લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, મે 2026 |
2574
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય અને કૂટનીતિક તણાવની સીધી અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર જાેવા મળી રહી છે. ક્રૂડ ઓઈલના આસમાને પહોંચેલા ભાવો અને યુદ્ધની દહેશત વચ્ચે સોમવારે વૈશ્વિક શેરબજારોમાં મોટો કડાકો બોલાઈ ગયો છે. દુનિયાભરના શેરબજારો ફરી એકવાર ભયના ઓથાર હેઠળ આવી ગયા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યો. તેલના કુવા અને ન્યૂક્લિયર પ્લાન્ટ પર સતત થઈ રહેલા હુમલા અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક ધમકીઓના કારણે અમેરિકાથી લઈને જાપાન સુધીના બજારોમાં જાેરદાર કડાકો જાેવા મળી રહ્યો છે. ગત સપ્તાહે યુએસ શેરબજારો મોટી ગિરાવટ સાથે બંધ થયા હતા, જ્યારે સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે ખુલતાની સાથે જ એશિયન શેરબજારોમાં ભારે કોહરામ મચી ગયો છે. હોર્મુઝ સંકટ અને તેલ પુરવઠામાં અવરોધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલાॅનો ભાવ પ્રતિ બેરલ ૧૧૧ ડોલરની સપાટીને વટાવી ગયો છે. વધતી જતી ઉર્જા કટોકટી અને મોંઘવારીના ભયથી બ્રિટન, જાપાન અને હોંગકોંગ સહિતના તમામ મોટા દેશોના શેરબજારોમાં રોકાણકારો વચ્ચે નાસભાગ મચી ગઈ છે. ભારતીય શેરબજાર તમામ મોટા ઇન્ડેક્સ લાલ રંગના નિશાન સાથે કારોબાર કરી રહ્યા છે અને અબજાે ડોલરનું ધોવાણ થઈ ચૂક્યું છે.