લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, મે 2026 |
2376
ઓલપાડ સિટી સર્વે કચેરીનાં શિરસ્તેદાર એટલે કે મુખ્ય કારકૂનને ત્રણ હજાર રૂપિયા લાંચ લેતાં એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પ્રોપર્ટીકાર્ડમાં નામ ચઢાવવાની અરજી દીઠ ૧૦૦૦ રૂપિયા લાંચ માંગતો હોવાની વકીલ તરફથી ફરિયાદ મળતા એસીબીએ ગોઠવેલા છટકામાં તે આબાદ ફસાયો હતો. એન્ટિ કરપ્શન બ્યુરોનાં મદદનીશ નિયામક આર. આર. ચૌધરીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રેવન્યુ પ્રેક્ટિસ કરતા એક વકીલ તરફથી એવી ફરિયાદ મળી હતી કે, ઓલપાડ સિટી સર્વે કચેરીમાં શિરસ્તેદાર તરીકે ફરજ બજાવતો નિલેશ બાલુભાઇ પાંડવ કાયદેસરનું તેમની ફરજ હેઠળ આવતું કામ પણ લાંચ લીધા વિના કરતા નથી. વકીલને તેમના અસીલ તરફથી પ્રોપર્ટીકાર્ડમાં નામ ચઢાવવા માટે ત્રણ અરજીઓ આ સિટી સર્વે કચેરીમાં આપી છે. આ અરજી સાથે આવશ્યક એવા તમામ ડોક્યુમેન્ટ રજુ કરવામાં આવ્યા છતાં કચેરીનાં મુખ્ય કારકુન નિલેશ પાંડવે આગળની પ્રોસીજર કરી ન હતી.
અરજી અંગે ઇન્ક્વાયરી કરવા ગયા તો પાંડવે તેમની પાસે લાંચની માંગણી કરી હતી. અરજી દીઠ હજાર રૂપિયા આપો તો કામ થઈ જશે એવા મતલબની વાત કરી પાંડવે આડકતરી રીતે પૈસા નહીં તો કામ નહીં એવી ચીમકી આપી હતી. અસીલનું કામ અટવાતું હોવા સાથે લાંચ આપવા નહીં માંગતાં હોવાની રજૂઆત પણ વકીલે કરી હતી. જેથી તેમની ફરિયાદ લેવા સાથે શિરસ્તેદાર પાંડવ સાથે લાંચની રકમ અને કામ બાબતે વકીલને વાતચીત પણ કરાવાઇ હતી. જેમાં પાંડવે સિટી સર્વે કચેરીમાં આવવા કહેતાં વકીલ સાથે એસીબીની ટીમ પણ ત્યાં પહોંચી હતી.
સિટી સર્વે કચેરીમાં પહોંચેલા વકીલને પાંડવે સુપરિન્ટેન્ડેન્ટની ચેમ્બરની બહાર ખુલ્લા પેસેજમાં બોલાવ્યો હતો. અહીં મળેલા પાંડવે વકીલ પાસે લાંચ પેટે ત્રણ હજાર રૂપિયા લેતા જ એસીબીએ તેને ઘેરી લીધો હતો. લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપાયેલા નિલેશ પાંડવની ઇન્સ્પેક્ટર આર. કે. સોલંકીએ ધરપકડ કરી વધું તપાસ આરંભી છે.