દિલ્હી-

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારાને કારણે જનતા પહેલાથી જ મુશ્કેલીમાં મુકાઈ રહી છે, ત્યારે હવે સરકારી તેલ કંપનીઓએ ગુરુવારે લોકોને વધુ એક ઝટકો આપ્યો હતો. તેલ કંપનીઓએ ઘરેલું ગેસ સિલિન્ડર અને વ્યાપારી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. આવી સ્થિતિમાં ઘરેલું ગેસ સિલિન્ડર 25.50 રૂપિયા મોંઘો થઈ ગયો છે, જ્યારે કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 84 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પાટનગર દિલ્હીમાં હવે ઘરેલું એલપીજી 14.2 કિલો સિલિન્ડર હવે 809 રૂપિયાથી વધીને 834.50 રૂપિયા પર પહોંચી ગયો છે. આજ રીતે નવા ભાવનો અમલ આજથી દેશના જુદા જુદા શહેરોમાં કરવામાં આવ્યો છે.

અગાઉ ઓઇલ કંપનીઓએ 1 જૂને ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. જોકે, 19.2 કિલો વ્યાપારી સિલિન્ડરોના ભાવમાં 122 રૂપિયાનો ઘટાડો કરાયો હતો. જેના કારણે તે પ્રતિ સિલિન્ડર રૂ 1473.50 થઈ ગયો છે, જે અગાઉ સિલિન્ડર દીઠ 1595.50 રૂપિયા હતો. આ અગાઉ મે મહિનામાં પણ વેપારી એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ .45 નો ઘટાડો કરવામાં આવ્યો હતો. તે સમયે તેના ભાવ ઘટીને રૂ .1610.50 પર આવી ગયા હતા. જ્યારે સ્થાનિક એલપીજીના ભાવ એક જેવા જ રહ્યા હતા. સરકારી તેલ કંપનીઓએ એપ્રિલ મહિનામાં એલપીજી ગેસના ભાવ ઘટાડ્યા હતા. ત્યારબાદ તે 10 રૂપિયામાં સસ્તી થઈ હતી. પરંતુ ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા વધારાને કારણે આ વખતે કંપનીઓએ ઘરેલું અને વ્યાપારી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

ફેબ્રુઆરીમાં સૌથી વધુ ભાવ વધારો

આ વર્ષે એટલે કે 2021માં એલપીજીના ભાવમાં મહત્તમ વધારો જોવાયો હતો. જાન્યુઆરી સિવાય મોટાભાગના મહિનામાં તેમાં વધારો કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીએ ઓઇલ કંપનીઓએ સ્થાનિક એલપીજીના ભાવમાં રૂ .25 નો વધારો કર્યો હતો. જેના કારણે સિલિન્ડર 694 રૂપિયાથી વધીને 719 રૂપિયા થઈ ગયો હતો. જે પછી 15 ફેબ્રુઆરીએ ભાવમાં 50 રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો. 25 ફેબ્રુઆરીએ તેની કિંમત 25 રૂપિયાના ઉછાળા સાથે વધીને 794 રૂપિયા થઈ ગઈ હતી. 1 માર્ચે ઘરેલું ગેસના ભાવમાં ફરીથી 25 રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો. જોકે, એપ્રિલમાં એલપીજીના ભાવમાં 10 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો હતો.