
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજરોજ ધો.૧૨ સાયન્સ અને કોમર્સ વિભાગની ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી પરીક્ષાનાં પરિણામો એક સાથે ઓનલાઇન પ્લેટફોર્મ પરથી જાહેર કર્યા હતા. દેશના જ નહીં પણ એશિયાનાં સૌથી ફાસ્ટેટ ગ્રોઇંગ બિઝનેસ સિટી તરીકે જાણીતા સુરત શહેરનાં વિદ્યાર્થીઓએ સાયન્સ અને કોમર્સ બંનેનાં પરિણામોમાં મેદાન માર્યું છે. સાયન્સ અને કોમર્સ બંનેમાં સુરત શહેર જિલ્લાનું પરિણામ સ્ટેટ એવરેજથી વધુ હોવા ઉપરાંત સાયન્સ અને કોમર્સ બંનેમાં એ-વન ગ્રેડ, ટોપર્સ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ સુરતની સંખ્યા આખા રાજ્યનાં તમામ જિલ્લાઓ કરતાં વધુ છે. એથી વિશેષ સાયન્સમાં એ ગ્રુપ, બી ગ્રુપ અને કોમર્સ ત્રણેયમાં સ્ટેટ ટોપર વિદ્યાર્થીઓ પણ સુરતનાં જ છે. આમ, આજનાં પરિણામમાં સમગ્ર રાજ્યમાં સુરત શહેર જિલ્લાના વિદ્યાર્થીઓએ મેળવેલા પરિણામોની ચર્ચા સાવર્ત્રિક રીતે સાંભળવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં પણ સુરતનાં વિદ્યાર્થીઓએ સાયન્સ અને કોમર્સમાં મેળવેલા ઝળહળતાં પરિણામો અંગે સફળ વિદ્યાર્થીઓની જુદી જુદી સ્ટોરીઓ ભારે વાઇરલ થવા પામી છે.
ગઇ તા.૨૬ ફેબ્રુઆરીથી તા.૧૬મી માર્ચ દરમિયાન લેવામાં આવેલી ગુજરાત બોર્ડની ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનાં પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતા. ધો.૧૨ સાયન્સનું સમગ્ર રાજ્યનું ઓવરઓલ પરિણામ ૮૪.૩૩ ટકા આવ્યું છે જ્યારે સુરત શહેર જિલ્લાનાં પરિણામ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતનાં સાતેય જિલ્લાનાં પરિણામની વાત કરીએ તો સુરત શહેર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૭.૨૬ ટકા, નવસારીનું ૭૯ ટકા, તાપી જિલ્લાનું ૭૦.૭૨ ટકા, નર્મદા જિલ્લાનું ૮૪.૯૫ ટકા, વલસાડ જિલ્લાનું ૭૪.૫૧ ટકા, ભરૂચ જિલ્લાનું ૮૦.૫૯ ટકા અને ડાંગ જિલ્લાનું પરિણામ ૮૯.૭૧ ટકા જેટલું આવ્યું છે.
સુરત શહેર જિલ્લાનાં ડીટેઇલ પરિણામ પર નજર કરીએ તો કૂલ ૧૫૭૯૮ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી, જેમાંથી ૪૫૯ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડમાં પરીણામ હાંસલ કર્યું છે. સુરત જિલ્લા કરતા વધુ એ-વન ગ્રેડ પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા બીજા કોઇ જિલ્લામાં નથી. આખા રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં એ-વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૫૭૬ છે, જેમાંથી ૪૫૯ વિદ્યાર્થીઓ તો એકલા સુરત શહેર જિલ્લાના જ છે. આમ ઓવરઓલ પરિણામ અને વ્યક્તિગત પરિણામોમાં પણ સુરત શહેર જિલ્લાના વિદ્યાર્થીઓ મેદાન મારી ગયા છે. સુરત શહેર જિલ્લામાંથી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ ૧૫૭૯૮ છે. જેમાંથી આજે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૩૭૮૬ છે, જે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં સૌથી વધુ છે. એવી જ રીતે સુરત શહેર જિલ્લામાંથી નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૩૧ છે, જે પણ સમગ્ર રાજ્યનાં તમામ જિલ્લાઓ કરતા વધુ છે.
સુરત શહેર જિલ્લાનાં પરિણામમાં સૌથી વધુ ધ્યાનાકર્ષક બાબત એ પણ સપાટી પર આવી છે કે સુરત શહેરમાં આવતા કુંભારિયા પરીક્ષા કેન્દ્રનું પરિણામ ગુજરાતનાં વિજ્ઞાન પ્રવાહનાં તમામ પરીક્ષા કેન્દ્રો કરતા સૌથી વધુ છે. કુંભારીયા પરીક્ષા કેન્દ્રનું પરિણામ ૯૮.૬૨ ટકા છે. આ પરીક્ષા કેન્દ્રમાંથી કુલ ૪૩૪ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી જેમાંથી ફક્ત ૬ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અને ૪૨૮ વિદ્યાર્થીઓનું પરીણામ પાસ આવ્યું છે.
ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના પરીણામની કેટલીક વિશેષ બાબતો પર નજર કરીએ તો સૌથી વધુ વિદ્યાર્થીઓ ફિઝિક્સ અને બીજા નંબરે કેમેસ્ટ્રી વિષયમાં સૌથી વધુ નાપાસ થયા છે. રાજ્યમાંથી કુલ ૧૧૦૯૯૦ વિદ્યાર્થીઓએ ફિઝિક્સની પરીક્ષા આપી હતી, જેમાંથી ૯૪૬૪૩ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે ૧૬૩૪૭ વિદ્યાર્થીઓને ફિઝિક્સમાં નાપાસ પરીણામ મળ્યું છે. એવી જ રીતે કેમેસ્ટ્રી વિષયની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧૦૯૭૬ હતી, જેમાંથી આજે ૯૫૩૭૫ વિદ્યાર્થીઓ કેમેસ્ટ્રીમાં પાસ જાહેર થયા છે જ્યારે ૧૫૬૦૧ વિદ્યાર્થીઓનું પરીણામ નાપાસ આવ્યું છે.
હિન્દી ફર્સ્ટ લેંગ્વેજ, મરાઠી ફર્સ્ટ લેંગ્વેજ, ઉર્દૂ ફર્સ્ટ લેંગ્વેજ અને ગુજરાતી સેકન્ડ લેંગ્વેજ આ ચાર ભાષાના વિષયોના પરીણામ ૧૦૦ ટકા આવ્યા છે, એકપણ વિદ્યાર્થી ઉપરોક્ત ચાર વિષયમાં નાપાસ થયા નથી.
આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.૧૨ સામાન્ય પ્રવાહ (કોમર્સ-આર્ટસ)નું ૯૨.૭૧ ટકા જેટલું જંગી અને વિક્રમી પરિણામ જાહેર કર્યું હતું. સુરત અને દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાઓ પૈકી ૬ જિલ્લાઓનું પરિણામ રાજ્યની એવરેજ કરતા પણ વધુ આવ્યું છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લા ગણાતા ડાંગનું ધો.૧૨નું પરિણામ ૯૮.૮૮ ટકા જેટલું જંગી આવ્યું છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આખા રાજ્યમાં અધધ ૭૪૪૬ વિદ્યાર્થીઓને એ-વન રેન્કમાં પરીણામ આપવામાં આવ્યું છે. આ સંખ્યામાં એકલા સુરત જિલ્લાના વિદ્યાર્થીઓની સંખ્યા જ ૨૦૮૩ છે. સુરત સિવાય રાજકોટ જિલ્લાને બાદ કરતા અન્ય કોઇ જિલ્લામાં ચાર આંકડામાં એ-વન રેન્કર વિદ્યાર્થીઓની સંખ્યા નથી આવી શકી. આમ વિજ્ઞાન પ્રવાહની જેમ જ સામાન્ય પ્રવાહનાં પરિણામોમાં જ સુરતનું પરિણામ આખા રાજ્યમાં સુરતનો ડંકો વગાડનારું છે.
