લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, મે 2026 |
2475
આંગડિયા પેઢીમાંથી નાણાં ઉપાડી મિત્રની ગાડીમાં પાણીપુરી ખાવા રોકાવું વેપારીને ભારે પડ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો મણિનગરના રામ બાગ વિસ્તારમાં બન્યો છે. જેમાં પકોડી ખાવા માટે રામબાગ ચાર રસ્તા પાસે આવેલી સરદાર પટેલ હોસ્પિટલની ગલીમાં પાર્ક કરેલી એક મહિન્દ્રા થાર ગાડીનો કાચ તોડી અજાણ્યો પલ્સર મોટરસાઇકલ સવાર તસ્કર રૂ. ૩,૧૮,૫૦૦ની રોકડ રકમ ભરેલી થેલી ચોરીને રફુચક્કર થઈ ગયો છે. આ અંગે મણિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઇસનપુર વિસ્તારમાં રહેતા અને છત્તીસગઢ (રાયપુર) ખાતે પ્લાસ્ટિકનો વ્યવસાય કરતા વેપારી બ્રિજેશભાઈ રસિકભાઈ ઠક્કર ગત ૧૩ મેના રોજ નારોલ સ્થિત એક આંગડિયા પેઢીમાંથી રૂ. ૩,૧૮,૫૦૦ રોકડા લઈને નીકળ્યા હતા. તેઓ પોતાના મિત્ર મોન્ટુભાઈની થાર ગાડી લઈને મણિનગર રામબાગ તરફ આવ્યા હતા. સાંજે ૪:૩૦ વાગ્યાની આસપાસ સરદાર પટેલ હોસ્પિટલની ગલીમાં ગાડી રોડ પર પાર્ક કરી તેઓ નજીકની લારી પર પાણીપુરી ખાવા ગયા હતા. માત્ર ૧૫ જ મિનિટમાં જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે ગાડીની ડ્રાઈવર સાઈડની બાજુનો કાચ તૂટેલો હતો અને સીટ પર રાખેલી ગુલાબી રંગની પ્લાસ્ટિકની થેલી, જેમાં રોકડા રૂપિયા હતા, તે ગાયબ હતી. ભોગ બનનાર વેપારીના જણાવ્યા મુજબ, કોઈ અજાણ્યો શખ્સ પલ્સર મોટરસાઇકલ પર આવ્યો હતો અને ક્ષણભરમાં ગાડીનો કાચ તોડી નુકસાન કરીને ચોરી કરી નાસી ગયો હતો.
કારચાલક મહિલા ડોક્ટરની નજર ચૂકવી આઈફોનની ચોરી
ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા દીપાબેન જાેષી ગત રવિવારે સાંજે પોતાની કાર લઈને હાંસોલ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન હાંસોલ તલાવડી પાસે એક અજાણી હુન્ડઈ કારમાં આવેલા ત્રણ ઈસમો અને એક બાળકે તેમની ગાડીને પાછળથી સામાન્ય ટચ કરી હતી. ગાડી અટકાવીને આરોપીઓએ હિન્દીમાં નુકસાનીના પૈસા માંગવા બાબતે બૂમાબૂમ શરૂ કરી દીધી હતી. મહિલા ડોક્ટરે પોલીસને ફોન કરવાની વાત કરતા જ તમામ આરોપીઓ કાર લઈને ત્યાંથી ભાગી છૂટ્યા હતા. જાેકે, બાદમાં દીપાબેહેનને જાણ થઈ કે તકરાર દરમિયાન આરોપીઓ તેમની કારના ખુલ્લા કાચમાંથી સીટ પર રાખેલો આશરે ૮૪,૦૦૦ ની કિંમતનો આઈફોન ૧૫ નજર ચૂકવીને ચોરી ગયા છે. આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.