લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, માર્ચ 2026 |
2277
ગાંધીનગર, સુરત : સુરત પૂર્વ વિધાનસભા વિસ્તારનાં ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રાણાએ આજે વિધાનસભામાં સુરત કલેક્ટરાલય અને પોલીસ તંત્રની જાંઘ ખોલીને મૂકી દીધી હતી. અશાંતધારા કાયદાને આર્થિક ઉપાર્જન એટલે કે ભ્રષ્ટાચારનું સાધન બનાવનાર કલેક્ટરાલય અને પોલીસ તંત્રે ખુલ્લેઆમ રૂપિયા ગજવે ઘાલી વિધર્મીઓનાં હિતમાં હકારાત્મક અભિપ્રાય આપીને અશાંતધારા કાયદાનો સર્વનાશ કર્યો હોવાથી હિન્દુ પરિવારો હિજરત કરી રહ્યાં હોવાનો ગંભીર આક્ષેપ અરવિંદ રાણાએ વિધાનસભામાં કર્યો હતો. છેલ્લા ઘણાં સમયથી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં અરવિંદ રાણા આ ગંભીર મુદ્દો ઉઠાવીને કલેક્ટરને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરતાં હતાં પરંતુ માત્ર પોકળ વાયદા સિવાય તેમની રજૂઆતોનું નક્કર નિરાકરણ નહીં આવતાં આક્રામક બનેલાં ધારાસભ્ય અરવિંદ રાણાએ વિધાનસભામાં કલેક્ટરાલય અને પોલીસતંત્રની આબરૂનાં ધજાગરાં ઉડાવ્યાં હતાં. ગુજરાત વિધાનસભામાં આજે અશાંતધારા (સુધારા)વિધેયક બાબતે ચર્ચા ચાલી હતી જેમાં સુરતનાં ધારાસભ્ય અરવિંદ રાણાએ લંબાણપૂર્વક પોતાની રજૂઆત કરી હતી. તેમણે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, તેમનાં રાણાસમાજનાં નવિન રાણાએ નવાપરા વિસ્તારમાં મસ્જિદ નથી અને મંદિર છે તેવી લેખિત રજૂઆતો કરી હોવા છતાં અધિકારીઓએ મસ્જિદે માઝમ હોવાનો તદ્દન ખોટો અહેવાલ આપી વિધર્મીને મિલકત તબદિલી અંગે હકારાત્મક અભિપ્રાય આપી દીધો હતો. નવાપરા અને આસપાસનાં વિસ્તારની છથી સાત ગલીમાં સાત મંદિરો હોવા છતાં કલેક્ટરાલય અને પોલીસ તંત્રનાં અધિકારીઓએ આર્થિક વ્યવહારો કરીને વિધર્મીઓનાં હિતમાં મિલકત તબદિલીનાં હકારાત્મક અભિપ્રાયો આપી દીધાં છે. આ બાબતે સંકલન સમિતિની બેઠકમાં કલેક્ટરને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી હતી જેથી પોલીસ કમિશનરે નાયબ કમિશનરને તપાસ માટે મોકલ્યાં હતાં જેમાં સ્થળ ઉપર મસ્જિદ નહીં હોવાનું પ્રસ્થાપિત થયું હતું. આ કિસ્સામાં ગાંધીનગર એસએસઆરડી પાસેથી કેસ રીવ્યુ કરી પ્રકરણ પરત મેળવી અશાંતધારાની પરવાનગી રદ્દ કરવાની ખાતરી આપવામાં આવી હતી. ધારાસભ્ય અરવિંદ રાણાએ વિધાનસભામાં સુરત શહેરમાં અશાંતધારા કાયદાનાં અમલમાં ચાલી રહેલી ગોબાચારીને ઉજાગર કરતાં કહ્યું હતું કે, તેમનાં વિસ્તારમાં વિધર્મીઓને મિલકત તબદિલીનાં ૮૦ ટકા કિસ્સામાં હકારાત્મક અભિપ્રાય આપી દેવાયા છે જેમાં કલેક્ટરાલય અને પોલીસ તંત્રનાં અધિકારીઓએ આર્થિક વ્યવહાર કરીને હકારાત્મક અભિપ્રાય આપ્યાં છે. વિધર્મીઓ મિલકત લઇ લે ત્યારપછી નવરાત્રિ જેવાં હિન્દુ તહેવારોની ઉજવણી વેળા ફરિયાદો કરીને માનસિક ત્રાસ આપતા હોવાથી હિન્દુ પરિવારો ત્રાસી ગયાં છે. બીજીવાત તેમણે એવી કરી હતી કે, હિન્દુઓ પાસેથી મિલકત તબદિલ કરાવી લીધા બાદ વિધર્મીઓ તુર્ત જ મિલકત જમીનદોસ્ત કરી દે છે જેથી મિલકત તબદિલીની કાર્યવાહીની સમીક્ષા પણ થાય તો પણ હિન્દુને તેની મિલકત મળી શકે જ નહીં. અધિકારીઓની ભ્રષ્ટ નીતિને કારણે સ્થાનિક હિન્દુ પરિવારોને સરકારી તંત્ર ઉપર વિશ્વાસ જ રહ્યો નથી. હિન્દુ વિસ્તારમાં ૩૭ મિલકતોમાં વિધર્મીઓને તબદિલ કરવાની મંજૂરી આપવામાં આવી છે જેમાં સ્થાનિક રહિશોની સંમતિ કે જાણ વિના મિલકત તબદિલીની મંજૂરી મળી જાય છે અને વિધર્મીઓ તે મિલકત ઉપર એપાર્ટમેન્ટ બનાવે છે જેમાં વિધર્મીઓ પરિવાર સાથે વસવાટ કરવા આવી જઇને હિન્દુ પરિવારોનું જીવન દોહ્યલું બનાવી દેતા હોવાથી હિન્દુ પરિવારો હિજરત કરી જાય છે જે પાપ વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. વિધર્મીઓને મિલકત તબદિલીની પરવાનગી આપવામાં સૌથી ભૂંડી ભૂમિકા મામલતદારની છે તેઓ સંબંધિત મિલકતની આસપાસ કે સામે રહેનારા પરિવારની સંમતિ કે જાણ કર્યા વિના હકારાત્મક અભિપ્રાય આપે છે. આવી ૮૦ ટકા મિલકતોમાં ખોટી રીતે હકારાત્મક અભિપ્રાય આપી દેવાયા છે.જે મિલકતમાં રૂપિયા મળ્યાં ના હોય તે કિસ્સામાં નકારાત્મક અભિપ્રાય અપાય છે. આ બાબતે ઉચ્ચસ્તરીય સમિતિનું ગઠન કરી ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની રજૂઆત પણ અરવિંદ રાણાએ કરી હતી. અશાંતધારા વિસ્તારોમાં વિધર્મી દ્વારા મિલકતની તબદિલીની મંજૂરી માટે આવે ત્યારે જે તે મિલકત ઉપર ખરીદનાર પક્ષકાર દ્વારા ગુજરાતી ભાષામાં બોર્ડ મારવા જાેઇએ અને આવા બોર્ડ કે બેનર ફરજિયાત લગાવવાની ગાઇડલાઇન સમગ્ર રાજ્યમાં આપવાની ભલામણ કરવા સાથે અરવિંદ રાણાએ વધુમાં મિલકત તબદિલીનાં વિવાદાસ્પદ અને આક્ષેપાત્મક કિસ્સાની પુન: સમીક્ષા કરવાની સત્તા કલેક્ટરને આપવી જાેઇએ તેવી પણ રજૂઆત વિધાનસભામાં કરી હતી.