લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, જુન 2026 |
2772
રાજ્ય સરકાર દ્વારા અહીં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધી, પકડીને હાંકી કાઢવા માટે એક વર્ષ બાદ ફરી ઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત સુરત પોલીસે સરકારની ઈચ્છા અનુસાર રાતોરાત ૨૬૧ શંકાસ્પદ બાંગ્લાદેશીઓને રાઉન્ડ અપ કર્યા હતાં. આ તમામના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન શરૂ કરાયું છે. જેમાં ૩૪ પુરુષ, ૨૯ મહિલા અને ૨૧ બાળકો બાંગ્લાદેશી નાગરિક હોવાના પુરાવા પોલીસને મળ્યા છે. ૨૮ મે, ૨૦૨૬નાં રોજ ગાંધીનગરનાં સોનીપુરની સભામાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહે હુંકાર કર્યો હતો કે, દેશભરમાંથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે. અમીત શાહનાં હુંકાર બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બે દિવસ અગાઉ રાજ્યનાં પોલીસવડા ઉપરાંત સુરત અને અમદાવાદનાં કમિશનર સહિત ટોચના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. આ મીટિંગમાં અપાયેલી સૂચના અનુસાર સુરત અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા બાંગ્લાદેશી ઘૂષણખોરોને શોધી કાઢવા ઓપરેશન ડેલ્ટા હંટ હાથ ધરાયું હતું.
સુરતમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતનાં માર્ગદર્શન હેઠળ એસઓજીનાં ડીસીપી રાજદીપસિંહ નકુમ અને ક્રાઇમ બ્રાન્ચનાં ડીસીપી ભાવેશ રોજીયાએ જુદી જુદી ટીમો બનાવી હતી. ૧૦૦થી વધુ કર્મચારીઓની આ ટીમોએ ઉધના, ભેસ્તાન, ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરા, અમરોલી સહિતના વિસ્તારોમાં તપાસ કરી હતી. આખી ચાલેલા તપાસનાં ધમધમાટમાં પોલીસ દ્વારા ૨૬૧ જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. આ તમામને અઠવાલાઇન્સ પોલીસ હેડક્વાર્ટર ખાતે એકઠા કરી પૂછપરછ સાથે નિવેદનો નોંધવાનું શરૂ કરાયું હતું,
આ તમામ ઘુસણખોરો વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયાનાં ભાગરૂપે દસ્તાવેજાેની ચકાસણી હાથ ધરવામાં આવી છે. જેમાં ૮૪ વ્યક્તિઓ પાસે તેઓ બાંગ્લાદેશનાં નાગરિક હોવાના પુરાવા મળી આવ્યા હતાં. જેમાં ૩૪ પુરૂષ, ૨૯ મહિલા અને ૨૧ બાળકોનો સમાવેશ થાય છે. પોલીસ કમિશનર ગહલૌતે આ અંગે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળની સરહદથી ઘુસણખોરી કરનારા આ બાંગ્લાદેશી નાગરિકો મોટા ભાગે પશ્ચિમ બંગાળમાં જ બોગસ દસ્તાવેજાે બનાવીને ગુજરાત સહિત દેશના અલગ અલગ શહેરોમાં વસવાટ કરી રહ્યા હતા. આ તમામ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોનાં આધાર કાર્ડ -પાનકાર્ડ અને વોટર આઈડી સહિતનાં દસ્તાવેજાેની હાલમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
ડ્રગ્સ અને હ્યુમન ટ્રાફિકિંગમાં સંડોવણી પોલીસની ભીંસ વધતાં વિસ્તાર બદલ્યો
કમિશનર અનુપમસિંહે જણાવ્યું હતું કે, રાજ્યનાં આર્થિક પાટનગર ગણાતા સુરતનાં ઉન, ભેસ્તાન, પાંડેસરા, ઉધના, સચિન અને અમરોલી કોસાડ સહિત વિવિધ વિસ્તારોમાં ઓળખ છુપાવીને વસવાટ કરતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની વસતી જાેવા મળી છે. ગત વર્ષે પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડવા વિશેષ અભિયાન હાથ ધરાયું હતું. એ અભિયાન બાદ બાંગ્લાદેશીઓએ રહેણાંક વિસ્તાર બદલી નાંખ્યો છે. હવે અમરોલી કોસાડ વિસ્તારમાંથી વધુ બાંગ્લાદેશી મળ્યા છે. ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો હ્યુમન ટ્રાફિકિંગ અને ડ્રગ્સનાં વેપલામાં સંડોવાયેલા હોવાની પણ જાણકારી મળી છે. બાંગ્લાદેશથી યુવતીઓને રોજગારની વાતે ભોળવી અહીં લાવ્યા બાદ દેહવિક્રય સહિતના ગોરખધંધા કરાવાય છે. બોર્ડર ક્રોસ કરાવવાથી માંડી કાયદેસરનું કામ અપાવવા કે ગેરકાનૂની કામ કરાવવા સુધી એજન્ટનું નેટવર્ક સક્રિય છે. આ નેટવર્ક અંગે પણ ખૂબ ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.
મોટાભાગનાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પાસે ભારતીય નાગરિક હોવાના પુરાવા મળ્યાં
બાંગ્લાદેશી ઘૂસણખોરો અહીં આવ્યા બાદ પહેલું કામ ભારતીય નાગરિકત્વનાં પુરાવા ઉભા કરવાનું કરે છે. આ માટે ચોક્કસ એજન્ટ કહો કે ટોળકી કાર્યરત છે. આ ટોળકી બે થી પાંચ હજાર રૂપિયા લઇ આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવી આપે છે. બંગાળનાં અંતરિયાળ ગામડાઓની શાળાનાં બોગસ એલસી જન્મ સ્થળ અને તારીખનાં પુરાવારૂપે બનાવી અપાય છે. ત્યારબાદ ઓનલાઇન પ્રક્રિયાનાં છીંડા શોધી તદ્દન ખોટી રીતે આઇડી પ્રૂફ બનાવી દેવામાં આવ્યા બાદ વોટર આઇડી કાર્ડ પણ બનાવી દેવામાં આવતા હોવાનું વખતો વખત પોલીસ તપાસમાં બહાર આવી ચૂક્યું છે. આઇડી પ્રુફ બનાવી લીધા બાદ તેના આધારે ડ્રાઇવિંગ લાયસન્સથી માંડી બેંક એકાઉન્ટ પણ તેઓ ખોલાવી દે છે. બાંગ્લાદેશી નાગરિક તરીકે પોલીસ પકડે ત્યારે તેઓ પોતાની પાસેનાં આધારકાર્ડ બતાવી દે છે. જાે એ વ્યક્તિ પાસે બાંગ્લાદેશી નાગરિક હોવાનું કોઈ ડોક્યુમેન્ટ મળે તો જ તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરાય છે. જાે માત્ર ભારતીય નેશનલ આઇડી મળે તો કાર્યવાહીમાં કાનૂની બાધ આવી જાય છે. હાલ પણ પોલીસે જેમને બાંગ્લાદેશી તરીકે પકડ્યા છે, એમાંથી મોટાભાગનાં પાસે ભારતીય નાગરિક હોવાના ઉભા કરાયેલા પુરાવા છે. પોલીસ હાલ આ આઇડીનું વેરિફિકેશન કરી રહી છે. આ નાગરિકો પાસે બાંગ્લાદેશનું નેશનલ આઇડી કાર્ડ મળે તો જ તેઓ ત્યાંનાં નાગરિક હોવાનું સત્તાવાર રીતે જાહેર કરી તેમને ડીપોર્ટ કરવા કાયદેસર કાર્યવાહી કરી શકાય છે. જાે એ આઇડી ના મળે તો બાંગ્લાદેશ સરકાર તેમને પોતાના નાગરિક તરીકે સ્વીકારતી નથી. આ રીતે ઘૂસણખોરોને બાંગ્લાદેશી પુરવાર કરી દેશનિકાલની કાર્યવાહીમાં પોલીસને નવનેજા પાણી ઉતરે છે. જાે કે, હવે ડીપોર્ટેશનની પ્રક્રિયા હળવી પરંતુ ઝડપી બનાવી દેવાઇ છે.