સબ્લિમેશન ડિજિટલ પ્રિન્ટિંગ મજૂરીનાં દર ૮૦ ટકા ઘટી જતાં ઇન્ડસ્ટ્રીઝ સંકટમાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, જુન 2026  |   2871

સુરતમાં કોઇપણ પ્રકારનાં ફેબ્રિક કે ગારમેન્ટ પર સબ્લિમેશન ડિજિટલ પ્રિન્ટીંગની મશીનરી વિકસાવનારા સેંકડો ઉદ્યોગપતિઓ કફોડી સ્થિતિમાં મૂકાઇ ગયા છે. સબ્લિમેશન ડિજિટલ પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝમાં બે વર્ષ અગાઉ પ્રિન્ટિંગનો દર પ્રતિ મીટર રૂ.૨૬/૨૫ હતો, જે મંદીના કારણે તૂટીને આજે ૧૪/૧૫ સુધી પહોંચી ગયો છે. મજૂરીના દરમાં ૭૫થી ૮૦ ટકા ઘટાડો થઇ જતા સેંકડો કારખાનેદારોએ સંગઠન બનાવીને ભાવ તોડીને કામ નહીં કરવા માટે કટીબદ્ધ થયા છે.સુરત સબ્લિમેશન ડિજિટલ પ્રિન્ટિંગ એસોસીએશનનાં આગેવાનોએ જણાવ્યું કે સબ્લિમેશન ડિજિટલ પ્રિન્ટિંગ નવી ટેક્નોલોજી છે જે કોઇપણ પ્રકારના ફેબ્રિક કે ગારમેન્ટ પર ચોક્કસ પ્રકારની શ્યાહી તેમજ હીટીંગની મદદથી કોઇપણ ડિઝાઇન કે ગ્રાફિક પ્રિન્ટ કરી શકે છે. કારખાનેદારોએ લાખો રૂપિયાની મશીનરી પોતાના કારખાનાઓમાં વિકસાવી છે. સબ્લિમેશન ડિજિટલ પ્રિન્ટિંગ ચમકદાર, પાકા કલરવાળું અને લાંબો સમય ચાલે તેવું પ્રિન્ટિંગ હોય છે. બે વર્ષ પહેલા સબ્લિમેશન ડિજિટલ પ્રિન્ટિંગનો પ્રતિ મીટરનો ભાવ રૂ.૨૬ સુધી હતો, પરંતુ, કારખાનેદારોમાં એકતા ન હોઇ ભાવ તોડી તોડીને આજે પ્રતિ મીટરે રૂ.૧૪/૧૫ પર પહોંચી ગયા છે, જેના કારણે જે કારખાનેદારો લોન પર મશીન લાવ્યા છે તેમના લોનનાં હપ્તા પણ ભરી શકાય તેવી સ્થિતિ નથી. આવી સ્થિતિમાં તમામ કારખાનેદારોને એકત્રિત થઇને સંગઠન દ્વારા નિયત કરાયેલા ભાવ કરતા ઓછી કિંમતે કામ નહીં કરવા માટે દરેક કારખાનેદારોને સમજાવવામાં આવી રહ્યા છે.

 પર્યાવરણનાં સ્લોગન સાથેનાં બેનરો અને નાના છોડ સાથે લોકો સભામાં આવ્યાં

આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વડાપ્રધાન દ્વારા દેશના લોકોને પર્યાવરણ બચાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આજે પણ તેમના પ્રોગ્રામમાં પર્યાવરણ મહત્વનો મુદ્દો રહ્યો હતો. ઈન્ડોર સ્ટેડિયમમાં ઉમટી પડેલી જનમેદની પોતાની સાથે અલગ અલગ પર્યાવરણના બેનરો તથા સ્લોગન સાથેના બેનરો બનાવીને લાવ્યા હતા તો કેટલાક લોકો પોતાની સાથે નાનો છોડ લઈને સભામાં આવ્યા હતા. વડાપ્રધાને પણ આખરે આ બેનરોની નિંદ્ય લીધી હતી અને તેમણે પોતાના વક્તવ્ય દરમિયાન આ વાતની નોંધ લેતા લોકોમાં જોશ જોવા મળ્યો હતો.

પ્લાસ્ટિકમુક્ત ગ્રીન પ્રોટોકોલ અને પર્યાવરણ થીમ ઉપર બનેલાં હેન્ડમેઈડ બેકડ્રોપ જાેઇ વડાપ્રધાન ખુશ

વડાપ્રધાનના સુરતના ખાસ પ્રોગ્રામ માટે યુનિ.ના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ અથાગ મહેનતથી પ્લાસ્ટિકમુક્ત ગ્રીન પ્રોટોકોલ અને પર્યાવરણ થીમ ઉપર હેન્ડમેઈટ બેકડ્રોપ બનાવ્યું હતું. જેની વડાપ્રધાને નોંધ લઇ સ્ટેજ પર ખુરશી પર જ પાછળ ફરીને નિહાળ્યું હતું. યુનિવર્સીટીના ફાઈ આર્ટ્સ વિભાગના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકમુક્ત ગ્રીન પ્રોટોકોલ અને પર્યાવરણ થીમ ઉપર ૪૮/૧૪ ફૂટનું ભવ્ય હેન્ડમેઈડ બેકડ્રોપ બનાવ્યું હતું. જેમાં પરંપરાગત બાંધણી, અખરજ પ્રિન્ટ, બ્લોક પ્રિન્ટ અને આભલા વર્કના ઉપયોગથી બનાવવામાં આવ્યું હતું.

લોકોનો ઘસારો વધી જતા ડી બ્લોક પર એન્ટ્રી અટકાવતાં લોકોનો હોબાળો

વડાપ્રધાનના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઇન્ડોર સ્ટેડિયમની સંખ્યા કરતાં પણ લોકો વધી જતા લોકોએ બહાર ઉભો રહેવાનો વારો આવ્યો હતો. જો કે આ સમયગાળા દરમિયાન ડી બ્લોક પર લોકોએ અંદર ઘૂસવા માટે ધક્કામુક્કી કરી હતી. જેથી પોલીસે ડી બ્લોકની એન્ટ્રી બંધ કરી દેતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. જોકે ત્યારબાદ ફરીથી પોલીસે ચેકિંગની કાર્યવાહી હાથ ધરી લોકોને એન્ટ્રી આપી હતી. જોકે અંદર ભીડ વધી જતા અને જગ્યા ખૂટી પડતા લોકો ઇન્ડોર સ્ટેડિયમની અંદર ચાલવાના દાદરોમાં બેસી ગયા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution