સાયબર ફ્રોડ કરીને ૫૩.૫૫ કરોડની છેતરપિંડી આચરનારા દસ આરોપીઓની ધરપકડ કરાઇ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, મે 2026  |   2178

સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે ઓપરેશન મ્યુલ હંટ ૨.૦ હેઠળ આણંદની ગેંગના દસ સભ્યોને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ૧૯૭ બેંક અકાઉન્ટમાંથી ૬૦ અકાઉન્ટમાં રૂ. ૫૩.૫૫ કરોડની છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે. આ કાર્યવાહી દરમિયાન આણંદ અને અમદાવાદના કુલ દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓમાં નિઝામુદ્દીન દીવાન, સાહિલમિયા મલેક, સોહિલ મલેક, જીગ્નેશ પટેલ, વનરાજ ભરવાડ, તુષાર વાળંદ, રીકેન ઉર્ફે રોકી ઉર્ફે પંડિત, આકાશ પટેલ, મોઈન મલેક અને કૃપલ દેસાઈનો સમાવેશ થાય છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપી ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ ગુનામાં ઝડપાયેલા આરોપીઓએ વિવિધ બેંક અકાઉન્ટનો ઉપયોગ કરી દેશભરમાં ૧૩૨ સાયબર ફરિયાદો સર્જી છે. તેમણે જણાવ્યું કે, આ ગેંગે મ્યુલ અકાઉન્ટમાં સાયબર ફ્રોડ અને ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડના નાણા જમા કર્યા હતા અને તેને યુએસડીટીમાં કન્વર્ટ કરાવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, આરોપી સાહિલ મલેક પાસે મળેલા બેંક અકાઉન્ટની તપાસ કરતાં પેટલાદના સલ્માન વ્હોરાનું કર્ણાટક બેંકનું અકાઉન્ટ મળી આવ્યું હતું. આ અકાઉન્ટનો ઉપયોગ મુંબઈના ચકચારી બાબા સીદીકી હત્યા કેસમાં થયો હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે કે આ અકાઉન્ટ ક્યારે અને કેવી રીતે આપવામાં આવ્યું હતું અને આરોપી મુખ્ય આરોપીઓ સાથે સંપર્કમાં હતો કે કેમ.પોલીસે આરોપીઓ પાસેથી ૧૦ મોબાઇલ, ૩ ચેકબુક, ૩ પાસબુક અને ૩ ડેબિટ કાર્ડ સહિતના મુદ્દામાલ જપ્ત કર્યા છે. ડો. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે આ ગુનાના અન્ય પાસાંઓની તપાસ ચાલુ છે અને આરોપીઓ કોના સંપર્કમાં હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.આ કેસમાં આરોપીઓએ મ્યુલ અકાઉન્ટના ઉપયોગથી મોટી રકમની છેતરપિંડી કરી હોવાના પુરાવા મળ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution