સુરત પોલીસ: ક્યાં તો ડફોળ છે, ક્યાં તો લોકોને મૂર્ખ સમજે છે, ક્યાં તો ન્યાયતંત્રથી પર છે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, મે 2026  |   1782

કોઇ પણ ગુનામાં પકડાયેલાં આરોપીઓની સર્વિસ કર્યા બાદ લંગડાતી ચાલે વરઘોડા કાઢવાનો પોલીસનો ટ્રેન્ડ રીલ દ્વારા સમગ્ર રાજ્યમાં ઘૂમી વળે છે અને તેમાં પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ પોલીસની ‘સર્વિસ’નાં વખાણ કરે એટલે પોલીસ પણ છાતી ફુલાવીને પોતાની ‘સર્વિસ’ને વધારે ઇફેક્ટિવ બનાવવાનાં પ્રયાસો કરી રહી હોય તેવું જણાય છે. નાયબ મુખ્યમંત્રીએ કરેલી પ્રશંસા પછી સુરત પોલીસે એક ડગલું આગળ વધીને હવે ગોળી મારવાનો નવો ટ્રેન્ડ સેટ કર્યો હોય તેવું જણાઇ રહ્યું છે. માત્ર ચાર દિવસનાં ગાળામાં બે આરોપીઓને પગમાં ગોળી મારવામાં આવી છે તે જાેતાં એવું લાગી રહ્યું છે કે, સુરત પોલીસ આરોપીઓમાં પોતાનો ધાક જમાવવાનો પ્રયાસ કરી રહી છે પરંતુ વર્ષોથી ચાલી આવતી એકની એક થિયરીને કારણે આ ફિલ્મી પ્લોટ હોવાનું દેખાઇ આવે છે. આરોપીએ પોલીસ ઉપર હુમલો કર્યો એટલે પોલીસને વળતો ગોળીબાર કરવાની ફરજ પડી જેમાં આરોપી ઘવાયો અથવા તો આરોપીનું મોત નીપજ્યું તેવી થિયરી પોલીસ તંત્રનાં ચોપડે નોંધાતી આવી છે.

સુરત પોલીસે પણ ચાર દિવસમાં બે આરોપીને પગમાં ગોળી મારી. સ્ટેટબેંકમાં લાખો રૂપિયાની લૂંટ ચલાવનાર ગેંગનાં સાગરિત શુભમની ધરપકડ બાદ પિસ્તલ કન્યાસી ગામની સીમમાં ફેંકી દીધી હોવાની કબુલાતને પગલે ક્રાઇમબ્રાન્ચની ટીમ શુભમને લઇ કન્યાસી ગામે પહોંચી. ક્રાઇમબ્રાન્ચ જેવી પ્રાઇમબ્રાન્ચમાં ચુનંદા અધિકારીઓની નિમણૂંક કરવામાં આવે છે ત્યારે આ ચુનંદા અધિકારી આરોપીએ છુપાવેલું હથિયાર જાતે કાઢે કે આરોપીને હથિયાર કાઢીને આપવાનું કહીને હુમલો કરવાની તક આપે તે બાબત જ સમજમાં આવે તેમ નથી. કન્યાસી ગામે શુભમ હથિયાર કાઢવા ગયો અને તેણે પિસ્તલમાંથી ફાયરિંગ કર્યું જેનાં જવાબમાં એસીપી કિરણ મોદીએ શુભમનાં પગમાં ગોળી મારી હોવાની થિયરી દર્શાવવામાં આવી. બીજા કિસ્સામાં લિંબાયતમાં સરાજાહેર હત્યા કરનાર રાહુલ જાેગી નામનાં હત્યારાએ પોલીસ ઉપર ચપ્પુથી હુમલો કરતાં ઇન્સ્પેક્ટર ડી.ડી.ચૌહાણે ફાયરિંગ કરી રાહુલનાં પગમાં ગોળી મારી દીધી. પોલીસ અધિકારીઓનું નિશાન પણ એટલું સચોટ હોય છે કે, આરોપીનાં પગમાં જ ગોળી વાગે. વર્ષો પહેલાં આસિફ અમદાવાદી અને તેનાં સાગરિતનું પણ આ થિયરી અનુસાર જ એન્કાઉન્ટરમાં મોત નીપજાવવામાં આવ્યું હતું. અત્યારસુધી ‘સર્વિસ’ કરીને વરઘોડા કાઢી આરોપીને જાહેરમાં ફટકારતી સુરત પોલીસે એન્કાઉન્ટરનાં નામે આરોપીઓને ગોળી મારવાનો ખતરનાક ટ્રેન્ડ સેટ કર્યો છે જેની મોડસ ઓપરેન્ડી અને જુનીપુરાણી ઘીસીપીટી થિયરી જાેતાં સુરત પોલીસ ક્યા તો ડફોળ છે, ક્યા તો સુરતનાં લોકોને મૂર્ખ સમજે છે, ક્યા તો તે ન્યાયતંત્રથી પર હોવાનું સમજે છે.

આરોપી ગમે તેટલો રીઢો હોય પરંતુ દરેક કિસ્સામાં ગોળી મારવાની પદ્ધતિ યોગ્ય તો નથી જ.

 હત્યા, લૂંટ જેવા ગંભીર પ્રકારનાં ગુનામાં પોલીસે પુરતાં પુરાવા એકત્ર કરી સચોટ તપાસ કરવા ઉપરાંત નિયત સમય મર્યાદામાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવાની ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે જેથી આરોપીને મહત્તમ સજા મળે. ઘણા કિસ્સામાં એવું પણ જાેવાયું છે કે, પોલીસ નિયત સમયમર્યાદામાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ નહીં કરી શકતાં આરોપીને ડીફોલ્ટ બેઇલનો લાભ મળી જતો હોય છે આવા કિસ્સામાં કેટલીકવાર પોલીસની ઇરાદાપૂર્વકની વિલંબનીતિ પણ કારણભૂત હોય છે. ભૂતકાળમાં બળાત્કારનાં ગુનામાં ગણતરીનાં દિવસોમાં નરાધમોને ફાંસીની સજા મળી છે એટલે જાે પુરતાં પુરાવા સાથે ગુનાની તપાસ સચોટ કરવામાં આવે તો ગુનેગારને સજા અપાવી જ શકાય જેથી પોલીસ સત્તાધીશોએ કાયદાકીય પ્રક્રિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને ન્યાયતંત્ર ઉપર ભરોસો કેળવવો જાેઇએ. ગંભીર પ્રકારનાં ગુના આચરનાર નરાધમોને સજા મળવી જ જાેઇએ તેમાં કોઇ શંકાને સ્થાન નથી પરંતુ ગોળી મારવી એવો કોઇ ટ્રેન્ડ સેટ થવો ના જાેઇએ કારણ કે, ડોશી(આરોપી) મરી જાય તેનો ભય નથી પરંતુ જમ(પોલીસ) ઘર ભાળી જાય તેનો ડર લાગી રહ્યો છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution