ઉધના અને લિંબાયતમાં રસ્તો બેસી જતાં એસટી બસ અને સ્કૂલવાન ફસાઈ ગઇ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, જુલાઈ 2026  |   1683

સ્માર્ટ સિટી સુરતમાં પહેલા જ વરસાદમાં રસ્તાઓએ સુરત મહાનગર પાલિકાનાટ ભ્રષ્ટાચારને ઉઘાડો પાડ્યો છે. મોટાવરાછા બાદ આજે સવારે ઉધના બસ સ્ટેન્ડ ખાતે એસટી બસ ખાડામાં ફસાઈ ગઇ હતી. જ્યારે લિંબાયતમાં વહેલી સવારે વિદ્યાર્થીઓને લઈને શાળાએ જઈ રહેલ સ્કુલવાન ખાડામાં ફસાઈ જતાં વિદ્યાર્થીઓનાં જીવ તાળવે ચોંટ્યા હતા. આ બંને ઘટનાઓને પગલે અધિકારીઓ દોડતા થઈ ગયાં હતાં. કરોડો રૂપિયાનાં ખર્ચે બનાવવામાં આવતાં રસ્તાની ગુણવત્તા અંગે મહાનગર પાલિકાનાં અધિકારીઓ વધુ એક વખત ઉઘાડા પડ્યાં છે.

ગત રોજ મોટા વરાછામાં ૪૦૦ ફુટનાં રસ્તાનું ધોવાણ થયું હતું. આજે ઉધના ખાતે આવેલ બસ સ્ટેન્ડ પાસે જ થોડા સમય પૂર્વે ડ્રેનેજ લાઈનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જાે કે, આ કામગીરી બાદ રસ્તાનું બરાબર પુરાણ કરવામાં આવ્યું ન હતું અને હાલમાં પણ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. આ સ્થિતિમાં વરસાદનાં આગમન સાથે જ આજે સવારે રસ્તામાં મસમોટો ભુવો પડી જવા પામ્યો હતો. જેને પગલે એસટી બસ ફસાઈ જવા પામી હતી. બસની આગળનું ટાયર ખાડામાં ફસાઈ જતાં લોકો પણ ઘટના સ્થળે ઘસી આવ્યા હતા. દુર્ઘટનાને પગલે બસમાં સવાર મુસાફરોમાં એક તબક્કે અફરાતફરી મચી જવા પામી હતી. ચાલક દ્વારા બસને ખાડામાંથી બહાર કાઢવા માટેની જહેમત હાથ ધરવામાં આવી હતી જાે કે, ભારે પ્રયાસો વચ્ચે પણ બસ બહાર ન નીકળતાં અંતે મુસાફરોને અન્ય એસટી બસમાં રવાના કરવામાં આવ્યા હતા.

આ સિવાય આજે લિંબાયત ગરનાળા તરફ જતાં રસ્તા પરથી પસાર થઈ રહેલ એક સ્કુલ વાન ખાડામાં ખાબકતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. સ્કુલ વાનમાં સવાર વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો. જાે કે, ઘટના સ્થળે પહોંચેલા સ્થાનિકોએ તાત્કાલિક વાનમાંથી વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢ્યા બાદ વાનને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી. એક જ દિવસમાં આ પ્રકારની બે ઘટનાઓને પગલે સુરત મહાનગર પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની વધુ એક વખત પોલી ખુલી જવા પામી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution