લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, મે 2026 |
693
ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં આવેલી શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડે ટેરાબાઇટ ડેટા સ્પેસમાં રોકાણના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ ઉઠ્યો છે, જેમાં કંપનીના એમડી ઉત્પલ પટેલ પરિવાર સાથે અચાનક લાપતા થતાં ગુજરાત, હરિયાણા અને ગોવાના સેંકડો રોકાણકારો મુશ્કેલીમાં મૂકાયા છે.ડભોડા પોલીસ મથકે અત્યાર સુધી ૩૫ જેટલા રોકાણકારોએ કરોડોની ઠગાઈ અંગે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. પોલીસે તપાસની કામગીરી શરૂ કરી છે અને મજબૂત પુરાવા એકઠા કરવા માટે કાર્યવાહી કરી રહી છે. કંપનીએ ટેરાબાઇટ ડેટા સ્પેસ ખરીદવાની સ્કીમ રજૂ કરી હતી, જેમાં દર મહિને ૫ ટકા વળતર આપવાની ખાતરી આપી હતી.શરૂઆતમાં સમયસર વળતર મળતાં રોકાણકારોમાં વિશ્વાસ જાગ્યો હતો. ઘણા લોકોએ પોતાની આજીવનની જમાપુંજી, દાગીના વેચી કે લોન લઈને કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. રોકાણકારોના જણાવ્યા અનુસાર, કંપનીએ મોટા પાયે ભૂમિ પૂજન જેવા જાહેર કાર્યક્રમો કરીને પોતાને પ્રોફેશનલ કોર્પોરેટ જૂથ તરીકે પ્રસ્તુત કર્યું હતું. ગિફ્ટ સિટીમાં ઓફિસ હોવાને કારણે પણ લોકોએ કંપનીને વિશ્વસનીય માની હતી.છેલ્લા બે મહિનાથી વળતર બંધ થતાં અને ઓફિસમાં કોઈ જવાબદાર હાજર ન રહેતાં રોકાણકારોમાં રોષ ફાટી નીકળ્યો છે. પ્રાથમિક અંદાજે આ કૌભાંડમાં ૩૩,૦૦૦થી વધુ રોકાણકારો ફસાયા હોવાની શક્યતા છે અને કુલ રકમ ૪૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે. કેટલાક રોકાણકારોએ ૫ લાખથી ૩ કરોડ સુધીની રકમ ગુમાવ્યાની ફરિયાદ કરી છે.ડભોડા પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, અત્યાર સુધી ૩૨ અરજદારોએ લેખિત અરજી આપી છે, જેમાંથી બે લોકોએ નિવેદન નોંધાવ્યા છે. એક રોકાણકારના ૮૫ લાખ અને બીજાના ૪૫ લાખ, એમ કુલ ૧.૩૦ કરોડ રૂપિયા ફસાયા છે. પોલીસે અન્ય રોકાણકારો પાસેથી પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. કંપનીનો માલિક વિદેશ ભાગી ગયો હોવાની ચર્ચા પણ છે.એક રોકાણકાર સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે ઓન કેમેરા આવવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ઉત્પલ પટેલે ઝૂમ મિટિંગમાં ૩૧૨ કરોડનું ટર્નઓવર થયાનું જણાવ્યું હતું અને બે મહિનામાં પૈસા ચુકવવાની ખાતરી આપી હતી. યુદ્ધના કારણે પૈસા અટક્યા હોવાનો પણ દાવો કર્યો હતો.ઉચ્ચ કક્ષાએથી આ મામલે ઝીણવટપૂર્વક તપાસના આદેશ મળ્યા છે. પોલીસે પુરાવા એકઠા કરી કાયદેસર ગુનો દાખલ કરવાની તૈયારી દર્શાવી છે. હવે જાેવું રહ્યું કે, પોલીસ તપાસમાં ભોગ બનેલા રોકાણકારો કેટલો સહયોગ આપે છે.