વિધાનસભામાં અશાંતધારા સંબંધિત વિધેયકની ચર્ચામાં સુરતમાં ચાલતાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠશે
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, માર્ચ 2026  |   સુરત   |   2277

અશાંતધારા હેઠળ આવરી લેવાયેલાં વિસ્તારમાં કલેક્ટરાલય અને પોલીસ અધિકારીઓ દ્વારા બેફામ ભ્રષ્ટાચાર આચરીને વિધર્મીઓને મિલકતોની ખોટી રીતે તબદિલી કરી આપવામાં આવતી હોવાનો ખુલ્લો આરોપ મૂકનાર ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રાણા બુધવારે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવે તેવી સંભાવના છે. વિધાનસભામાં બુધવારે અશાંતધારા સંબંધિત વિધેયકની ચર્ચા થવાની છે ત્યારે અરવિંદ રાણા પોતાનાં વિસ્તારમાં ખોટી રીતરસમો અપનાવીને ૩૭ મિલકતોની તબદિલી અંગે આપવામાં આવેલી પરવાનગી અંગે કલેક્ટરાલય અને પોલીસ તંત્રની પોલ ખોલશે તેમ મનાય છે. સુરતમાં અશાંતધારા વિસ્તારમાં ભ્રષ્ટાચાર આચરીને વિધર્મીઓને મિલકત તબદિલીની મંજૂરી આપવામાં આવતાં હિન્દુ પરિવારો હિજરત કરી રહ્યાં

હોવાથી આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવીશ તેમ અરવિંદ રાણાએ જણાવ્યું હતું.

ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રાણા છેલ્લા ઘણાં સમયથી વિધર્મીઓની મિલકત તબદિલીની અરજીઓને આપવામાં આવતી મંજૂરી બાબતે જિલ્લા સંકલન સમિતિ તેમજ મહાનગર પાલિકાની સંકલન સમિતિની બેઠકમાં રજૂઆત કરતા રહ્યાં છે. કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને મળતી સંકલન સમિતિની બેઠકમાં મિલકત તબદિલી અંગે અપાયેલી મંજૂરી અંગે રીવ્યુ કરી પગલાં લેવાની ખાતરી આપવામાં આવે છે પરંતુ હકીકતમાં આજદિન સુધી એક પણ કિસ્સામાં કલેક્ટરાલય કે પોલીસ સત્તાધીશોએ રીવ્યુ કરાયું નથી. માર્ચ મહિનાની સંકલન સમિતિની બેઠક પહેલાં ધારાસભ્ય અરવિંદ રાણાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને કેટલાંક ગંભીર આક્ષેપો કર્યાં હતાં જેમાં તેમણે જણાવ્યું હતું કે, કલેક્ટરાલયનાં અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓ બેફામ ભ્રષ્ચાચાર આચરીને હિન્દુઓની મિલકતો વિધર્મીને તબદિલ કરી આપે છે. અરવિંદ રાણાએ તેમનાં વિધાનસભા વિસ્તારની આવી મિલકતોની યાદી માગી હતી જેમાં તંત્ર દ્વારા આવી ૩૭ મિલકતોને પરવાનગી અપાઇ હોવાનો જવાબ આપ્યો હતો. આ તમામ ૩૭ મિલકતોને ખોટી રીતરસમો અપનાવી ભ્રષ્ટાચાર આચરીને વિધર્મીઓને તબદિલ કરાઇ હોવાથી તેની સમીક્ષા કરવાની માગણી અરવિંદ રાણાએ કરી હતી.

હવે બુધવારે વિધાનસભામાં અશાંતધારા સંબંધિત વિધેયક ઉપર ચર્ચા થવાની છે ત્યારે સુરતમાં અધિકારીઓ દ્વારા ખોટી રીતે વિધર્મીઓની મિલકતો તબદિલીની અરજીને મંજૂરી આપવામાં આવે છે તે મુદ્દો ઉઠાવવાનું ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું. ભાજપનાં જ ધારાસભ્ય દ્વારા ગંભીર આક્ષેપો સાથે વિધાનસભામાં મુદ્દો ઉઠાવવામાં આવશે તો કલેક્ટરાલય અને પોલીસ તંત્રનાં ઉચ્ચાધિકારીઓ ઉપર પણ તવાઇ આવવાની સંભાવના નકારી શકાય નહીં.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution