બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષની ભાજપ સાથેની નિકટતાથી મહેશ છોટુ વસાવા કેસરિયો ધારણ કરશે તેવી અટકળો
01, માર્ચ 2024 495   |  

ભરૂચ, તા.૧

દેશમાં યોજાનાર લોકસભા ચૂંટણી રસાકસી રહેશે તેમ જાણકારોએ જણાવ્યું છે. ત્યારે ભરૂચ લોકસભા માટે ચિત્ર વિચિત્ર થવાનું હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે. ૬ વખતના સાંસદ મનસુખ વસાવા પોતે ૭ મી વખત લોકસભા ચૂંટણીના ઉમેદવાર તરીકે દાવેદારી કરી રહ્યા છે. બીજી તરફ ડેડીયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવા આપ અને ઇન્ડિયા એલાયન્સમાંથી દાવેદારી નોંધાવી ચુક્યા છે. દર્શનાબેન દેશમુખ પણ ભાજપમાંથી દાવેદારી કરી રહ્યા છે. આ ચૂંટણી ઘમાસાણ વચ્ચે ગતરોજ પૂર્વપટ્ટીના નેતા બી.ટી.પી.ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને માજી ધારાસભ્ય મહેશ છોટુભાઈ વસાવા પોતાની ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હોવાના ફોટા સોસીયલ મીડિયા પર જાહેર થતા રાજકીય સમીકરણો શરૂ થયા હતા. પૂર્વ પટ્ટીના નેતા મહેશ વસાવા ભાજપનો કેસરિયો ધારણ કરશે તેવી અટકળો બે મહિના અગાઉથી ચાલી હતી. જાેકે લોકસભા ચૂંટણીના ભણકારા સામે વાગતા હોય અને તેવા સમયે પૂર્વ પટ્ટીના કદાવર નેતા એવા છોટુભાઈ વસાવાના પુત્ર પોતે અચાનક ભાજપના નેતાને મળે તે વિચાર માગી લે તેવો પ્રશ્ન ઉભો થયો છે.

લોકચર્ચાઓ મુજબ ટૂક સમયમાં જાહેર સંમેલન કરીને બી.ટી.પી. ના અધ્યક્ષ મહેશ વસાવા મોટી સંખ્યામાં કાર્યકરો અને જનસમર્થન સાથે વિધિસર ભારતીય જનતા પાર્ટીમાં જાેડાશે. ત્યારે જાે આ પ્રમાણે થાય તો ભરૂચ લોકસભામાં વોટનું ધ્રુવીકરણ થાય અને ખાસકરીને વસાવા સમાજના નેતાઓની દાવેદારીઓ વચ્ચે વસાવા સમાજના વોટનું વિભાજન થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. ભાજપ, આપ, બી.ટી.પી. ત્રણેય રાજકીય પક્ષોના કદાવર નેતા તરીકે વસાવા સમાજના દાવેદારો છે ત્યારે આવા સમયે ભરૂચનું રાજકરણ હવે પૂર્વપટ્ટી તરફ વધુ ચાલે છે તે કહેવું યોગ્ય લાગે. જાેકે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બી.ટી.પી.ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા આવનાર એકાદ અઠવાડિયામાં વિધિસર રીતે ભાજપનો કેસરિયો ધારણ કરે તો નવાઈ નહિ. જાેકે આ વિષયને લઈ છોટુભાઈ વસાવા ટુક સમયમાં નિવેદન પણ જાહેર કરશે તેવી અટકળો પણ ચાલી છે.

એક જ કુટુંબમાં ચૂંટણીને લઈ વિભાજન

બીટીપીના મહેશ વસાવા ભાજપમાં જાેડાય તો આવનાર સમયે છોટુભાઈ વસાવા એટલે કે પિતા-પુત્ર અલગ અલગ વિચારધારાઓને લઈ લોકો સમક્ષ વોટ માગે તો નવાઈ નહિ. ત્યારે એક જ કુટુંબમાં ચૂંટણીને લઈ વિભાજન બાબતે પ્રજા કોની વિચારધારાને સમજે છે અને વોટ આપે છે તે જાેવાનું રહ્યું!

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution