લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, એપ્રીલ 2026 |
1980
સાયબર ગઠીયાઓ રોજેરોજ અનેક લોકોને શિકાર બનાવી રહ્યાં છે. ખાસ કરીને ઠગોના નિશાના પર વડીલો આવી રહ્યાં છે. આવોજ એક એક કિસ્સો અમદાવાદમાં બન્યો છે. મની લોન્ડરિંગ કેસમાં તેમનું બેન્ક એકાઉન્ટ વપરાયું હોવાનું કહીને અમદાવાદના વૃદ્ધ મહિલાને કેટલાંક સાયબર ગઠીયાઓએ વિડીયો કોલ કરીને પોલીસની બીક બતાવીને નાણા પડાવવાની ઘટના પ્રકાશમાં આવી છે.
શહેરના વાડજમાં વૃદ્ધ મહિલા પર વોટ્સએપ પર વિડીયો કોલ આવ્યો હતો. કોલ કરનાર વ્યક્તિએ પોલીસ હવાની ઓળખ આપીને મહિલાને ધમકાવીને કહ્યું હતું કે તેમના આધાર કાર્ડથી ખોટું બેન્ક એકાઉન્ટ ખોલાવી બેન્ક એકાઉન્ટ મની લોન્ડરિંગ કેસમાં વપરાયું છે. અત્યારે આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને આ કેસમાંથી બચવા તેમણે કોર્ટની ફી ભરવી પડશે. ગઠિયાએ વૃદ્ધા પાસેથી બેંકની વિગત અને તેમની પાસે રહેલા દાગીના અને સંપત્તિની વિગત મેળવી હતી.
ગઠીયાથી ડરીને વૃદ્ધાએ ૫.૩૧ લાખ ટ્રાંસફર કર્યાં ગઠિયાએ વૃદ્ધાને કેસમાંથી બચવા માટે કોર્ટની ફી ભરવાનું કહેતા વૃદ્ધા બેંકમાં ગયા હતા અને ૫.૩૧ લાખ રૂપિયાની રકમ ગઠીયાએ આપેલા બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી હતી. ત્યારબાદ કહ્યું હતું કે તમારો કેસ કોર્ટમાં ચાલે છે. તો બીજા પૈસા જમા કરો અને તમારા ઘરેણા વેચીને પણ પૈસા જમા કરો. વૃદ્ધાને ડરાવવા માટે નકલી લેટર અને સુપ્રીમ કોર્ટનો પણ નકલી લેટર મોકલ્યો હતો. વૃદ્ધાને સતત વિડીયો કોલ કરતો હતો અને બીજા પૈસા મંગાવતો હતો. આ દરમિયાન વૃદ્ધાનો દીકરો ઘરે આવ્યો ત્યારે તેણે વૃદ્ધાના ફોનમાં તપાસ કરી ત્યારે ફ્રોડ થાય છે જાણ થઈ હતી. વૃદ્ધાએ આ અંગે સાયબર ક્રાઈમમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.