લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, માર્ચ 2026 |
2277
દૈનિક ૬ કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરતા સુરતના વણાટ (વીવીંગ) ઉદ્યોગની એક મહત્વપૂર્ણ મિટિંગ આજે સાંજે ૪થી ૬ દરમિયાન ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસીએશનના નેજા હેઠળ મળી રહી છે. આ મિટીંગ એટલા માટે મહત્વપૂર્ણ પુરવાર થશે કે પશ્ચિમ એશિયામાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા યુદ્ધને કારણે સુરતના વણાટ ઉદ્યોગને સૌથી માઠી અસર પહોંચી છે અને એક મહિના લંગડાય રહેલા વીવીંગ ઉદ્યોગે હવે પછી શું કરવું એ અંગેનો ર્નિણય આજે મળનારી બેઠકમાં લેવાશે, જે સુરતમાં હજારો વીવીંગ કારખાનેદારો માટે ભાવિ રણનીતિ હશે. ફોગવાના પ્રેસિડેન્ટ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે યુદ્ધ ફાટી નીકળ્યું તેના ત્રીજા જ દિવસથી નાયલોન, પોલિએસ્ટર, વિસ્કોસ યાર્નના ભાવોમાં વધારો કરવામાં આવ્યો અને એ એટલી હદે કે જેમ જેમ ક્રુડના ભાવ વધે તેમ તેમ સ્થાનિક બજારમાં યાર્નના ભાવ વધારી દેવામાં આવ્યા છે. આજે સરેરાશ ૪૦ ટકા જેટલા યાર્નના ભાવ વધી ગયા છે. વીવીંગ કારખાનેદારો માટે યાર્ન મુખ્ય રો મટિરિયલ છે અને તેમાંથી જ ગ્રે કાપડ કે ફિનિશ્ડ કાપડનું ઉત્પાદન થાય છે. યાર્નના અસહ્ય ભાવ વધારાની સમસ્યા વકરવાની સાથે શ્રમજીવીની અછતનો મુદ્દો પણ વીવીંગ ઉદ્યોગ માટે હવે વિકરાળ બન્યો છે. લેબર શોર્ટેજને કારણે મોટા ભાગના કારખાનાઓમાં નાઇટ શીફ્ટમાં ઉત્પાદન બંધ થઇ ચૂક્યું છે. આ બે મુદ્દાઓ પર શું કરવું એ અંગે વિતેલા સપ્તાહે ફોગવાએ કારખાનેદાર સભ્યો પાસેથી સેન્સ મગાવ્યો હતો અને એ સેન્સ મેળવવાની પ્રક્રિયામાં ૮૫ ટકા કારખાનેદારોએ ઉત્પાદન કાપ કરીને થોડા દિવસ ઉદ્યોગને રેસ્ટ આપવાના સૂચનો કર્યા છે. ફોગવા પ્રેસિડેન્ટ અશોક જીરાવાલાએ જણાવ્યું કે આવતીકાલ સોમવાર તા.૩૦મી માર્ચે સાંજે ૪થી ૬ વાગ્યા દરમિયાન રઘુવીર સ્કાર્લેટ માર્કેટ, ડીએમડી રોડ, સારોલી મુકામે ફોગવાની આગેવાની હેઠળ વીવીંગ કારખાનેદારોની મિટીંગ યોજાઇ રહી છે જેમાં ફેડરેશન ઓફ ગુજરાત વિવર વેલ્ફર અસ્સોશિયેશન, રેપિયર જેકાડ વિવર એસોસિએશન, સુરત એરજેટ વિવર એસોસિએશન, વોટરજેટ વિવર્સ એસોસિએશન, લસકાણા વિવર એસોસિએશન, કિમ પીપોદરા વિવર્સ એસોસિએશન, બમરોલી વિવર્સ એસોસિએશન, પાંડેસરા વિવર્સ એસોસિએશન, જોળવા વિવર્સ એસોસિએશન, સચિન હોજીવલા એસોસિએશન, પરબ-ઉભેલ વિવર એસોસિએશન, સાયણ વિવર એસોસિએશન સહિત અન્ય સંગઠનોના અંદાજે ૪૦૦૦ થી વધુ વિવીંગ કારખાનેદારો એકત્રિત થઇને ભાવીિ રણનીતિ નક્કી કરશે.