03, જુલાઈ 2025
2871 |
ઈડર, હવામાન વિભાગની આગાહી પગલે સાબરકાંઠા જીલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે અને સાવર્ત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે ઈડર તાલુકામાં બુધવારની મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો જેને લઈને કડીયાદરા ગામના રામનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેને પગલે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જયારે રામનગર વિસ્તારના ઘરોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતા અને પાણી ઘરમાં ઘૂસી જતાં ઘરવખરી અને અનાજનો જથ્થો પણ પલળી ગયો હતો સ્થાનિકોને આખી રાત પરિવાર સાથે ખાટલા પર બેસી રહીને જાગરણ કરવું પડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે અગાઉ પણ સ્થાનિકોએ ત્રણ વખત આવી પરિસ્થિતિનો સામનો કર્યો છે જ્યારે આ મામલે સ્થાનિકોએ ગ્રામ પંચાયતથી લઈને તાલુકા તંત્રને વારંવાર રજૂઆતો કરી છે છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી જેવા આક્ષેપો સાથે સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે રોષ પણ જાેવા મળી રહ્યો છે.
કડીયાદરાના રામનગર વિસ્તારમાં વરસાદી પાણી ક્યાંથી આવ્યું?
ઈડરના ચોટાસણ અને ચોરીવાડ વિસ્તારનું પાણી રોડ મારફતે રામનગરના આશરે ૩૦ થી ૪૦ ઘરોમાં પહોંચ્યું હતું જેને પરિણામે આંગણવાડી કેન્દ્રની દીવાલ નમી ગઈ હતી અને એક કૂવો પણ ધરાશાયી થયો છે તેવું જાણવા મળ્યું છે જ્યારે વરસાદ બંધ થતાં પાણી ઓસરી ગયું છે પરંતુ લોકોની મુશ્કેલીઓ યથાવત છે ત્યારે તંત્ર આ મામલે કોઈ ચોક્કસ નિકાલ લાવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે.
ઈડર પંથકમાં વહેલી સવારથી બપોર સુધીમાં ૭.૫ ઈંચ વરસાદ નોંધાયો
ઈડરમાં વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે ગુરુવારના વહેલી સવારથી બપોર સુધીમાં આશરે સાડા સાત ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે વડાલીમાં એક ઈંચ વરસાદ વરસ્યો ખેડબ્રહ્માં વિસ્તારમાં વધુ પાંચ ઈંચ વરસાદ વરસ્યો વિજયનગર વિસ્તારમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હિંમતનગરમાં ૩ ઈંચ,વડાલી ૪ ઈંચ જ્યારે પ્રાંતિજ અને તલોદમાં ૨-૨ ઈંચ વરસાદ નોંધાયો છે.
ગોરલમાં કારનું ટાયર ખાડામાં પડતા એન્જિનને નુકસાન
ઈડર પંથકમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે ત્યારે મળતી માહિતી મુજબ ગોરલ ગામના રાકેશ પ્રજાપતિ કાર લઈને ઘરે જતા હતા તે દરમિયાન વરસાદી પાણીના કારણે રસ્તા પરનો ખાડો ન દેખાતા કારનું આગળનું ટાયર ખાડામાં પડ્યું હતું જેને લઈને કારના એન્જીનના ભાગે નુકશાન પહોંચું હતું જ્યારે લોકોનું કહેવું છે કે થોડા સમય પહેલા ગોરલ ગામમાં સાબરમતી ગેસની પાઈપ લાઈન નાખવામાં આવી હતી જેને લઈને ગામમાં જ્યાં ત્યાં ખાડા ખોદી તેનું રીપેરીંગ પણ કરાયું નથી જેને કારણે આ વરસાદની સીઝનમાં ગામમાં જ્યાં ત્યાં ખાડા પડી ગયા છે જેવા આક્ષેપો સ્થાનિકોએ લગાવ્યા હતા
ઈડરમાં જલારામ મંદિર પાસે આવેલો અંડર બ્રિજ ભરાઈ ગયો
આ અંગે મળતી માહિતી મુજબ ભારે વરસાદને પગલે ઈડરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેને લઈને અનેક ઠેકાણે વરસાદી પાણી ભરાયા હતા ત્યારે ઈડર જલારામ મંદિર પાસે આવેલ અંડર બ્રિજમાં વરસાદી પાણી આવતા છલોછલ ભરાઈ ગયો હતો નોંધનીય છેકે અંડર બ્રિજનું કામ હાલમાં પ્રગતિમાં છે જેથી રેલવેનું કામ કરતી એજન્સી દ્વારા લોકોને અવરજવર કરવા માટે રસ્તાનું ડાયવર્ઝન પણ આપાયું છે
ભારે વરસાદને પગલે ગુરુવારે શાળાઓમાં રજા જાહેર કરાઈ
સાબરકાંઠા જીલ્લામાં ઈડર,વડાલી અને ખેડબ્રહ્માની પ્રાથમિક શાળામાં રજા રખાઈ હતી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ બાળકોની સલામતીના ભાગરુપે ર્નિણય જાહેર કર્યો હતો જ્યારે ભારે વરસાદ ધરાવતા વિસ્તારમાં શાળાઓના આચાર્ય પરિસ્થિતિ મુજબ રજા જાહેર કરી શકશે શિક્ષકો અને આચાર્યોને શાળામાં હાજર રહેવાની સૂચના અપાઈ હતી
ઈડરની ગૌવાવ અને ભેંસકા નદી બીજીવાર બે કાંઠે વહી
ઈડરના કડિયાદરા અને બડોલી વચ્ચેથી પસાર થતી ગૌવાવ નદીમાં પણ પાણી આવ્યું છે જ્યારે કાનપુર અને રેવાસ વચ્ચે આવેલી ભેંસકા નદી પણ બે કાંઠે વહી હતી જ્યારે આ બંને નદીઓ આ ચોમાસામાં બીજી વાર બે કાંઠે વહી છે જેને પગલે ગુહાઈ જળાશયમાં પાણીની નોંધપાત્ર આવક જાેવા મળી હતી
ભારે વરસાદને પગલે જિલ્લાના જળાશયોમાં પાણીની આવક નોંધાઈ
ભારે વરસાદને પગલે જિલ્લાના જળાશયોમાં પણ સારી આવક નોંધાઈ છે જેમાં ધરોઈ જળાશયમાં સૌથી વધુ ૫૯,૧૬૬ ક્યુસેક, હાથમતી જળાશયમાં ૧,૦૨૦ ક્યુસેક,ગુહાઈ જળાશયમાં ૭૨૭ ક્યુસેક અને હરણાવ જળાશયમાં ૫૦૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.