લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, મે 2026 |
1782
માથાભારે પ્રકૃતિના શિલા ઝાલા સામે વેપારીને ધમકાવી ૧.૨૦ લાખ રૂપિયા ખંડણી વસૂલવાનો ગુનો પોલીસ ચોપડે નોંધાયો છે. સલાબતપુરા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર માનદરવાજા જુના ડેપો પાસે હળપતિ કોલોનીમાં રહેતો અભિષેક ઉર્ફે રોહન રાજેન્દ્ર દેવરે કાપડનો ધંધો કરે છે. ગત ૨૫ જુલાઇ, ૨૦૨૫ના રોજ રાત્રે સાડા દસેક વાગ્યે તે માર્કેટથી વેપાર ધંધાના એક લાખ રૂપિયા લઇને ભાઠેનામાં રહેતા મિત્ર યુસફને મળવા નીકળ્યો હતો. ભાઠેના, ઊમિયામાતાજી મંદિર પાસે અભિષેક અને યુસુફ વાત કરતાં હતાં. દરમિયાન કાળા કલરની સ્કોર્પિઓ આવી હતી. આ સ્કોર્પિઓમાં શિવા ઝાલા તથા બે અજાણ્યા યુવકો હતો. માથાભારે પ્રકૃતિના શિવા ઝાલાએ અભિષેકને કહ્યું હતું કે, તારે કાપડનો ધંધો કરવો હોય તો મને દર મહિને ૫૦,૦૦૦ રૂપિયા આપવા પડે. પૈસા નહીં આપે તો તારો વેપાર ધંધો ચાલવા નહી દઉં. શિવાની ધાક ધમકીથી ગભરાઇ અભિષેકે ૩૦ હજાર રૂપિયા તેને આપ્યા અને બાકીના પૈસા બે ચાર દિવસમાં પહોંચાડી દઈશ એમ કહ્યું હતું. જેથી શિવા ઝાલા
અને તેના સાગરીતોએ અભિષેકને માર માર્યો હતો. ઝાલાએ ચાકુ
કાઢી બેગ છીનવી લીધી હતી. બેગમાં રહેલા ૭૦ હજાર રૂપિયા પણ તેણે લઇ લીધા હતાં. એ સમયે શિવાની ધમકીથી ગભરાઇ ગયેલા અભિષેકે કોઈ દાદ ફરિયાદ કરી ન હતી.
ત્યારબાદ ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ અભિષેક દેવરે તેના મિત્ર જય ધર્મેશ રાઠોડ સાથે અન્ય મિત્ર બશીરને ઘરે જઇ રહ્યા હતાં. દરમિયાન ભાઠેના ઉમિયા માતા મંદિર પાસે ફરી શિવા ઝાલા તેને ભટકાઈ ગયો હતો. એ સમયે શિવા સાથે તેનો ભાઈ રામ પણ હતો.
આ બંને ભાઈઓએ અભિષેક પાસે જઈ તુ હપ્તો કેમ આપતો નથી તેમ કહી ગાળ ગલોચ કરવા માંડી હતી. શિવરાજસિંહ ઉર્ફે શિવો દરબાર ઝાલાએ સ્કોર્પિઓમાંથી ચપ્પુ કાઢી લાવી અભિષેકના
પેટના ભાગે મૂકી દીધું હતું. સાથે જ ધમકી આપી હતી કે જીવતા રહેવું હોય તો સમયસર હપ્તો આપજે. એ સમયે તેણે અભિષેકના ખિસ્સામાંથી રોકડા ૨૦ હજાર રૂપિયા કાઢી લીધા હતાં. આ બનાવના ત્રણ મહિના બાદ અભિષેક દેવરેએ પોલીસનો સંપર્ક કરી શિવરાજ સિંહ અને રામ ઝાલા તથા તેના સાગરિતો સામે ફરિયાદ નોંધાવી હતી.
લાજપોર જેલમાં ચાલતા ભ્રષ્ટાચારની પોલ ખોલતા જ ખંડણીનો ગુનો નોંધાયો
શિવા ઝાલા ગેરકાયદે ડ્રગ્સ થી લઇ હથિયારના વેપલામાં ઝડપાઇ ચૂક્યો છે. ડ્રગ્સના કેસમાં જામીન ઉપર છૂટેલા માથાભારે શિવરાજસિંહ દ્વારા ત્રણ દિવસ અગાઉ જ જેલમાં ચાલી રહેલા બેફામ ભ્રષ્ટાચાર અંગે અધિકારીઓના નામ જાેગ આક્ષેપો કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે, નવા કેદીઓને હાઈ સિક્યોરિટી ઝોનમાં મુકીને તેમની પાસે તોડ કરવામાં આવતો હોય છે. ખૈની, વિવરીયા અને ગઢવી તથા પાકા કામના કેદી ઉજેફાનો ઉલ્લેખ કરતાં તેણે વધુમાં કહ્યું હતું કે, ૨૮ કેદીને બદલે એક જ બેરેકમાં ૪૫ કેદીઓને ઠુંસવામાં આવતાં હોય છે અને ત્યાંથી નિકળવા માટે પણ રૂપિયાની વસુલાત કરવામાં આવતી હોય છે. આ સિવાય મોબાઈલ પર વાત કરવાથી માંડીને વીડિયો કોન્ફરન્સ માટે પણ ૫૦૦ રૂપિયા સુધી ખર્ચ કરવા પડતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સિવાય જેલમાં તમાકુ, ગુટખા, ગાંજાે અને ડ્રગ્સ પણ રૂપિયા ખર્ચ કરતાં મળી જાય છે. જેલ કર્મચારી અને કેદીઓ ચોક્કસ એકાઉન્ટ અને યુપીઆઇ આઈડીમાં પૈસા ટ્રાન્સફર કરાવતા હોવાનું પણ તેણે જણાવ્યું હતું. આ આક્ષેપોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને ચોથા જ દિવસે શિવા સામે ખંડણીનો ગુનો નોંધાયો હતો.