લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, મે 2026 |
1980
સોમનાથ મંદિરના પુન: નિર્માણના ૭૫ વર્ષ નિમિત્તે “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬”ની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અવસરે ભારતીય વાયુસેનાની સુપ્રસિદ્ધ ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ દ્વારા જે મંદિરના આકાશમાં અદભૂત હવાઈ કરતબોનું નિદર્શન કરવામાં આવશે. આજે સવારે જ્યારે સૂર્યકિરણની ટીમ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું ત્યારે પાયલટોના સાહસભર્યા ઉડાનો જાેઈને હાજર લોકો દંગ રહી ગયા હતા અને હર્ષનાદ સાથે એરફોર્સના પાયલટને વધાવી લીધા હતા.
ભારતીય વાયુસેનાના એમ્બેસેડર તરીકે ઓળખાતી સૂર્યકિરણ ટીમ લાલ અને સફેદ રંગના હોક એમ.કે.-૧૩૨ જેટ એરક્રાફ્ટ દ્વારા આકાશમાં વિવિધ સિંક્રનાઈઝ્ડ ફોર્મેશન અને સાહસિક દાવપેચ રજૂ કરશે. આ એરોબેટિક શો અંદાજે ૧૫ મિનિટ સુધી ચાલશે, જેમાં પાઈલટો એકબીજા જેટની અત્યંત નજીકથી ફાઇટર પ્લેન ઉડાડવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરશે. જામનગર એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરીને આ ટીમ માત્ર ૧૮ મિનિટમાં સોમનાથના આકાશમાં પહોંચશે. જામનગરથી સોમનાથનું હવાઈ અંતર અંદાજે ૧૮૨ કિમી જેટલું છે. ગ્રુપ કેપ્ટન અજય દશરથીના નેતૃત્વમાં ૧૩ કુશળ પાઈલટોની ટીમ આ પ્રદર્શન કરશે. આ પ્રદર્શનના સુરક્ષિત સંચાલન માટે જામનગર એરફોર્સ સ્ટેશનના ૨૫થી ૩૦ એર વોરિયર્સની ટીમ મેદાનમાં તૈનાત રહેશે. આ ટીમ દ્વારા ફ્લાયપાસ્ટ કંટ્રોલ, એવિએશન સેફ્ટી, બર્ડ હેઝાર્ડ કંટ્રોલ, હવામાન વિભાગ અને સિગ્નલ કમ્યુનિકેશનની જવાબદારી સંભાળવામાં આવશે. વર્ષ ૧૯૯૬માં સ્થપાયેલી સૂર્યકિરણ ટીમ અત્યાર સુધીમાં ભારતમાં ૮૦૦થી વધુ એર ડિસ્પ્લે કરી ચૂકી છે.