લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, મે 2026 |
3762
પશ્ચિમ એશિયામાં વધતા જતા યુદ્ધનો તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ આસપાસ ઉભી થયેલી અનિશ્ચિતતાએ હવે સુરતના કાપડ અને ગારમેન્ટ ઉદ્યોગને સીધી અસર પહોંચાડવાની શરૂઆત કરી છે. યુદ્ધની બેધારી તલવાર જેવી અસર સુરતનાં કાપડ માર્કેટ પર થઇ છે. પહેલી અસર એવી છે કે યુદ્ધને કારણે ક્રુડનાં ભાવો આસમાને પહોંચતા સુરતનાં વણકરો (વીવર્સ) જેમાંથી કાપડ બનાવે છે એ યાર્ન અને તેના બેઝિક રો-મટીરિયલ્સનાં ભાવ આસમાને પહોંચ્યા છે જેને લઇને કાપડ મોંઘુ થયું છે જ્યારે બીજી અસર સુરતથી એક્સપોર્ટ થતાં ફેબ્રિક તેમજ ગારમેન્ટ્સની નિકાસ તળિયે બેસી ગઇ છે. સુરતમાંથી યુએઇ મારફતે યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વનાં દેશોમાં ફેબ્રિક તેમજ રેડીમેઇડ ગારમેન્ટ્સની નિકાસ કરતા ૭૫૦થી વધુ ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ કમ એક્સપોર્ટર્સ વધતા લોજિસ્ટિક્સ ખર્ચ, કન્ટેનર વિલંબ અને ઓર્ડર હોલ્ડ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
ટેક્સ્ટાઈલ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોનાં જણાવ્યા મુજબ, હાલ જહાજાેને હોર્મુઝ સ્ટ્રેટનાં જાેખમને કારણે આફ્રિકા તરફથી લાંબા રૂટ દ્વારા યુરોપ અને અમેરિકાનાં બજારો સુધી મોકલવામાં આવી રહ્યા છે. જેના કારણે ટ્રાન્ઝિટ સમય ૨૦થી ૨૫ દિવસ સુધી વધી ગયો છે. સાથે જ કન્ટેઇનર નૂર દરમાં ૪૦થી ૫૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે, સુરતનાં મોટાભાગનાં ગારમેન્ટ એક્સપોર્ટર્સ યુએઇને ટ્રાન્ઝિટ હબ તરીકે ઉપયોગ કરતા આવ્યા છે. ત્યાંથી યુરોપ અને આફ્રિકાનાં વિવિધ દેશોમાં માલ પહોંચાડવામાં આવતો હતો. પરંતુ હાલની પરિસ્થિતિમાં દુબઇ અને આસપાસના બંદરો પર કન્ટેનર ક્લિયરન્સમાં વિલંબ થવાથી અનેક ઓર્ડર હોલ્ડ પર મુકાયા છે.
સ્થાનિક ઉદ્યોગકાર અને નિકાસકાર ચિંતન ખેતાનનાં જણાવ્યા મુજબ, હોર્મુઝ સ્ટ્રેટની અનિશ્ચિતતાને કારણે જહાજાેને લાંબા રૂટથી જવું પડી રહ્યું છે. જેના કારણે કન્ટેઇનર ડિલિવરીમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. અનેક આંતરરાષ્ટ્રીય ખરીદદારો હાલ નવા ઓર્ડર મૂકવામાં સાવચેત બની ગયા છે. પરિણામે ટેક્સ્ટાઈલ અને ગારમેન્ટ એક્સપોર્ટ સેક્ટર સૌથી વધુ પ્રભાવિત બન્યો છે. ટેક્સ્ટાઇલ મેન્યુફેક્ચરર આશિષ ગુજરાતીનું કહેવું છે કે ઉદ્યોગ પર માત્ર શિપિંગ ખર્ચનો જ નહીં પરંતુ કાચા માલનાં ભાવવધારાનો પણ સીધો પ્રભાવ પડી રહ્યો છે. કાચા તેલના ભાવમાં વધારાને કારણે પોલીએસ્ટર યાર્ન, સ્ઈય્ અને ઁ્છ જેવા ઇનપુટ્સનાં ખર્ચમાં વધારો થયો છે. સાથે જ રંગકામ, કેમિકલ્સ, પેકેજિંગ અને મજૂરી ખર્ચમાં પણ વધારો નોંધાયો છે.
સુરતનાં વીવિંગ અને પ્રોસેસિંગ ઉદ્યોગકારોનું કહેવું છે કે, કાચા કપાસનાં ભાવમાં પણ લગભગ ૩૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે. જેના કારણે ગ્રે ફેબ્રિકથી લઇને ફિનિશ્ડ ગારમેન્ટ સુધીનાં ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ખરીદદારો ઊંચા ભાવ સ્વીકારવા તૈયાર ન હોવાથી માર્જિન પર ભારે દબાણ સર્જાયું છે. ઉદ્યોગકારોએ કેન્દ્ર સરકાર સમક્ષ યાર્નનાં બેઝિક રો-મટીરિયલ તેમજ જુદા જુદા પ્રકારનાં યાર્નની આયાત પર વસૂલાતી ઇમ્પોર્ટ ડ્યૂટી ઝીરો કરવાની માંગ પણ ફરી ઉઠાવી છે. ઉદ્યોગનું કહેવું છે કે, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા સ્પર્ધી દેશોને આંતરરાષ્ટ્રીય સ્તરે સસ્તા ઇનપુટ્સ ઉપલબ્ધ થાય છે, જ્યારે ભારતીય ઉત્પાદકોને ઊંચી આયાત જકાત ચૂકવવી પડે છે. જેના કારણે વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવી મુશ્કેલ બની રહી છે. સુરત ટેક્સ્ટાઈલ માર્કેટનાં વેપારીઓનાં મતે, જાે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો આવનારા મહિનાઓમાં નિકાસ ઓર્ડરમાં વધુ ઘટાડો, પ્રોડક્શન કટ અને રોજગારી પર પણ અસર જાેવા મળી શકે છે. હાલમાં અનેક એક્સપોર્ટર્સ નવા ઓર્ડર લેતા પહેલા શિપિંગ પરિસ્થિતિ અને ફ્રેઇટ રેટ પર નજર રાખી રહ્યાં છે.
બાંગ્લાદેશ-વિયેતનામ સામે ભારતીય ઉદ્યોગ નબળો કેમ?
બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશોમાં કાચા માલ પર ઓછી અથવા ઝીરો ઇમ્પોર્ટ ડ્યૂટી હોવાથી ત્યાંના ઉત્પાદકોને સસ્તા બેઝિક રો-મટીરિયલ મળી રહે છે. આથી તેમના કાપડ ઉત્પાદનનું કોસ્ટીંગ સુરતનાં વીવિંગ ઉદ્યોગકારો જેટલું ઉંચું નથી આવતું. જ્યારે સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં કાપડ ઉત્પાદક વીવિંગ કારખાનેદારોને અનેક ઇનપુટ્સ, બેઝિક રો-મટીરિયલ્સ પર ઇમ્પોર્ટ ડ્યૂટી ચૂકવવી પડે છે. જેના કારણે વૈશ્વિક બજારમાં ભાવ સ્પર્ધા મુશ્કેલ બની રહી છે. હજુ તો કેન્દ્ર સરકાર કેટલાક યાર્નની આયાત પર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરવાની હિલચાલ કરી રહ્યાની ફરીયાદો પણ ઇન્ડસ્ટ્રીઝમાંથી સાંભળવા મળી રહી છે.
રોજગારી પર પણ અસર પડી શકે છે
સુરતનો ટેક્સ્ટાઈલ અને ગારમેન્ટ ઉદ્યોગ લાખો લોકોને રોજગારી આપે છે. જાે નિકાસ ઓર્ડરમાં સતત ઘટાડો રહેશે તો વીવિંગ, પ્રોસેસિંગ, ડાઇંગ અને ગારમેન્ટ યુનિટ્સમાં પ્રોડક્શન કટ થવાની શક્યતા વધી શકે છે. જેના કારણે મજૂરો અને નાના યુનિટ્સ પર સૌથી વધુ અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.