ગાંધીનગરમાં ૧૦ ડમ્પર સાથે ૩ કરોડ રૂપિયાની રેતી જપ્ત કરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
31, મે 2026  |   2871

ગાંધીનગર ખાણ ખનીજ વિભાગે બિનઅધિકૃત રેતીના ખનન અને વહન વિરુદ્ધ વિશેષ ડ્રાઈવ ચલાવી ૧૦ ડમ્પર ઝડપ્યા અને ૩ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ ડ્રાઈવ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ યોજાઈ હતી. ખાણ ખનીજ વિભાગની ટીમે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરી હતી. ઝડપાયેલા ડમ્પરમાંથી ૫ ડમ્પર રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રેતી વહન કરતા હતા, જ્યારે અન્ય ૫ ડમ્પર રોયલ્ટી પાસની મર્યાદા કરતાં વધુ ઓવરલોડ રેતી સાથે ઝડપાયા હતા. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રોયલ્ટી પાસ વગર રેતી વહન કરતા ડમ્પર ભાટ-નાના ચિલોડા રોડ, લીમ્બડીયા ગામ, લવારપુર-વલાદ રોડ, વૈષ્ણોદેવી સર્કલ રોડ અને ખડાત-મહુડી રોડ પરથી ઝડપાયા છે. ઓવરલોડ રેતી સાથે ઝડપાયેલા ડમ્પર ધણપ ચેકપોસ્ટ, સરગાસણ સર્કલ, અડાલજ-ઝુંડાલ રોડ, વાવોલ પાસેના લીલા હોટલ રોડ અને ખોડીયાર–વૈષ્ણોદેવી રોડ પરથી ઝડપી લેવામાં આવ્યા છે. અધિકારીઓએ ઉમેર્યું કે, આ પ્રકારની આકસ્મિક ચેકિંગ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.કલેક્ટર રવીન્દ્ર ખતાલેના નેતૃત્વમાં તંત્રે ગેરકાયદેસર ખનન અને ખનિજ માફિયાઓ સામે કડક પગલાં ભર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઝુંબેશથી નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.તંત્રના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં પણ આવા ચેકિંગ અભિયાન ચાલુ રાખી જિલ્લામાં ખનિજના ગેરકાયદેસર પ્રવાહ પર અંકુશ લાવવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution