લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, મે 2026 |
1881
ગુજરાતમાં હાલ કાળઝાળ ઉનાળાનો પ્રકોપ જાેવા મળી રહ્યો છે. જેમાં સુરજદાદા આકરા પાણીએ હોય તેમ ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં ગરમીનું મોજું યથાવત રહેશે અને પશ્ચિમી પવનોની અસરને કારણે રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન ૪૧ થી ૪૫ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની પ્રબળ શક્યતા છે. આ ગંભીર સ્થિતિને જાેતા વહીવટીતંત્ર દ્વારા અલગ-અલગ જિલ્લાઓમાં સાવચેતીના ભાગરૂપે એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, ૧૧ થી ૧૭ મે દરમિયાન વાતાવરણ સૂકું રહેશે અને આગામી ચાર દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ઘટાડો થવાની સંભાવના નથી, જાેકે ત્યારબાદ પારો ૨ થી ૩ ડિગ્રી નીચે ગગડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ગરમીનું જાેર વધુ જાેવા મળશે. જેમાં કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લા માટે આગામી ત્રણ દિવસ ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ અને દ્વારકા સહિત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર તેમજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના આણંદ, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં ‘યલો એલર્ટ’ ની ચેતવણી આપવામાં આવી છે. પવનની ગતિની વાત કરીએ તો, દરિયાકાંઠાના વિસ્તારોમાં ૧૫ થી ૨૦ નોટની ઝડપે પશ્ચિમી અને ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાશે, જે ક્યારેક ૨૫ નોટની ગતિ પણ પકડી શકે છે. અમદાવાદમાં પણ ગરમીનો પારો ૪૪ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે તાજેતરમાં કંડલા એરપોર્ટ પર સૌથી વધુ ૪૫.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે સામાન્ય કરતા ઘણું વધારે છે. રાજ્યના અન્ય શહેરો જેવા કે સુરેન્દ્રનગરમાં ૪૫ ડિગ્રી, અમદાવાદમાં ૪૩.૩ ડિગ્રી અને ગાંધીનગરમાં ૪૨.૯ ડિગ્રી તાપમાન સાથે લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. હાલમાં સુરત, પોરબંદર, કેશોદ અને સુરેન્દ્રનગર સહિત પાંચ સ્થળોએ હીટવેવની અસર જાેવા મળી રહી છે. જેના કારણે નાગરિકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.