ભારત સહિત ૫ મિત્ર દેશના જહાજાેને હોર્મુઝ ખાડીમાંથી સેઇફ પેસેજ : ઈરાન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, માર્ચ 2026  |   2277

મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાને વ્યૂહાત્મક જાહેરાત કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અરાઘચીએ સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝની સામુદ્રધુની માત્ર દુશ્મન દેશો અને તેમના સહયોગીઓ માટે જ બંધ છે. ભારત, ચીન, રશિયા, ઈરાક અને પાકિસ્તાન જેવા દેશોના જહાજાેને આ મહત્ત્વપૂર્ણ જળમાર્ગ પરથી સુરક્ષિત પસાર થવાની મંજૂરી છે. અરાઘચીએ સરકારી ટેલિવિઝન પર આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, અમે યુદ્ધની સ્થિતિમાં છીએ, તેથી દુશ્મન દેશોના જહાજાેને પસાર થવા દેવાનું કોઈ કારણ નથી. પરંતુ જે દેશોને અમે મિત્ર માનીએ છીએ, તેમની વિનંતી પર અમારી સેનાએ સુરક્ષિત માર્ગ પૂરો પાડ્યો છે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે ભારતના બે જહાજાે થોડા દિવસો પહેલા જ આ માર્ગ પરથી સુરક્ષિત પસાર થયા હતા. ઉપરાંત ચીન, રશિયા, પાકિસ્તાન અને બાંગ્લાદેશે પણ ઈરાન સાથે સંપર્ક સાધીને આર્થિક પરિવહન ચાલુ રાખવા માટે તાલમેલ સાધ્યો છે.

હોર્મુઝ બંધ કરનાર નૌસેના કમાન્ડરને મોતને ઘાટ ઉતારાયો : ઈઝરાયલ

એક ઇઝરાયલી અધિકારીએ જણાવ્યું હતું કે દક્ષિણ ઈરાનમાં થયેલા હુમલામાં ઈરાનના વિશિષ્ટ નૌસૈનિક દળના કમાન્ડર અલીરેઝા તંગસિરીનું એક હુમલામાં મોત થયું છે. ઈરાનના શક્તિશાળી ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના નૌસૈનિક વિંગના પ્રમુખ તંગસિરીનું મોત પોર્ટ શહેર બંદર અબ્બાસમાં થયેલા હુમલામાં થયું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે કમોડોર તંગસિરી હોર્મુઝ સ્ટ્રેટના બંધ થવાની દેખરેખ માટે જવાબદાર હતા. આ મહત્વપૂર્ણ જળમાર્ગ પર ઈરાનના નિયંત્રણથી મધ્ય પૂર્વમાંથી તેલ અને ગેસનો પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. જાે આ હુમલાની પુષ્ટિ થાય છે તો તેને ઈરાનના લશ્કરી નેતૃત્વ માટે ખાસ કરીને તેની નૌકાદળ માટે મોટો ઝટકો માનવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution