લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, મે 2026 |
4752
પશ્ચિમ બંગાળના દોહરિયા વિસ્તારમાં મોડી રાત્રે સુવેન્દુ અધિકારીના પીએ ચંદ્રનાથ રથની હત્યા કરી દેવામાં આવી હતી. ભાજપના ચૂંટણી જીત્યા બાદથી રાજ્યમાં સતત હિંસા ચાલુ છે. આ દરમિયાન હત્યાના ઠીક પહેલાનો એક સીસીટીવી ફૂટેજ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ચંદ્રનાથ રથની સફેદ સ્કોર્પિયો આગળ જતી દેખાઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચંદ્રનાથ રથ પોતાની કારમાં જઈ રહ્યા હતા. ડ્રાઈવર કાર ચલાવી રહ્યો હતો અને તેઓ બાજુની સીટ પર બેઠા હતા. એક કાર ઘણા સમયથી ચંદ્રનાથની સ્કોર્પિયોનો પીછો કરી રહી હતી. એટલામાં પાછળની કાર આગળ આવી અને તેની ઝડપ ધીમી થઈ ગઈ. આથી ચંદ્રનાથની કારની સ્પીડ પણ સ્લો થઈ ગઈ. ત્યારબાદ સાઈડમાંથી બાઇક સવાર શખ્સો આવ્યા અને ચંદ્રનાથની છાતીમાં અંધાધૂંધ ગોળીબાર કરી દીધો. ત્યારબાદ માહોલ સંપૂર્ણપણે હિંસક બની ગયો હતો. કુલ ૧૦ રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી અને ચંદ્રનાથને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. તેમના શરીરમાંથી બે ગોળીઓ કાઢવામાં આવી છે. પ્રત્યક્ષદર્શીઓએ પોલીસને જણાવ્યું છે કે, હુમલામાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાઇકલ પર કોઈ રજીસ્ટ્રેશન પ્લેટ નહોતી, જેનાથી એવી શંકા જન્મે છે કે, આ હુમલો અગાઉથી વિચારેલું કાવતરું હતું. કોઈએ તેમની કારનો પીછો કર્યો અને જ્યારે કાર ધીમી પડી, ત્યારે તેમણે ગોળી ચલાવી દીધી હતી.
મારા પુત્રના હત્યારાને ફાંસી નહીં, જનમટીપ આપો : માતા
ચંદ્રનાથ રથની માતા હસીની રથે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, હું ગુનેગારોને સજા ઇચ્છું છું. પણ હું એક માતા પણ છું, તેથી હું તેમને ફાંસી આપવા માંગતી નથી. હું ગુનેગારોને આજીવન કેદની સજા ઇચ્છું છું. હસીરાણી રથે ટીએમસી પર હત્યાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, જ્યારથી સુવેન્દુ બાબુએ મમતા બેનર્જીને હરાવ્યા ત્યારથી, મારા પરિવારને આવી ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
સુવેન્દુ બોલ્યા- મેં મમતાને હરાવી, તેથી હત્યા કરી
ભાજપના નેતા સુવેન્દુ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે તેમના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથની હત્યા એટલા માટે થઈ કારણ કે તેમણે મમતાને હરાવ્યા હતા. સુવેન્દુએ કહ્યું- આ હત્યાને જે રીતે અંજામ આપવામાં આવ્યો, તેની જેટલી પણ નિંદા કરીએ તે ઓછી છે. હત્યાનું કારણ ભવાનીપુરથી મમતાની હાર હોઈ શકે છે.