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતનાં ધો.૧૨ સામાન્ય પ્રવાહનાં પરિણામ પર નજર કરીએ તો સુરતનું ઓવરઓલ પરિણામ ૯૩.૪૬ ટકા, ભરૂચનું પરિણામ ૯૩.૩૭ ટકા, ડાંગ જિલ્લાનું પરિણામ ૯૭.૮૮ ટકા, વલસાડનું પરિણામ ૯૦.૩૯ ટકા, નવસારીનું પરિણામ ૯૫.૧૩ ટકા, નર્મદા જિલ્લાનું પરિણામ ૯૪.૧૭ ટકા અને તાપી જિલ્લાનું પરિણામ ૯૫.૮૯ ટકા આવ્યું છે. સુરત શહેરનાં પરિણામ પર નજર કરીએ તો કુલ ૪૭૦૯૧ વિદ્યાર્થીઓએ ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જેમાંથી ૪૪૦૦૯ વિદ્યાર્થીઓ આજે પાસ જાહેર થયા છે જ્યારે ૩૨૨૬ વિદ્યાર્થીઓનું પરિણામ નાપાસમાં જાહેર થયું છે. એ-વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓને ટોપર્સ, રેન્કર્સ તરીકે ઓળખવામાં આવે છે. આખા રાજ્યમાં એ-વન ગ્રેડનું પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓની સૌથી વધુ સંખ્યા સુરતમાં ૨૦૮૩ નોંધાઇ છે. એ-વન ગ્રેડર્સની સંખ્યામાં સુરત પછી બીજા ક્રમે રાજકોટમાં ૧૧૮૪ની છે. આમ સુરત અને રાજકોટ વચ્ચે જ ૮૦૦ વિદ્યાર્થીઓનો તફાવત છે.
ધો.૧૨ કોમર્સનાં ૯૨ ટકા જેટલા જંગી પરિણામને જાેતા શહેરની અનેક સ્કુલોનાં આચાર્યો, ટ્રસ્ટીઓ બોલી ઉઠ્યા હતા કે જે વિદ્યાર્થીઓની પાસ થવાની કોઇ શક્યતા ન હતી, તેવા વિદ્યાર્થીઓ પણ ૫૫-૬૦ ટકા માર્કસ સાથે પાસ થઇ ગયા છે, તેનો મતલબ એ ગણાવી શકાય કે પરિણામો બિલકુલ ઉદાર હાથે આપવામાં આવ્યા છે.
સુરતની આશાદીપ સ્કુલની વિદ્યાર્થિની અક્ષરા સુતરીયા ધો.૧૨ કોમર્સમાં સમગ્ર ગુજરાતની ટોપર બની
ગુજરાત બોર્ડે આજે જાહેર કરેલા ધો.૧૨ સામાન્ય પ્રવાહનાં પરિણામોમાં સુરતનાં નાના વરાછા સ્થિત આશાદીપ સ્કુલની વિદ્યાર્થિની અક્ષરા સુતરીયાએ ગુજરાત ફર્સ્ટનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. અક્ષરા સુતરીયા નામની વિદ્યાર્થિનીએ આજે ધો.૧૨ કોમર્સમાં ૭૦૦માંથી ૬૮૭ માર્ક મેળવીને ગુજરાત બોર્ડના અત્યાર સુધીનાં ઇતિહાસમાં સૌથી વધુ ગુણ સાથે પાસ થવાનો રેકોર્ડ સર્જ્યો હોવાની માહિતી આશાદીપ સ્કુલનાં સંચાલક મહેશ રામાણીએ આપી હતી. જ્યારે અક્ષરા અને તેના માતાપિતાને આ બાબતની જાણકારી આપવામાં આવી ત્યારે તેમની ખુશીનો પાર રહ્યો ન હતો. અક્ષરા સુતરીયાએ આજે ધો.૧૨ સાયન્સમાં કુલ ૯૮.૧૪ ટકા જેટલું જંગી પરિણામ મેળવ્યું છે અને હવે એ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપીને સરકારી અધિકારી બનવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે આગળ વધશે એમ તેણે જણાવ્યું હતું.
અક્ષરાનાં પિતા અનિલભાઇ એમ્બ્રોઇડરીનાં કારખાનામાં કામ કરી રહ્યા છે અને તેઓ વરાછા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. આજે પરિણામ બાદ અક્ષરા સુતરીયાએ જણાવ્યું કે તેની આ સફળતામાં આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સનાં સંચાલકો અને શિક્ષકોનો સિંહફાળો રહ્યો છે.
માતા વિકલાંગ, ભાઇ બહેનોને આંખે ૨૪-૨૪ નંબર, ઘરકામની બધી જવાબદારી છતાં એ-વન રેન્ક લઇ આવી નિશા ગઢીયા
આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરીને આજે ૭૦૦માંથી ૬૮૫ માર્ક હાંસલ કરીને એ-વન ગ્રેડનું પરિણામ લાવનાર વિદ્યાર્થિની નિશા ગઢીયાની પરિસ્થિતિ સાંભળીને ભલભલાનું હ્રદય દ્વવી ઉઠશે. આ વિદ્યાર્થિની સ્કુલમાં અભ્યાસની સાથે પોતાના ઘરના બધા જ ઘરકામની જવાબદારી સંભાળે છે. કેમ કે નિશાની માતા વિકલાંબ છે અને તેને બે નાના ભાઇબહેનો છે જેમને આંખે ૨૪-૨૪ નંબર છે. આવી સ્થિતિમાં મોટાભાગનું ઘરકામ, રસોઇ સમેત નિશાએ સંભાળવું પડતું હતું. આમ છતાં નિશાએ પોતાના અભ્યાસ પર પોતાના વર્કલોડની સહેજ પણ અસર થવા દીધી ન હતી. અત્યંત ગરીબ પરીવારમાંથી આવતી નિશાના પિતા વરાછા રોડના બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં ગરીબ વર્ગના લોકો માટેના રેડીમેઇડ કપડાની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પોતાની આ પ્રકારની નાજૂક આર્થિક સ્થિતિની કોઇપણ પરવાહ કર્યા વગર નિશા ગઢીયા મન લગાડીને અભ્યાસ કરી રહી છે. આજે પરિણામ બાદ નિશાએ પત્રકારોને જણાવ્યું કે તે હવે સી.એ. બનવા માગે છે અને સી.એ.નો અભ્યાસ શરૂ કરી દીધો છે. આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સનાં મહેશ રામાણીએ જણાવ્યું કે તેઓ ગરીબ વર્ગનાં વિદ્યાર્થીને જ્યાં સુધી અભ્યાસ કરવા ઇચ્છશે ત્યાં સુધી તેમને સહાયભૂત થશે.
પાલિકા સંચાલિત સુમન હાયર સેકન્ડરીમાં સાયન્સનું પરિણામ ૧૦૦ ટકા અને કોમર્સનું પરિણામ ૯૮.૪૮ ટકા, ૧૦૨ વિદ્યાર્થીનાં એ-૧ ગ્રેડ
સુરત મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા વિસ્તારનાં બાળકો માટે સુરત શહેરમાં સુમન હાયર સેકન્ડરી સ્કુલોમાં સામાન્ય પ્રવાહનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૬ દરમિયાન લેવાયેલી ગુજરાત બોર્ડની એચ.એસ.સી સામાન્ય પ્રવાહની પરીક્ષામાં સુમન હાઇસ્કુલોનું પરિણામ ૯૮.૪૮ ટકા તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. સુમન હાઇસ્કુલ નંબર ૨ (વરાછા), સુમન હાઇસ્કુલ નંબર ૩ (કતારગામ), સુમન હાઇસ્કુલ નંબર ૫ (લિંબાયત), સુમન હાઇસ્કુલ નંબર ૬ (પાંડેસરા), સુમન હાઇસ્કુલ નંબર ૦૯ (કાપોદ્રા), સુમન હાઇસ્કુલ નંબર ૧૦ (લિંબાયત), સુમન હાઇસ્કુલ નંબર ૧૮ (પુણાગામ), સુમન હાઇસ્કુલ નંબર ૧૯ (ઉત્રાણ)નું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. તમામ સુમન હાઇસ્કુલો ખાતે કુલ-૧૦૨ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યા છે.
Loading ...
