187 દિવસની ઉંમરે આરસીબીની કેપ્ટનશીપ કરી હતી. આ પછી, તે 2013માં ટીમનો નિયમિત કેપ્ટન બન્યો અને તેના નેતૃત્વમાં, આરસીબી 2016માં ફાઇનલમાં પહોંચ્યું. જોકે, ટાઇટલ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે તેની ટીમને હરાવી અને ચેમ્પિયન બનવાનું તેનું સ્વપ્ન ચકનાચૂર કરી નાખ્યું. રિયાન પરાગ હવે આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કરનાર સાતમો ખેલાડી બની ગયો છે. તેમના પહેલા સંજુ સેમસન, શેન વોર્ન, રાહુલ દ્રવિડ, સ્ટીવ સ્મિથ, અજિંક્ય રહાણે અને શેન વોટસન આ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યા છે. રાજસ્થાન રોયલ્સે અત્યાર સુધી ફક્ત એક જ વાર આ ખિતાબ જીત્યો છે, જે 2008માં શેન વોર્નની કેપ્ટનશીપમાં આવ્યો હતો.
IPLમાં કેપ્ટન બનનાર સૌથી યુવા કેપ્ટન
• વિરાટ કોહલી - ૨૨ વર્ષ ૧૮૭ દિવસ
• સ્ટીવ સ્મિથ - ૨૨ વર્ષ ૩૪૪ દિવસ
• સુરેશ રૈના - ૨૩ વર્ષ ૧૧૨ દિવસ
• રિયાન પરાગ- ૨૩ વર્ષ ૧૩૩ દિવસ
• શ્રેયસ ઐયર - ૨૩ વર્ષ ૧૪૨ દિવસ