28, સપ્ટેમ્બર 2024
693 |
વડોદરાના ચેપી રોગની હોસ્પિટલ રોડ પર આવેલા વેદ મંદિર સામે શનિવારે સવારે ધડાકાભેર વટવૃક્ષ ધરાશાયી થયું હતું. જેના પગલે લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ ઝાડ હટાવવા માટે સ્થાનિકો દ્વારા બે દિવસ અગાઉ જ અરજી આપવામાં આવી હતી પરંતુ તે હટાવાયું ન હતું અને શનિવારે અચાનક ધરાશાયી થતા એક પરિવાર ઘરમાં ફસાયો હતો.
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વેદ મંદિર પાસે એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. આ ઘટનામાં વૃક્ષ પડ્યું પડતા થાંભલાનું અડચણ હોવાના કારણે પરિવાર બહાર નિકળી શક્યો ન હતો. ભયના ઓથાર હેઠળ ઘરમાં જ પુરાઇ રહેવા મજબુર બન્યા હતા. બાદમાં વીજ કંપનીના કર્મચારીઓએ આવીને થાંભલાનું અડચણ દુર કરીને તેમને મુક્ત કરાવ્યા હતા. ઝાડ પડવાથી ઘરમાં ફસાયેલા પરિવારના સભ્યે જણાવ્યું હતું કે , આ વૃક્ષ ટ્રીમ કરવા માટે ૬ મહિના પહેલા જ વન વિભાગમાં રજૂઆત કરી હતી, પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યાર બાદ બે દિવસ અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી. સવારે ૬ વાગ્યે ઘટના ઘટી હતી. એકદમ અમારી લારી પર કંઇ પડવાનો અવાજ આવ્યો, અને અમે બધા જાગી ગયા હતા. જાગ્યા બાદ પણ અમે અંદર જ હતા, લાઇટનો વાયર પડ્યો હોવાથી અમે નિકળીએ કેવી રીતે. નિકળવાની જગ્યા જ ન હતી. અમે અંદર જ ફસાઇ રહ્યા હતા. ત્યાર બાદ વીજ કંપનીને જાણ કરવામાં આવી હતી. તેઓ આવ્યા બાદ અમે ત્રણ જણા માંડ માંડ નિકળ્યા હતા. અમે બધા દબાઇ જાત તો ! અમે બચી ગયા, આ થાંભલો ના હોત તો અમે કોઇ બચત નહીં.