આફ્રિકન દેશોમાં ઈબોલા વાયરસનાં કેસોને પગલે સિવિલમાં સ્પેશિયલ આઈસોલેશન વોર્ડ શરૂ કરાયો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, મે 2026  |   1980

કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા દેશોમાં ઈબોલા વાયરસનાં કેસો જાેવા મળી રહ્યાં છે. ગુજરાત કે ભારતમાં ઈબોલા વાયરસનો એક પણ કેસ નથી પરંતુ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને ધ્યાનમાં રાખીને સુરતની સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં માર્ગદર્શન મુજબ આગોતરી તૈયારીના ભાગરૂપે છેલ્લા બે દિવસથી સિવિલ હોસ્પિટલ ખાતે યુદ્ધનાં ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરત સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડો. પારુલ વડગામાએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ખાતે ઈબોલાનાં શંકાસ્પદ દર્દીઓ માટે ૧૦ આઈસોલેશન બેડની અદ્યતન વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ વોર્ડમાં જ વેન્ટિલેટર, મોનિટર અને દર્દીને જરૂરી તમામ દવાઓ સાથેનું નર્સિંગ સ્ટેશન કાર્યરત કરી દેવાયું છે. સંક્રમણ ફેલાવાની શક્યતા ન રહે તે માટે શંકાસ્પદ દર્દીઓ માટે ખાસ લિફ્ટ, અલગ ઓપીડી, સેપરેટ ડેટા એન્ટ્રી તેમજ તેમની એન્ટ્રી અને એક્ઝિટની વ્યવસ્થા તદ્દન અલગ રાખવામાં આવી છે.તેમણે વધુમાં કહ્યું કે, આ વ્યવસ્થાને સુચારુ રૂપે ચલાવવા માટે મેડિસિન ડિપાર્ટમેન્ટનાં ડો.અશ્વિન વસાવાને ‘નોડલ ઓફિસર‘ તરીકે નિયુક્ત કરાયા છે. આર.એમ.ઓ. ડો. કેતન નાયક અને નર્સિંગ કાઉન્સિલનાં ઇકબાલ કડીવાળા સહિતની ટીમ આ સમગ્ર આયોજનમાં સહયોગ આપી રહી છે. હોસ્પિટલનાં મેડિસિન, માઇક્રોબાયોલોજી અને એનેસ્થેસિયા ડિપાર્ટમેન્ટ સહિતનાં ૭૫ જેટલા ડોક્ટર્સની વિશેષ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. આગામી દિવસોમાં નર્સિંગ સ્ટાફ અને સર્વન્ટ્સને પણ આ અંગેની જરૂરી તાલીમ આપવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution