લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, એપ્રીલ 2026 |
સુરત |
2079
પૂછ્યા વિના ભાણીનાં લગ્ન નક્કી કરી નાંખવાની અદાવત રાખી માસાએ કેરોસીન છાંટી સાસુને આગ ચાંપી દીધી હતી. બચાવવા ગયેલા ભાણેજનાં શરીરે પણ કેરોસીન છાંટી આગ ચાંપવાનો પ્રયાસ કરાયો હતો.
પાંડેસરા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ભીડભંજન વિસ્તારના શ્રીરામ નગરમાં આશાબેન સુનિલભાઇ જાદવ તેમના સંતાનો સાથે રહે છે. પતિનું વર્ષ ૨૦૨૧માં નિધન થયા બાદ આશાબેન જુદી જુદી જગ્યાએ સાફ સફાઇનું કામ કરી ત્રણ સંતાનોનું ગુજરાત ચલાવે છે. તેણીની માતા રત્ના સોનવણેએ ૨૧ વર્ષીય દીકરી રોહિણીની સગાઇ પુનિતનગરમાં રહેતાં ભગવાન ભદાણેનાં દિકરા દશરથ સાથે નક્કી કરી હતી. ૨૩મી માર્ચે સગાઇ થાય એ પહેલા આશાની મોટી બહેન સંગીતા (રહે, કર્મયોગી સોસાયટી, વિભાગ-૦૨, પાંડેસરા)નાં પતિ મનોહર મહાજનને માથાકૂટ કરી હતી.
રોહિણીની સગાઇ મારા સંબંધી સાથે કરાવાઇ નથી અને આ સંબંધ અંગે મને પૂછ્યું પણ નહીં. તારી માતાનાં કહેવાથી આ સગાઇ નક્કી થઇ ગઇ હોય આપણે ત્યાં જવું નથી એમ કહી એનું કહેવા માંડ્યું હતું. સગાઈનાં દિવસે આશાએ મોટા દિકરા જ્ઞાનેશ્વરને બહેન સંગીતાનાં ઘરે મોકલ્યો હતો. જ્ઞાનેશ્વર સાથે માસા મનોહરે ઝઘડો કર્યો પરંતુ સંગીતાને તેની સાથે મોકલી હતી.
૨૩મી અપ્રિલે પાંડેસરા પુનિતનગર ખાતે લગ્નનું નક્કી કરવા સાથે સગાઈ પ્રસંગ પુરો થયો હતો. ત્યારબાદ મનોહર અવાર નવાર સંગીતા સાથે ઝઘડો કરી ધમકી આપતો રહ્યો હતો કે, તારી બહેનની દિકરીનાં લગ્નમાં તારી માતા અને તારા સગા-સબંધીઓને સળગાવી દઈશ. સંગીતાએ બહેન આશાને આ વાત કરી હતી, જાે કે બનેવી ગુસ્સામાં હોય આવું બોલતા હશે એવું વિચારી તેમણે વાતને ગંભીરતાથી લીધી ન હતી.
દરમિયાન પંદરમી તારીખે સવારે ઘરનાં ઓટલે બેસી શાકભાજી સમારતી માતા રત્નાએ અચાનક બૂમાબૂમ કરવા માંડી હતી. જે સાંભળી અંદરથી આશા દોડી આવી હતી. તેણીએ જાેયું તો માતાનાં શરીરે આગ લાગી હતી અને ત્યાં બનેવી મનોહર સળગતું લાકડું લઇને ઉભો હતો. તેની પાસે જ્વલનશીલ પ્રવાહી ભરેલી બોટલ પણ હતી.
આશાએ બૂમ પાડતાં તેમનો દિકરો હરિશ જાદવે પાણી નાંખી આગ ઓલવી હતી. આ જાેઇ મનોહરે હરિશ ઉપર પણ કેરોસીન ફેંક્યું અને પછી સળગતાં લાકડાથી આગ ચાંપવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે, હરિશે પ્રતિકાર કર્યો એટલે મનોહર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલી રત્ના સોનવણેને સારવાર માટે
નવી સિવિલ લઇ જવાયા હતાં. બનાવની જાણ થતાં પાંડેસરા પોલીસ મથકનાં ઇન્સ્પેક્ટર કે. ડી. જાડેજા સ્ટાફ સાથે ત્યાં દોડી ગયા હતાં. હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધવા સાથે તેમણે મનોહરની શોધખોળ હાથ ધરી છે.