લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, મે 2026 |
1980
શહેરના નિકોલ વિસ્તારમાં આવેલ આભૂષણ જ્વેલર્સમાં કરોડોની ચોરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. દુકાનમાં કામ કરતી સેલ્સ ગર્લે જ કરોડો રૂપિયાના દાગીનાની ચોરી કરતા સમગ્ર મામલે ખળભળાટ મચી ગયો હતો. જે બાદ સેલ્સ ગર્લ કેટલાય દિવસથી ફરાર હતી, જાેકે ક્રાઈમબ્રાન્ચે તેની ધરપકડ કરી છે.સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીએ દુકાનમાંથી અંદાજે રૂ ૧.૧૧ કરોડના દાગીના ચોરી કર્યા હતા. ઘટનાની જાણ થતાં નિકોલ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અનેક સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી હર્ષિદા શેટ્ટીની અમદાવાદમાંથી ધરપકડ કરી છે. નિકોલમાં અનમોલ સર્કલ પાસે આવેલા ગ્રેવિટી શોપિંગ મોલમાં ‘અભૂષણ ગોલ્ડ એન્ડ સિલ્વર’ નામનો મોટો શોરૂમ આવેલો છે. આ શોરૂમના માલિક દર્શનભાઈ જૈને નોંધાવેલી ફરિયાદ અનુસાર, શોરૂમ મેનેજમેન્ટ દ્વારા નિયમિત સ્ટોક વેરિફિકેશન (ઓડિટ) કરવામાં આવ્યું હતું. આ આંતરિક તપાસ દરમિયાન હિસાબ અને સ્ટોકમાં મોટી ગડબડ સામે આવી હતી, જેમાં કુલ ૧,૨૧૧.૯૯૧ ગ્રામ (આશરે ૧ કિલો અને ૨૧૨ગ્રામ) સોનું ઓછું હોવાનું માલૂમ પડ્યું હતું. ચોરાયેલા ઘરેણાંમાં સોનાની ચેઈન, વીંટી અને બંગડીઓ, મંગળસૂત્ર અને પેન્ડન્ટ, સોનાની ઘડિયાળ અને અન્ય કિંમતી ઘરેણાં મળીને અંદાજે ૧.૧૧ કરોડથી વધુના દાગીના ચોરીને ફરાર થઈ ગઈ હતી. શોરૂમમાં સ્ટોક ઓછો હોવાની અને હિસાબમાં ગડબડની જાણ થતાં જ માલિકને ત્યાં કામ કરતી સેલ્સગર્લ હર્ષિદા શેટ્ટી પર શંકા ગઈ હતી, કારણ કે તે અચાનક ફરાર થઈ ગઈ હતી. મામલો પોલીસ મથકે પહોંચતા નિકોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જ્યારે શોરૂમના સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વીડિયોમાં હર્ષિદા પોતાની પાછળ રહેલા કબાટમાંથી સોનાના ઘરેણાં કાઢીને પોતાના કપડાંના ગજવામાં છુપાવતા સ્પષ્ટ દેખાઈ હતી. ત્યારબાદ તે ઉપરના માળે સ્ટોરરૂમમાં જઈ પોતાની બેગ લઈને શોરૂમની બહાર નીકળી ગઈ હતી.સૂત્રોના જણાવ્યાનુસાર, પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત તપાસમાં અનેક સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે લોકેશન ટ્રેસ કરીને આરોપી હર્ષિદા શેટ્ટીને ઝડપી પાડવામાં આવી હતી.