લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, મે 2026 |
1683
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ગણાતી સુરતની નવી સિવિલ હોસ્પિટલનાં અધિકારીઓમાં લાલિયાવાડી અને બેદરકારી કેટલી હદે ઘર કરી ગઇ છે તેનો જાતઅનુભવ રાજ્યનાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ આજે કર્યો હતો. હોસ્પિટલમાં સફાઇની અત્યંત બદતર હાલત ઉપરાંત ઠેર ઠેર તૂટેલી ટાઇલ્સ અને એ.સી. તથા મશિનો બંધ હાલતમાં જાેવા મળતાં આરોગ્ય રાજ્યમંત્રીએ સુપરિન્ટેન્ડન્ટ ધારિત્રી પરમાર અને આર.એમ.ઓ. ડો.કેતન નાયકને કડક શબ્દોમાં સુચના આપી તમામ સુવિધાઓ ૨૪ કલાકમાં રેક્ટિફાઇ કરી રીપોર્ટ મોકલવા આદેશ આપ્યો હતો. હોસ્પિટલમાં વહિવટ સંભાળતાં પી.આઇ.યુ.નાં અધિકારીઓની નિષ્કાળજી પણ ઉજાગર થતાં તે સંબંધમાં પણ મંત્રીએ કડક શબ્દોમાં સુચના આપી હતી. જ્યાં દરદીઓ પોતાનું આરોગ્ય સુધારવા માટે આવતાં હોય ત્યાં સાફસફાઇ યોગ્ય ના હોય તે કોઇ કાળે સાંખી નહીં લેવાય તેવું મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સુપરિન્ટેન્ડન્ટ અને આર.એમ.ઓ.ને સંભળાવી દીધું હતું. મંત્રીની નારાજગીથી નવી સિવિલ હોસ્પિટલમાં પોતાની રીતે જ વહિવટ કરવા ટેવાયેલાં બેજવાબદાર અધિકારીઓમાં ફફડાટ જરૂર ફેલાઇ ગયો હતો.
આરોગ્ય રાજ્યમંત્રીએ અધિકારીઓને જણાવ્યું હતું, ગંદકી, બેદરકારી અને અવ્યવસ્થા બિલકુલ નહીં ચાલે, કાગળ પર નહીં, સ્થળ પર જઈ કામગીરી કરો.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, હોસ્પિટલમાં ગંદકી, જાળા અથવા દર્દીઓને પડતી મુશ્કેલીઓ સહન કરવામાં આવશે નહીં. હોસ્પિટલનાં તમામ વોર્ડ, બાથરૂમ, લોબી અને સામાન્ય વિસ્તારમાં સતત સ્વચ્છતા જાળવવી અનિવાર્ય છે. જાે ક્યાંય ગંદકી જાેવા મળશે તો તેની સીધી જવાબદારી સિવિલ સુપરિન્ટેન્ડેન્ટની રહેશે. હોસ્પિટલનાં મેડિકલ સાધનો અને મશીનરી કાર્યરત રાખવાની જવાબદારી ઁૈંેં અને ઇલેક્ટ્રિક વિભાગની હોવાનું જણાવતા મંત્રીએ કહ્યું કે, મેઇન્ટેનન્સનાં અભાવે કોઈ સુવિધા બંધ થશે તો જવાબદાર અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. કિડની બિલ્ડિંગમાં તૂટેલી ટાઇલ્સ, જાળા, અન્ય અસુવિધાઓ તેમજ પોસ્ટમોર્ટમ રૂમમાં બંધ પડેલા એસી અંગે ૨૪ કલાકમાં કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ તમામ ટેકનિકલ સાધનો અને ઇલેક્ટ્રિક સીસ્ટમનું સમયાંતરે ચેકિંગ કરી રિપોર્ટ તૈયાર રાખવા પણ જણાવ્યું હતું. આરોગ્ય મંત્રીએ હોસ્પિટલના તમામ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને કર્મચારીઓને સમયસર હાજર રહેવાની કડક સૂચના આપી હતી.
દર્દીઓ અને સંબંધીઓ સાથે સંવેદનશીલ વર્તન રાખવા સુચના
સિક્યુરિટી વ્યવસ્થા અંગે પણ તેમણે ગંભીરતા દર્શાવી હતી. ઉંમરલાયક વ્યક્તિઓને સીક્યુરિટી ડ્યુટી પર ન રાખવા અને સીક્યુરિટી સ્ટાફ સજ્જ તથા કાર્યક્ષમ રહે તેની સૂચના આપી હતી. દર્દીઓ અને તેમના સગાઓ સાથે સંવેદનશીલ વર્તન રાખવા પર ભાર મૂકતા મંત્રીએ જણાવ્યું હતું કે દર્દીઓને માત્ર સારવાર જ નહીં, પરંતુ સુરક્ષા, સંતોષ અને સહાનુભૂતિ પણ મળવી જાેઈએ. તેમણે ડોક્ટરોને દર્દીઓમાં સકારાત્મકતા અને હિંમત જાળવવાની પ્રેરણા આપવા પણ અપીલ કરી હતી. દર્દીઓને એક બિલ્ડિંગમાંથી બીજા બિલ્ડિંગ સુધી લઈ જવામાં મુશ્કેલી ન પડે તે માટે વધુ ગોલ્ફ કાર્ટની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.
બંધ પડેલાં મશિનો તત્કાળ કાર્યરત કરવા આદેશ
બંધ હાલતમાં પડેલા મશીનો અને સાધનો તાત્કાલિક કાર્યરત કરવા તેમજ એન્જિયોગ્રાફી મશીન વહેલી તકે શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. આરોગ્ય રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે નવી સિવિલ હોસ્પિટલ સમગ્ર ગુજરાતમાં શ્રેષ્ઠ અને કોર્પોરેટ કક્ષાની હોસ્પિટલ તરીકે ઉભરી આવવી જાેઈએ. ટ્રોમા સેન્ટર, ટીબી વિભાગ, ઓર્થોપેડિક, બાળકોની ઓપીડી સહિત તમામ વિભાગોમાં સ્વચ્છતા, સુઘડતા અને દર્દી કેન્દ્રીત સેવાઓ જળવાઈ રહે તે માટે સતત મોનિટરિંગ કરાશે.
મંત્રી તરીકે મારે રાઉન્ડ લેવો પડે તે શરમજનક: પાનશેરીયા
પ્રફુલ પાનશેરિયાએ સુપરિન્ટેન્ડેન્ટ ધારિત્રી પરમારને કડક શબ્દોમાં તાકીદ કરી હતી કે, મંત્રી તરીકે મારે રાઉન્ડ લેવો પડે તે શરમજનક છે. તમારી જવાબદારી શું છે? તમે પોતે નિયમિત રાઉન્ડ કેમ નથી લેતા? દર્દીઓને ઉત્તમ અને સુવિધાસભર સારવાર ઉપલબ્ધ કરાવવી તંત્રની પ્રથમ જવાબદારી છે. ‘તમને અહીં પ્રજાની સેવા માટે મૂકવામાં આવ્યા છે. જાે આ વ્યવસ્થામાં ફેરફાર નહીં આવે અને દર્દીઓના હિતમાં કામ નહીં થાય તો શિક્ષાત્મક પગલાં લેવાની મને ફરજ પડશે. મને પરિણામ જાેઈએ, બહાના નહીં.’