લેંડ ગ્રેબિંગના કેસમાં ત્રણને જેલમાં મોકલવાના મામલે અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરાશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, એપ્રીલ 2026  |   2079

બે નિર્દોષ નાગરિકોને ગુના વગર અઢી મહિના સુધી જેલના સળીયા ગણાવનારા અધિકારીઓ સામે સરકાર કડક કાર્યવાહી કરશે . રાજ્યના મુખ્ય સચિવે હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરી ખાતરી આપી છે કે જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આ કેસની વિગત મુજબ જમીન કબજા સંબંધિત એક વિવાદ જે દીવાની હતો, તેમાં કલેક્ટરની અધ્યક્ષતાવાળી કમિટીએ કાયદાની સીમા ઓળંગીને ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ, ૨૦૨૦ હેઠળ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આ ભૂલના કારણે બે વ્યક્તિઓને અંદાજે ૭૫ દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. હાઇકોર્ટે આ ઘટનાને બંધારણના આર્ટિકલ ૨૧ (વ્યક્તિગત સ્વતંત્રતા)નો ભંગ લેખાવ્યો હતો અધિકારીઓની ભૂલનો ભોગ બનેલા બંને વ્યક્તિઓને ૩ સપ્તાહમાં કુલ રૂ. ૧૦ લાખનું વળતર ચૂકવી દેવામાં આવશે. હાઇકોર્ટના આદેશ મુજબ, આ વળતરની રકમ સરકારી તિજાેરીમાંથી નહીં, પરંતુ જે તે જવાબદાર અધિકારીઓના અંગત પગાર કે ખિસ્સામાંથી વસૂલવાની પ્રક્રિયા હાથ ધરાશે. આ કેસમાં બેદરકારી દાખવનાર બંને અધિકારીઓ સામે કડક ખાતાકીય તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે. ભવિષ્યમાં સિવિલ મેટરમાં લેન્ડ ગ્રેબિંગના કાયદાનો આ રીતે દુરુપયોગ ન થાય તે માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ નવો પરિપત્ર જાહેર કરશે. ચીફ જસ્ટિસની ખંડપીઠે આ મામલે સખત પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, જે લોકો ન્યાયની આશામાં પોતાની જ જમીન માટે લડતા હોય તેમને જેલમાં ધકેલી દેવા એ તંત્રની મોટી નિષ્ફળતા છે. અગાઉ સરકારે આ મામલે બિનશરતી માફી માંગી હતી, પરંતુ કોર્ટની કડકાઈ બાદ હવે જવાબદારી નક્કી કરવા માટે સોગંદનામું કરવામાં આવ્યું છે.આ કિસ્સો રાજ્યના વહીવટી તંત્ર માટે એક દાખલો બેસાડનારો સાબિત થશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution