સ્ટોર મેનેજરે લાખોની ઉચાપત કરી હોવાની ફરિયાદ, મોંઘોદાટ મોબાઇલ પણ ગુમ થયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, એપ્રીલ 2026  |   2574

અમદાવાદના પાલડીમાં આવેલી ખાનગી ટેલિકોમ કંપનીમાં સ્ટોર મેનેજર તરીકે ફરજ બજાવતા શખસે કંપની સાથે લાખો રૂપિયાની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. કંપનીના ઇન્ટરનલ ઓડિટમાં નાણાકીય અનિયમિતતાઓ અને સ્ટોકમાંથી કિંમતી મોબાઈલ ગાયબ હોવાનું બહાર આવતા પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ફરિયાદ મુજબ, આરોપી વરુણ ચંદુભાઈ ગજેરા ખાનગી ટેલિકોમમાં સ્ટોર મેનેજર તરીકે કાર્યરત હતો અને રોકડ વ્યવહારો તેમજ વેચાણની જવાબદારી સંભાળતો હતો. ગત ૨૮ જાન્યુઆરીના રોજ કંપનીના ઝોનલ સેલ્સ મેનેજર દ્વારા સ્ટોરનું ઓડિટ કરવામાં આવ્યું હતું, જેમાં મસમોટી ગેરરીતિઓ પકડાઈ હતી.

તપાસમાં બહાર છે કે, મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક એસેસરીઝના વેચાણ પેટે મળેલા રૂ.૪.૯૧ લાખ નિયમ મુજબ બીજા દિવસે કંપનીના ખાતામાં જમા કરાવવાના હતા, પરંતુ વરુણે આ રકમ જમા કરાવી નહોતી. આ ઉપરાંત, કંપનીના ઇન્ટરનલ ટ્રાન્સફરના ૫૦,૦૦૦ રૂપિયા પણ સગેવગે કરવામાં આવ્યા હોવાનું ઓડિટમાં જણાયું હતું. સ્ટોકની તપાસ દરમિયાન પણ ૮૩ હજારની કિંમતનો એક સ્માર્ટફોન પણ ગાયબ હતો. રેકોર્ડ પર આ ફોન સ્ટોકમાં હોવાનું બતાવવામાં આવતું હતું, પરંતુ પ્રત્યક્ષ તપાસમાં તે મળ્યો નહોતો. આમ, કુલ મળીને રૂ.૬.૨૪ લાખની માતબર રકમ અને માલસામાનની ઉચાપત સામે આવી છે.

કંપનીના ફાઈનાન્સ પ્રોફેશનલ મુકેશકુમાર મોહનદાસે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી વરુણ પાસે ઉચાપત કરેલા નાણાં અને ગુમ થયેલા ફોન વિશે ખુલાસો માંગવામાં આવ્યો હતો, પરંતુ તેણે સંતોષકારક જવાબ આપ્યો નહોતો અને નાણાં પરત કર્યા ન હતા. આખરે કંપનીએ કાયદેસરના પગલાં ભરી પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી ઓડિટર અને અન્ય સ્ટાફના નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution