તુર્કીમાં સતત બીજા દિવસે શાળામાં ગોળીબાર વિદ્યાર્થીએ ૯ સાથીઓની હત્યા કરતાં ચકચાર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, એપ્રીલ 2026  |   2376


તુર્કીમાં બે દિવસમાં ગોળીબારની બીજી ચોંકાવનારી ઘટના બની છે. બુધવારે એક મિડલ સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બે વર્ગખંડોમાં અંધાધૂંધ ગોળીબાર કર્યાે હતો. આ હુમલામાં ૯ વિદ્યાર્થીનાં મોત થયા છે અને અન્ય ૧૩ વિદ્યાર્થી ઘાયલ થયા છે.તુર્કીના આંતરિક બાબતોના મંત્રી મુસ્તફા સિફ્તસીએ જણાવ્યું હતું કે, હુમલાખોર માત્ર ૧૪ વર્ષનો વિદ્યાર્થી હતો, જે ઘટના દરમિયાન માર્યાે ગયો છે. તે નિવૃત્ત પોલીસ અધિકારી પિતાની માલિકીના હથિયારો લઈને શાળાએ પહોંચ્યો હતો. કહરામનમરાસ પ્રાંતના ગવર્નર મુકરરેમ ઉનલુએરના જણાવ્યા મુજબ, હુમલાખોર પાસે પાંચ હથિયારો અને સાત મેગેઝીન હતા. હુમલાખોર પોલીસના હાથે માર્યાે ગયો કે તેણે પોતે આત્મહત્યા કરી તે હજુ સ્પષ્ટ થયું નથી તેમજ આ હુમલા પાછળનો હેતુ પણ જાણી શકાયો નથી.આ હુમલામાં ઘાયલ થયેલા ૧૩ લોકો પૈકી ૬ની હાલત નાજુક છે. આ ઘટનાના એક દિવસ પહેલા સનલિયુર્ફા પ્રાંતમાં એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ ગોળીબાર કરીને ૧૬ લોકોને ઘાયલ કર્યા હતા. તુર્કી સત્તાવાળાઓએ ઘટનાની ‘આઘાતજનક’ તસવીરો પ્રસારિત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.રાજ્ય સંચાલિત બ્રોડકાસ્ટર ટીઆરટી એ હુમલાખોરની ઓળખ ઈસા આરસ મેરસિનલી તરીકે કરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution