ગાંધીનગર-

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી સક્રિય રીતે આગળ વધી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા સતત સ્થાનિક લોકોના મુદ્દાઓ ઉઠાવવામાં આવતા હોય છે. ગુજરાતમાં હવે આમ આદમી પાર્ટી સફળતા પૂર્વક આગળ વધી રહી છે. આ દરમિયાન પક્ષમાં ગોપાલ ઈટાલિયાનું કદ સતત વધતું રહ્યું છે. અમુક સમય અગાઉ ગોપાલ ઈટાલિયાની આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂંક કરવામા આવી હતી. જે પછી ગોપાલ ઈટાલિયાએ કરેલી કામગીરીની નોંધ દિલ્હીના નેતાઓએ પણ લીધી હતી. જે પગલે રાજ્યમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અગાઉ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ તરીકે ગોપાલ ઈટાલિયાની નિમણૂંક કરવામા આવી છે. આ સાથે જ પક્ષ દ્વારા 2 મહત્ત્વના હોદ્દાઓ પર મહિલાઓની નિમણૂંક કરવામા આવી છે.

ગોપાલ ઈટાલિયાએ સ્થાનિક સ્વરાજ્યની આવેલી રહેલી ચૂંટણીઓ અંગે જણાવ્યું કે, 'અમે આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં દિલ્હી મોડલ આધારે લોકોને જાગૃક્ત કરીશું. લોકોને દિલ્હીના કામો બતાવી આવા કામ ગુજરાતમાં પણ થઈ શકે છે તેવી ખાતરી આપીશું. લોકોને માહિતગાર કરીશું અને આમ આદમી પાર્ટીના નેતૃત્ત્વ હેઠળ એક પ્રામાણિક, યુવા નેતૃત્ત્વ, ભ્રષ્ટાચાર મુક્ત, મહિલા સશક્તિકરણ સહિતના વિચારો સાથે ગ્રાઉન્ડ લેવલે કેવું સારું કામ થઈ શકે છે તે લોકોને જણાવીશું.'