રાંદેરનાં રામનગર પાસે સિંધી યુવકની ચપ્પુનાં ઘા ઝીંકીને ઘાતકી હત્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, મે 2026  |   1881

શહેરનાં રાંદેર વિસ્તારમાં સિગારેટ પીવા બાબતે સગીર થયેલી થયેલી માથાકૂટ બાદ ગેરેજ સંચાલકની ચાકુનાં ઘા ઝીંકી ઘાતકી હત્યા કરાઇ હતી. ક્રાઇમ કેપિટલ બની રહેલાં સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી હત્યા તેમજ હુમલાનાં બનાવો વધી ગયા હોવાથી પોલીસ સત્તાધીશોએ નાઇટ પેટ્રોલિંગ, બાઇક પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે તેમ છતાં ગઇકાલે રવિવારે મોડી રાત્રે વધુ એક બનાવ બનતાં ચકચાર મચી ગઇ છે. પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર અડાજણ ખાતે આનંદ મહલ રોડ પર પારસ નગર સોસાયટીમાં ૩૩ વર્ષીય અમર ઉર્ફે કાળુ દૌલતભાઈ પંજવાણી તેમના પરિવાર સાથે રહે છે. રાંદેરના રામનગર વિસ્તારમાં ગેરેજ ચલાવતો અમર પંજવાણી રવિવારે સાંજે પાનનાં ગલ્લા પર સિગરેટ પીવા માટે ઉભો હતો. આ દરમિયાન ત્યાં તેનો પરિચય મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલ અને નેપાળી તરૂણ આવ્યો હતો. એ સગીર અને અમર વચ્ચે સિગારેટ બાબતે માથાકૂટ થઇ હતી. વાદ વિવાદ વધ્યો અને વાત ગાળાગાળી સુધી પહોંચી ગઇ હતી.

આ વાતનું તરૂણને માઠું લાગી ગયું હતું, એ સમયે તો તે ત્યાંથી શ્રવણ સાથે જતો રહ્યો હતો. જાે કે, ઘરે પહોંચ્યા બાદ પણ તેના મનમાં અમર સાથેનો ઝઘડો ઘૂમરાયા કરતો હતો. ગુસ્સામાં લાલચોળ થયેલા નેપાળી તરૂણે ઘરના રસોડામાંથી ચાકુ લીધું અને બહાર નીકળ્યો હતો. તેણે ફરીથી મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલને મળવા બોલાવ્યો હતો. શ્રવણ આવ્યો તો ખરો પરંતુ તેની સાથે અમર પંજવાણી પણ હતો. આ ત્રણેય સિગારેટ પીવા નીકળ્યા ત્યારે તેઓ વચ્ચે ફરીથી માથાકૂટ થઇ હતી.

દરમિયાન તરૂણે મોપેડ રામનગર સરકારી વસાહત પાસે લીધી હતી. જ્યાં તરૂણે ફરીથી પંજવાણી સાથે ગાળાગાળી કરી હતી. એ સમયે શ્રવણ ઉર્ફે ગોપાલે પણ તરૂણનો સાથ આપ્યો હતો. દરમિયાન નેપાળી તરૂણે અને ઘરેથી લાવ્યો હતો એ ચપ્પુ વડે તેને છાતીના ભાગે ઘા ઝીંકી દીધા હતાં. પંજવાણી લોહીલુહાણ થઇ ઢળી પડ્યો એટલે બંને ત્યાંથી ફરાર થઇ ગયા હતાં. અમરનું મોત થયું હોવાનું જાણી ગયેલા તરૂણે વતન નેપાળ ભાગી જવાની તૈયારી કરવા માંડી હતી. જાે કે, આ મામલે જાણ થતાં રાંદેર પોલીસે તુરંત તપાસ હાથ ધરી અને તરૂણને ઝડપી પાડ્યો હતો. સાથે જ ઉગત કેનાલ રોડ ઉપરથી શ્રવણ ઉર્ફે ગોપાલને પણ ગિરફ્તમાં લેવાયો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution