વડોદરા,તા. ૧૨

કોરોના કાળ દરમ્યાન સત્ર મોડુ ચાલુ થતા શિક્ષણ વિભાગ દ્વારા માત્ર ૩૩ દિવસમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ – ગુજકેટનું રીઝલ્ટ જાહેર કરતા સમગ્ર શહેરમાં ત્રણ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપી હતી. જેમાં સમગ્ર શહેરનું ૬૯.૦૩ ટકા પરીણામ નોંધાયું હતું. જે પૈકી માત્ર ૬ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવી હતી. તે સિવાય ૧૮૨ વિદ્યાર્થીઓએ એ-ટુ ગ્રેડ પ્રાપ્ત કરી હતી.

કોરોના કાળ દરમ્યાન શૈક્ષણિક સત્ર મોડુ પૂરુ થવાને કારણે આગામી વર્ષના પ્રવેશમાં પણ વિલંબ થયો હતો.આ વિલંબ આગામી વર્ષમાં અડચણ ન બને તે માટે શિક્ષણ વિભાગ દ્વારા માત્ર ૩૩ દિવસમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ – ગુજકેટનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. ગઈકાલે શિક્ષણ મંત્રી દ્વારા ટ્‌વીટર પર ટ્‌વીટ કરીને પરીણામ જાહેર કરવાની જાહેરાત કરતા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ સવારે નવ કલાકથી જ વાલીઓ સાથે શાળામાં આવી ચૂક્યા હતા. વેબસાઈટ પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પરીક્ષા લેતું હોય તેમ શરુઆતથી જ વેબસાઈટ ધીમી ગતિએ ચાલતી જાેવા મળી હતી. બપોરે બાર કલાક બાદ તમામ વિદ્યાર્થીઓનું પરીણામ જાહેર થતા પ્રિન્સીપાલ અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવીને શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર શહેરમાં ધો. ૧૨ ૬૯.૦૩ ટકા શહેરનું રીઝલ્ટ જાહેર થયું હતું. જે પૈકી માત્ર છ વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડ પ્રાપ્ત કરી હતી.

ઓનલાઈન શિક્ષણમાં ઘણી મુશ્કેલીઓ પડવા છતાં પણ એ વન ગ્રેડ પ્રાપ્ત કરી

પાર્થ ઈન્સિટીટ્યુટમાં અભ્યાસ કરતા અક્ષત લાઠીએ વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એમાં ૯૯.૯૨ ટકા મેળવીને એ-વન ગ્રેડ પ્રાપ્ત કરી છે.તેને જણાવ્યું હતું કે, કોરોના દરમ્યાન ઓનલાઈન શિક્ષણ શરુ થતા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અનેક પ્રશ્નો ઉભા થતા હતા પરતું ઓનલાઈન કલાસમાં પૂછવામાં મુશ્કેલીઓ થતી હતી. પરતું પછીથી શિક્ષકો દ્વારા વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરાવીને ધણી મદદ કરી હતી.

પિતાને નાની ઉંમરમાં ગુમાવ્યા છતાં પણ માતાએ સપનાં પૂરા કર્યા

નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરતો વસાવા ચિરાગે જણાવ્યું હતું કે, “નાની ઉંમરમાં મારા પિતા મૃત્યુ પામતા મારા માતાએ નોકરી કરીને મને ગમતી ફિલ્ડમાં અભ્યાસ કરાવ્યો છે. મારા અભ્યાસમાં થોડી પણ અડચણ ન આવવા દઈને નોકરી અને મારું બન્નેનું ધ્યાન રાખીને સહારો આપતા મારુ પરીણામ ૯૮.૪૪ ટકા આવ્યું છે. ”

રોજના આઠ કલાક વાંચન કરીને એ-વન ગ્રેડ પ્રાપ્ત કરી

મકરપુરા ખાતે આવેલ ફીનીકસ સ્કુલમાં અભ્યાસ કરતા હર્ષ જગદીશ પ્રજાપતિ જણાવે છે કે, તેઓ સતત આઠ કલાક વાંચન કરતા હતા. તેમજ શાળા દ્વારા દરરોજ ટેસ્ટ લેવામાં આવતો હોવાથી સરળતાથી એ-વન ગ્રેડ પ્રાપ્ત કરી છે.

મોબાઈલનો ઉપયોગ ટાળીને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું

નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરતો વિહીત મોઢ દ્વારા જણાવવમાં આવ્યું હતું કેે, “આજ કાલ મારા જેવા યુવાનો મોટાભાગનો સમય મોબાઈલમાં વેડફતા હોય છે પરતું મારા માતા-પિતાએ અભ્યાસ પૂરતો જ મોબાઈલ આપીને મારો સમય બચાવ્યો છે જેથી હું બોર્ડ અને ગુજકેટ બન્નેની પરીક્ષામાં સારા ગુણ મેળવી શક્યો.”