દિલ્હી-

ઈંદોરમાં બંગડી વેચનારા તસ્લીમ વિરૂદ્ધ પોક્સો એક્ટ અંતર્ગત કેસ નોંધાયો છે અને પોલીસે તેની ધરપકડ કરી છે. ૧૩ વર્ષીય સગીરાની ફરિયાદના આધારે તેના વિરૂદ્ધ કેસ નોંધાયો હતો. છોકરીએ આરોપ લગાવ્યો હતો કે, બંગડીવાળો તેને ખરાબ નિયતથી સ્પર્શ્યો હતો અને તેનો હાથ પકડ્યો હતો. ત્યાર બાદ તેણે ચીસ પાડી એટલે ઘરમાંથી માતા અને આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. તે બધાએ તસ્લીમને બરાબરનો માર માર્યો હતો. તે ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ એક સમુદાયના લોકોએ પોલીસ ચોકીને ઘેરી લીધી હતી અને મારપીટ કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહીની માગણી કરી હતી.

ઈંદોરના બાણગંગા થાણા ક્ષેત્રની ગોવિન્દ કોલોનીમાં ગત રવિવારે ટોળાએ એક બંગડીવાળા સાથે મારપીટ કરી હતી. તે ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. બાદમાં પોલીસે તે પીડિત બંગડીવાળા વિરૂદ્ધ જ કેસ નોંધ્યો હતો. તે વ્યક્તિ પાસેથી ૨ આધાર કાર્ડ મળી આવ્યા હતા. તે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને પોલીસે હરદોઈ તેના ઘરે જઈને તેના પરિવારજનોની પુછપરછ કરી હતી. તેના પરિવારજનોએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે તેણે ૨ આધાર કાર્ડ બનાવવા પડ્યા હતા. બંગડી વેચનારા તસ્લીમને થોડા મહિના પહેલા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મકાન મળ્યું હતું. ફાળવણી વખતે મકાન તસ્લીમના બદલે અસ્લીમના નામે ફાળવાઈ ગયું હતું. આ કારણે પહેલા તે આધારનું નામ બદલાવવા માંગતો હતો પરંતુ તેમાં વધારે સમય લાગશે તેવું લાગતા બીજું આધાર કાર્ડ બનાવડાવી લીધું હતું. મધ્ય પ્રદેશના ઈંદોર ખાતે ટોળા દ્વારા માર-પીટનો ભોગ બનનારો બંગડી વિક્રેતા હવે જેલમાં જશે. પોલીસે અગાઉ જ તેની ધરપકડ કરી છે. હકીકતે પોલીસને તેના પાસેથી ૨ આધાર કાર્ડ મળી આવ્યા હતા. તેની તપાસ માટે ઈંદોર પોલીસની ટીમ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં બિલગામ પહોંચી હતી. બંગડી વેચનારો ત્યાંનો જ રહેવાસી છે. એક સગીર યુવતીએ તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને હવે પોલીસ તેને જેલમાં મોકલવાની તૈયારીમાં છે.