લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, માર્ચ 2026 |
2871
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તેના સમાપનની દિશામાં આગળ વધી રહ્યું છે. સત્ર સમાપનમાં બે દિવસ બાકી છે ત્યારે વિધાનસભા ગૃહમાં આવતીકાલે સમાન નાગરિક સંહિતા વિધેયક અને બુધવારે અશાંતધારા વિધેયક જેવા વિધેયકો રજૂ થનાર છે. જેને લઈને વિધાનસભા ગૃહમાં ભારે ગરમાવો આવે તેવી સંભાવના છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થવામાં હવે બે દિવસ બાકી છે ત્યારે આવતીકાલે વિધાનસભા ગૃહમાં બહુચર્ચિત એવું સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ-યુસીસી) વિધેયક ગૃહમાં બહાલી માટે રજૂ કરવામાં આવનાર છે. ત્યારે ભાજપના દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા એક વ્હીપ જાહેર કરીને પક્ષના તમામ ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા માટેનો આદેશ કરાયો છે. જેમાં દંડક દ્વારા જણાવાયું છે કે, આ બે દિવસમાં ગુજરાત સમાન નાગરિક સંહિતા અને ગુજરાત અશાંત ધારા સુધારા વિધેયક સહિત કુલ ૭ જેટલા વિધેયકો ગૃહમાં બહાલી માટે રજૂ કરવામાં આવનાર છે ત્યારે પક્ષના તમામ ધારાસભ્યોને ગૃહમાં હાજર રહેવા માટેનો આદેશ કરાયો છે. રાજયમાં સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ-યુસીસી) લાગુ કરવા માટેના આ વિધેયકમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક અને સમાન બનાવવા માટે કેટલીક મહત્વપૂર્ણ જાેગવાઈઓ કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થામાં રાજયમાં થતાં દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જાે કે, લગ્ન નોંધણી ન કરાઇ હોય તો પણ લગ્ન અમાન્ય ગણાશે નહીં, પરંતુ નોંધણી ન કરાવનારને દંડ કરવામાં આવી શકે છે. સમાન નાગરિક સંહિતા (યુસીસી)ના અમલ પૂર્વે થયેલા લગ્ન માટે પણ લગ્નની નોંધણીની નિયત પ્રક્રિયા નક્કી કરાઇ છે. ત્યારે આ વિધેયકને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો હોવાથી ગૃહમાં ભારે ગરમાવો આવે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.