લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, મે 2026 |
2871
પૈસા બાબતે મિત્ર સાથે માથાકૂટ કરનારને સમજાવવા તેના ઘરે ગયેલા કિશોરને છાતીમાં ચપ્પુનો ઘા ઝીંકી હત્યા કરાયાનો બનાવ પાંડેસરામાં બન્યો હતો. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર હરિઓમનગરમાં સંતોષ રામગોપાલ ગુપ્તા તેના પરિવાર સાથે રહે છે. મધ્યપ્રદેશનાં રિવા જિલ્લાનો વતની સંતોષ દેવકીનંદન સ્કુલ પાસે નાસ્તાની લારી ચલાવે છે. તેમને સંતાનમાં બે દિકરા અને બે દીકરી છે. ત્રણ નંબરનો દિકરો દેવા ગુપ્તા પાંડેસરા તેરેનામ ચોકડી પાસે આવેલી બી. જી. મિશ્રા સ્કુલમાં દસમાં ધોરણમાં અભ્યાસ કરે છે. ૨૦મી તારીખે સાંજે સાડા ચારેક વાગ્યાનાં અરસામાં દેવાનો મિત્ર સાહિલ પત્રકાર કોલોની પાસે શેરડીનો રસ પીતા હતા. એ સમયે હેપ્પીનો પરિચિત આદર્શ ઉર્ફે બટકો ત્યાં આવ્યો હતો. તેણે મને તને તેરેનામ ચોકડી પર છોડી દો એમ રહેતા હેપ્પીએ હા પાડી હતી. એ સમયે હેપ્પીના મોટર સાયકલ આદર્શે હંકારી અને અને તેઓને ડિ માર્ટની સામે આવેલા નાકોડા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે લઈ ગયો હતો. જ્યાં આદર્શના અન્ય મિત્રો પણ હાજર હતાં.
ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે આદર્શે તેના મિત્રોને કહ્યું હતું કે આ હેપ્પી મારા પૈસા આપતો નથી, જેથી તેના મિત્રો હેપ્પીને પૈસા પરત કરવા કહી ધાક ધમકી આપવા માંડ્યા હતાં. દરમિયાન આદર્શે મોટર સાયકલની ચાવી લઇ લીધી હતી. લાંબી માથાકૂટ બાદ આદર્શે ચાવી પરત કરતાં હેપ્પી ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં રાત્રે સાડા દસેક વાગ્યાનાં અરસામાં હેપ્પી, દેવા અને અરવિંદ હાઉસિંગમાં આવેલી વિધાયક નામની ચાની દુકાન પર બેઠા હતાં. એ સમયે હેપ્પીએ દેવાને બપોરે આદર્શ સાથે થયેલી માથાકૂટની વાત કરી હતી. આ સાંભળી દેવાએ આપણે આદર્શના ઘરે જઈ તેના માતા પિતાને જાણ કરીએ એમ કહ્યું અને પછી ત્રણેય જણા આદર્શના ઘરે ગયા હતાં. ઘરે ટેરેસ પર સૂતેલા આદર્શ અને તેની માતાને આ મિત્રોએ જગાડ્યા હતાં. તેઓને નીચે લાવી હેપ્પીએ તેની સાથે બનેલા બનાવ બનાવ અંગે માતાને વાત કરવા માંડી હતી. આ દરમિયાન આદર્શ બટકો ગુસ્સે ભરાયો અને ગાળા ગાળી કરવા માંડ્યો હતો. હેપ્પી અને દેવાએ લડાઈ ઝઘડો નહીં કરી શાંતિથી વાત કરવા કહ્યું હતું.
જાે કે, આદર્શે હેપ્પી અને દેવાને ઢીકમુક્કીનો માર મારવા માંડ્યો તો તેની માતાએ વચ્ચે પડી છોડાવ્યા હતાં. એવામાં આદર્શ ઘરમાં દોડી ગયો અને ચપ્પુ જેનું તિક્ષ્ણ હથિયાર લાવી દેવાને છાતીના ભાગે ઘા મારી દીધો હતો. દેવો લોહીલુહાણ થઇ જતાં આદર્શ અને તેની માતા ઘરમાં જતાં રહ્યા અને દરવાજાે બંધ કરી દીધો હતો. જ્યારે હેપ્પી અને અરવિંદ મોટર સાયકલ પર બેસાડી દેવા ને સિવિલ લઇ ગયા હતાં. જ્યાં તબીબોએ ગંભીર અવસ્થામાં તેની સારવાર શરૂ કરી હતી. દરમિયાન હુમલાની જાણ થતાં દેવાના માતા-પિતા સિવિલ દોડી આવ્યા હતાં. તેઓ તેને વધું સારવાર માટે યુનિક હોસ્પિટલ લઇ ગયા હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.