લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, માર્ચ 2026 |
સુરત |
3168
નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યાં છે અને માર્ચ મહિનાનાં અંતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં વાવ-થરાદની મુલાકાત પછી ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના સેવાઇ રહી છે ત્યારે ભાજપ હાઇકમાન્ડે પ્રદેશ ચૂંટણી સમિતિની આજે જાહેરાત કરી હતી. આ ચૂંટણી સમિતિમાં સુરત શહેર અને જિલ્લાનાં પાંચ પ્રતિનિધિનો સમાવેશ કરીને સુરતનું પ્રદેશ તેમજ રાષ્ટ્રીય સ્તરે કેટલું મહત્વ છે તે સાબિત કરી આપ્યું છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, અમદાવાદ-કર્ણાવતીમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને અમદાવાદ જિલ્લામાંથી પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મળીને માત્ર ત્રણ નેતાનો જ સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે પાટનગર ગાંધીનગરમાંથી પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરનો સમાવેશ કરવામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી લઇને ડાંગ સુધીનાં સાત જિલ્લા અને બે મહાનગર પાલિકા છે પરંતુ સુરત શહેર અને જિલ્લા સિવાયનાં જિલ્લા કે મહાનગર પાલિકામાંથી એક પણ નેતાની પ્રદેશ ચૂંટણી સમિતિમાં પસંદગી કરવામાં આવી નથી.
સુરત શહેરમાંથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, અનુસુચિત જનજાત મોરચાનાં પ્રદેશ અધ્યક્ષ ધારાસભ્ય ગણપત વસાવા તેમજ પ્રદેશ મહિલા મોરચાનાં અધ્યક્ષ અંજુ વેકરિયાને ચૂંટણી સમિતિમાં જવાબદારી સોંપી છે જ્યારે કેન્દ્રીય મંત્રી સુરતનાં સી.આર.પાટિલને વિશેષ આમંત્રિત સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યાં છે.
સી.આર.પાટિલનાં વિરોધી જુથનાં મનાતા ગણપત વસાવાનો ચૂંટણી સમિતિમાં સમાવેશ કરીને ભાજપ હાઇકમાન્ડે સુરતનાં બે જુથને બેલેન્સ કરવાનો પ્રયાસ કર્યો હોય તેમ જણાય છે.